• શુક્રવાર, 06 જૂન, 2025

યુક્રેન-રશિયા યુદ્ધ વકરશે? : પુતિનનાં પગલાં પર મીટ

ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉપરાઉપરી નિવેદનો વચ્ચે યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો ભીષણ હુમલો કરીને તેનાં યુદ્ધ વિમાનોનો કાફલો નષ્ટ કરી દેતાં ત્રણ વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત આવવાની સંભાવના અશક્ય થઈ ગઈ છે. બલકે, વિશ્વ સમુદાય સમક્ષ ક્ષોભમાં મુકાયેલા પુતિન બદલાની કાર્યવાહીમાં વધુ ક્રૂર બની રહ્યા છે.

યુક્રેને અણધારી રીતે રશિયામાં અંદર ઘૂસીને  ભયાનક ડ્રૉન હુમલો કર્યો. 40 વિમાન નષ્ટ થઇ ગયાં અને વિમાનમથકો તબાહ થઈ ગયાં. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ખુદ સોશિયલ મીડિયામાં તેનું એલાન કર્યું. અત્યાર સુધી પોતાને અજેય માનતા રશિયાનો આ મોટો ફટકો માનવામાં  આવે છે, કેમ કે, તેનાં અતિ મોંઘાં જાસૂસી વિમાનો તથા કોમ્બેટ વિમાનો ભંગાર બની ગયાં છે. પુતિનને  સંભવતઃ ભાન થયું છે કે ઝેલેન્સ્કી મચક આપે તેમ નથી. અમેરિકા-યુરોપ સહિતના દેશોનું સમર્થન અને સહાય મેળવીને યુક્રેન રશિયાને ભારે પડી રહ્યું છે. ભય એવો છે કે, પુતિન યુક્રેન પર અણુ હુમલો કરી બેસે તો દુનિયા માટે એ મોટી હોનારત હશે.

તંગ બનેલા માહોલ વચ્ચે ઇસ્તંબુલ (તુર્કી)માં યુક્રેન-રશિયા વચ્ચેની શાંતિ મંત્રણા એક કલાકની અંદર સમેટાઈ ગઈ. ઝેલેન્સ્કીએ રૂસ પર જી-7 સ્તરનો પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. શાંતિ મંત્રણા પહેલાં યુક્રેની રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, શાંતિ માટે દરેક પગલાં ભરવાં તેઓ તૈયાર છે, પરંતુ મંત્રણાના બરોબર એક દિવસ પહેલાં જ તેમણે રશિયામાં  ઘૂસીને સૌથી મોટો હુમલો કર્યો. ઝેલેન્સ્કીને  આશા હતી કે, હવે પુતિન મંત્રણાની મેજ પર આવવા મજબૂર બનશે. રશિયા યુદ્ધ દરમિયાન ક્યારેય દબાણમાં જણાયું નથી. અમેરિકા અને યુરોપના મુખ્ય દેશો ખુલ્લેઆમ યુક્રેનના પડખે રહ્યા છે. આર્થિક અને સૈન્ય મદદ પહોંચાડતા રહ્યા છે, તેમ છતાં ત્રણ વર્ષથી રશિયા ટક્કર લઈ રહ્યું છે. એટલું જ નહીં, યુક્રેનનાં કેટલાંય ક્ષેત્રો પર રૂસી સેનાએ કબજો કરી લીધો છે.

યુક્રેન-રશિયા લડાઈ એ સમગ્ર દુનિયા માટે ચિંતાકારક છે. પશ્ચિમી દેશોને હવે 80 વર્ષે વિશ્વયુદ્ધ છેડાવાનો ભય સતાવી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ