• બુધવાર, 15 એપ્રિલ, 2026

હીટવૅવમાં કામના ‘કૂલ’ કલાકોની રાહત

ઉનાળામાં ગરમીની સતત વધતી તીવ્રતા અને હીટવૅવના વધતા દિવસોને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ખાતાએ બહાર પાડેલી માર્ગદર્શિકામાં સવારના પ્રમાણમાં ઠંડા વાતાવરણમાં કામ ગોઠવવાના નિર્દેશ અપાયા છે. ગરમીની દૃષ્ટિએ સંવેદનશીલ દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી  એક મહારાષ્ટ્રમાં અૉરેન્જ અને રેડ ઍલર્ટ દરમિયાન બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે ફરજિયાત બ્રૅક આપવાની પણ સૂચના અપાઈ છે. વળી, કાયમી નહીં એવા કર્મચારીઓ માટે આ જોગવાઈઓ કરી મહારાષ્ટ્ર સરકારે ઉનાળામાં માણસાઈની દૃષ્ટિએ ઉત્તમ પહેલ કરી છે. આ ઉપરાંત, પીવાનાં પાણીના બૂથ તથા અન્ય તકેદારીઓનો પણ સમાવેશ છે. વળી, તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને ભરબપોરના સમયે પાર્ક્સ અને બગીચાઓ ખુલ્લા રાખવા સાથે મજૂર નાકા તથા ટ્રાફિક જંક્શન પર હંગામી શૅડ્ઝ ઊભા કરવાની સૂચના આપવા સાથે કટોકટીના સમયે સરકારી ઇમારતોને કાલિંગ શૅલ્ટરમાં પરિવર્તિત કરવા તથા પંખા, પીવાનું પાણી તથા આરામ માટે ચટાઈઓની વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી છે.

મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ખાંદેશમાંના પંદર જિલ્લા ઉનાળા આત્યંતિક ગરમી ધરાવનારા તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમાં લાતુર, અમરાવતી, યવતમાળ, વાશિમ, અકોલા, બુલઢાણા, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, ગોંદિયા, ભંડારા, જળગાંવ, નંદુરબાર, ધુળે અને નાંદેડનો સમાવેશ થાય છે. સાથે જ મુંબઈ તથા રાજ્યના અન્ય ભાગોમાં પણ હીટવૅવ જેવી પરિસ્થિતિ હોય ત્યારે હાલમાં જ રજૂ કરાયેલી સ્ટાન્ડર્ડ અૉપરાટિંગ પ્રોસિઝર (એસઓપી) લાગુ કરવાની સૂચના અપાઈ છે. મુંબઈમાં કામના સ્ટેગર્ડ કલાકો અમલમાં મૂકવાનો મુદ્દો કોરોનાકાળ પહેલાંથી જ ચર્ચામાં છે. સવારે અને સાંજે પીક અવર્સમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થતી અમાનવીય ભીડ તથા તેના લીધે થતી જાનહાનિ ટાળવા કામકાજના કલાકોમાં ફેરફારની ફૉર્મ્યુલા કે ભલામણ એકથી વધુ સરકારી અને ખાનગી અભ્યાસ-સમિતિઓએ કરી છે. જોકે, હજી સુધી આ દિશામાં કોઈ નક્કર પગલું લેવાયું નથી. હવે ગરમીમાં ખુલ્લી જગ્યામાં કામ કરતા કાયમી નહીં એવા કર્મચારીઓ માટે રજૂ કરાયેલી આ એસઓપી અને તેમાં કામકાજના કલાકોમાં ફેરફારની જોગવાઈ આવકારદાયક છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ