• સોમવાર, 04 માર્ચ, 2024

સોવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમની આ વર્ષની ચોથી સિરીઝ ખુલ્લી મુકાઈ   

પ્રતિ ગ્રામ ભાવ રૂા. 6263 નક્કી થયો

મુંબઈ, તા. 12 : સરકાર વતી રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા નાણાં વર્ષ 2023-24નો ચોથી સિરીઝના  સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) સ્કીમનો ઇસ્યૂ આજથી શરૂ કરવામાં આવ્યો છે.  આવતી 16 ફેબ્રુઆરી સુધી તેમાં રોકાણ કરી શકાશે. સોવરિન ગોલ્ડ માટે પ્રતિ ગ્રામ ભાવ રૂા. 6263 નક્કી કરવામાં આવ્યો હોવાનું આરબીઆઇએ જણાવ્યું છે.  

ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન (ઈબજા) દ્વારા પાછલા ત્રણ દિવસના 999 પ્યોરિટી ગોલ્ડના ભાવની સરેરાશ સબક્રીપશન શરૂ થવાના દિવસે ઇસ્યૂ પ્રાઈસ તરીકે લાગુ થાય છે. જે રૂા. 6263 પ્રતિ ગ્રામ થયો હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.  ઉપરાંત સરકારે આરબીઆઇ સાથે ચર્ચા કરી સ્કીમમાં રોકાણ માટે ઓન લાઇન પેમેન્ટ કરનાર અરજદારને પ્રતિ ગ્રામ રૂા. 50નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આમ અૉનલાઇન પેમેન્ટ કરનાર વ્યક્તિ માટે ગોલ્ડ બૉન્ડનો ભાવ પ્રતિ ગ્રામ રૂા. 6213 થશે.  

સરકાર દ્વારા માર્કેટમાંથી કરજ ઉપાડવાના કાર્યક્રમના ભાગ રૂપે ગોલ્ડ બૉન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. બૉન્ડ એક ગ્રામના ગુણાંકમાં ખરીદી શકાશે અને તેની મુદત 8 વર્ષની છે. તે પહેલાં જો કોઈને રોકાણ છૂટું કરવું હોય તો પાંચમા વર્ષે બૉન્ડ વેચી શકશે અને તેમનું તે અનુસાર વ્યાજ કપાશે. માત્ર નિવાસી ભારતીયો, હિન્દુ સંયુક્ત પરિવાર (એચયુએફ), ટ્રસ્ટ, યુનિવર્સિટી અને સખાવત સંસ્થાઓ ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે. 

પ્રતિ નાણાવર્ષ (એપ્રિલથી માર્ચ) દરમિયાન કમ સે કમ એક ગ્રામ અને મહત્તમ 4 કિલો માટે ગોલ્ડ બોન્ડ વ્યક્તિ ખરીદી શકે છે, પ્રમાણે એચયુએફ પણ 4 કિલો સુધી અને ટ્રસ્ટ અને તેના જેવી સંસ્થાઓ મહત્તમ 20 કિલો સુધીના ગોલ્ડ બૉન્ડ ખરીદી શકે છે.  ગોલ્ડ બૉન્ડ બૅન્કો, સ્ટોક હોલ્ડિંગ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા, પોસ્ટ અૉફિસો તેમ એનએસઈ અને બીએસઈ જેવા અધિકૃત સ્ટૉક એક્સ્ચેન્જ વેચી શકશે.