હોર્મુઝ ખાડીની નાકાબંધી શરૂ કરીને ટ્રમ્પે પોતાની જીત થઈ હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ હવે એમને ખ્યાલ આવ્યો છે કે નાકાબંધીનું પરિણામ નકારાત્મક છે. દુનિયાભરમાં સરકારો અને લોકો ટ્રમ્પને આર્થિક બરબાદી, મોંઘવારી માટે જવાબદાર ગણે છે. ખુદ અમેરિકામાં પણ એમના વફાદાર ગણાતા ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ ટ્રમ્પની ટીકા નહીં, વિરોધ શરૂ કર્યો છે અને આ માટે કાર્ટૂન બનાવીને વાયરલ કર્યા પછી ટ્રમ્પ મૂંઝાયા છે અને કોઈક રસ્તો છટકબારી શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે!
આ દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ નાકાબંધીમાંથી હોર્મુઝની
મુક્તિ અને સલામતી માટે પ્રયાસ કરી રહ્યા છે. 17મી એપ્રિલે એમણે વીડિયો કૉન્ફરન્સ બોલાવી
છે, જેમાં સંરક્ષણ માટે જોડાવા માગતા દેશોને આમંત્રણ અપાશે. હોર્મુઝની ખાડીમાં અવર-જવરની
સલામતી રહે અને સ્વતંત્રતા મળે તેની ચર્ચાવિચારણા થશે. ઈરાન કે અમેરિકામાંથી કોઈની
તરફેણ કે વિરોધ કરવાનો પ્રશ્ન નથી. નાકાબંધીથી જે દેશોની હાલાકી વધી રહી છે તે તમામ
આ કૉન્ફરન્સમાં જોડાશે એમ મનાય છે. આ દિશામાં થોડા દિવસ પહેલાં જ ભારતે પહેલ કરી હતી
હવે જોડાશે એમ લાગે છે.
બીજી બાજુ, રશિયા અને ચીન પણ સક્રિય છે. બન્નેએ અખાતના
દેશોની આઝાદી અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની હિમાયત કરી છે. દુનિયાને જંગલરાજમાં
ધકેલાતી બચાવવી જોઈએ એમ કહે છે. ચીનના વિદેશ ખાતાએ તો ટ્રમ્પના નિર્ણયને બેજવાબદાર
અને ખતરનાક ગણાવ્યો છે.
નાકાબંધીનો વ્યૂહ ઈરાનને ભૂખે મારવાનો અને ઈરાની તેલના
સૌથી મોટા આયાતકાર ચીન ઈરાન ઉપર દબાણ કરવા માટે છે એવો સ્પષ્ટ અભિપ્રાય આંતરરાષ્ટ્રીય
નિરીક્ષકોનો છે.
આમ સંજોગો આશાવાદી છે છતાં વાટાઘાટની ચડ-ઊતર હજુ થોડા
દિવસ ચાલશે. આખરે વિશ્વયુદ્ધનો ભય નિવારી શકાશે એમ લાગે છે.
અમેરિકાના દબાણથી હવે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વાટાઘાટ
શરૂ થઈ છે. દાયકાઓથી આ બન્ને દેશો વચ્ચે ‘નબોલા’ ચાલે છે અને
સંપર્ક નથી. માત્ર સામસામી ગોલંદાજી થયા કરે છે. હવે વાટાઘાટના ટેબલ ઉપર કેમ બેઠા?
હકીકતમાં પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની વાટાઘાટ તૂડી પડી તેના કારણમાં લેબનોન
છે. ઈરાનની મદદથી લેબનોનમાં ઇઝરાયલ વિરોધી આતંકવાદીઓ સલામત અને આક્રમક છે. ઈરાન ઉપરના
હુમલાનો જવાબ લેબનોનના ‘હમાસ’ આપે છે. પાકિસ્તાનના વડા પ્રધાન
શરીફે ‘હરખપદૂકા’ થઈને જાહેરાત કરી દીધી હતી કે યુદ્ધવિરામ
થઈ ગયો છે તે લેબનોનને પણ લાગુ પડે છે! હકીકત અલગ હતી કે લેબનોનને લાગુ નહીં પડે! આ
દરમિયાન ઇઝરાયલે જબરદસ્ત હુમલો કરીને લેબનોનમાં ત્રણસોથી વધુ લોકોને મારી નાખ્યા. અમેરિકાએ
જાહેરાત કરવી પડી કે લેબનોનમાં યુદ્ધવિરામ નથી. ટ્રમ્પની આ જાહેરાત ઇઝરાયલના હુમલા
વાજબી ઠરાવવા માટે હતી.
હવે અમેરિકાએ નાકાબંધી કર્યા પછી તેની હાલત ‘મા મને
કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. તેમાંથી માર્ગ કાઢવા માટે ચાણક્યનીતિ
વાપરી છે. વૉશિંગ્ટનમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થાય તો ઈરાન ઠંડું
પડે! જોવાનું છે કે ટ્રમ્પની શતરંજચાલ સફળ થાય છે કે નહીં પણ ‘હેઝબોલ્લા’ કહે છે અમે સમજૂતી થાય તો પણ નહીં સ્વીકારીએ.