• સોમવાર, 04 માર્ચ, 2024

ફેડની બેઠક શરૂ : સોનાનો ભાવ ત્રણ સપ્તાહના તળિયે  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 12 : અમેરિકાના ફુગાવાના આંકડાઓની જાહેરાત અને ફેડની બેઠક પૂર્વે સોનાના ભાવ ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. ન્યૂયોર્કમાં ભારે વેચવાલી વચ્ચે 1988 ડોલરનો ભાવ સોનામાં થઇ ગયો છે અને ચાંદી 22.91 ડોલરના સ્તરે પહોંચી છે.  

એક્ટિવ ટ્રેડસના વિષ્લેષક કહે છેકે, સોનાના ભાવ ટૂંકાગાળામાં ફરી વધવાની શક્યતા છે અને ભાવ 2000 ડોલર ઉપરકોઇપણ સપાટીએ ટકી રહી શકે છે. જોકે પૂર્વે અમેરિકામા ફુગાવાના આંકડાઓ કેવા આવે છે તે મહત્વનું બનશે. ફુગાવો ઉંચો આવે તો સોનાને ઘટવું પડશે. અમેરિકામાં પાછલા સપ્તાહે રોજગારીના આંકડાઓ મજબૂત આવ્યા છે જોતા સીપીઆઇ અર્થાત ફુગાવાનો આંકડો અમેરિકામાં ઉંચો આવે એમ છે.  

ગયા સપ્તાહ સુધી એવું માનવામાં આવતું હતુ કે ફેડ દ્વારા અમેરિકાના વ્યાજદરમાં માર્ચ પૂર્વે કાપ મૂકવામાં આવશે. હવે રોજગારીનો આંકડો સુધર્યો છે અને ફુગાવો પણ વધીને આવે તો સમયમાં વિલંબ થઇ શકે છે. ફુગાવો અમેરિકામાં 4 ટકા છે અને ફેડનું લક્ષ્યાંક 2 ટકાનો છે. 

ફેડની બેઠક મંગળવારથી શરૂ થઇ છે અને બુધવારે પૂરી થશે. જોકે ફેડ વ્યાજના દરમાં કોઇ ફેરફાર નહીં કરે એમ બધા માને છે. મે મહિનામાં પહેલો વ્યાજકાપ આવશે એવું માનનારા ઝાઝા છે. ફેડની બેઠક પછી યુરોપીયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ગુરુવારે મળનાર છે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામ પ્રમાણે રૂ. 100 ઘટીને રૂ. 62150 અને મુંબઇમાં રૂ. 175 ઘટતા રૂ. 61277 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોદીઠ રૂ. 100 ઘટીને રૂ. 72000 તથા મુંબઇ બજારમાં રૂ. 173 વધીને રૂ. 71575 હતી.