• સોમવાર, 04 માર્ચ, 2024

પેટીએમ પૅમેન્ટ્સ બૅન્ક વિશે નિર્ણયના ફેરવિચારની શક્યતા ઓછી : શક્તિકાંત દાસ  

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક વિશે લેવાયેલા નિર્ણય વિશે ફેર વિચાર કરવાની શક્યતા બહું ઓછી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. 

પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક (પીપીબીએલ) સામે ગત 31મી જાન્યુઆરીએ લેવામાં આવેલા મોટા પગલાં હેઠળ આરબીઆઈએ તેમને ગ્રાહકો પાસેથી નવી ડિપોઝિટ સ્વીકારવા અને વૉલેટમાં નાણાં જમા કરવા સામે, ફાસ્ટટેગ રીચાર્જ, વૉલેટ શરૂ કરવા જેવા વિવિધ કામો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 

અહીં પત્રકારોને સંબોધતાં દાસે કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક સામે લેવામાં આવેલા પગલાં વિશે ફેર-સમીક્ષા કરવાની શક્યતા ઘણી ઓછી છે. ઊંડા અભ્યાસ બાદ નિયામક હેઠળ આવતી સંસ્થા સામે પગલાં લેવામાં આવતા હોવાથી તેની પુન:સમીક્ષા કરવાની શક્યતા ઘણી ઓછી રહે છે, એમ તેમણે ઉમેર્યું હતું. આરબીઆઈ ફિનટેક ક્ષેત્ર માટે સહાયભૂત થાય છે, પરંતુ ગ્રાહકોના હિતોની સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવા માટે પણ આરબીઆઈ પ્રતિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.  

આરબીઆઈ પેટીએમ બાબતે સામાન્યપણે પૂછવામાં આવતા પ્રશ્નોના ઉત્તરો (એફએક્યુ) જાહેર કરશે.