• ગુરુવાર, 02 મે, 2024

20 જૂનને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરો : રાઉત

શહેરનું વાતાવરણ ન ડહોળાય તે માટે મુંબઈ પોલીસે સુરક્ષામાં કર્યો વધારો

મુંબઈ, તા. 20 : ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉતે 20મી જૂનના દિવસને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરવાની અપીલ સંયુક્ત રાષ્ટ્રને કરી હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે એકનાથ શિંદેની બળવાખોરી બાદ મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું અને શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવી હતી. સોમવારે લખેલા પત્રને રાઉતે મંગળવારે આ પત્ર ટ્વીટ કર્યો હતો અને ઠાકરે જૂથના શિવસેના કાર્યકર્તાઓએ મંગળવારે વિશ્વ ગદ્દાર દિવસ તરીકે ઉજવણી કરી હતી.

રાઉતના નિવેદન બાદ મુંબઈ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કર્યો છે. મંગળવારે સવારે સાત વાગ્યાથી મુંબઈ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કોઈ અણબનાવ ન બને અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે શહેરમાં આંદોલન કે ગદ્દાર દિવસની ઉજવણી કે ધરણા ન થાય તેની જાણકારી ભેગી કરવાનું કામ હાથ ધર્યું હતું અને ઠાકરે જૂથની શિવસેનાનાં કાર્યાલયો બહાર સુરક્ષા વધારવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એંતોનિયો ગુતારેસને લખેલા પત્રમાં રાઉતે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 40 વિધાનસભ્યોએ ગયા વર્ષે આ જ દિવસે બળવાખોરી કરીને ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડયો હોવાથી જેમ 21મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે એવી જ રીતે 20મી જૂનને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરવામાં આવે. શિવસેનાના 40 વિધાનસભ્યોનું ભાજપે બ્રેનવૉશ કર્યા બાદ તેઓ શિવસેનાથી અલગ થયા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે દરેક વિધાનસભ્યને રૂા. 50 કરોડ મળ્યા છે. તેમણે તે સમયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બીમારીનો ફાયદો ઉઠાવીને આ પગલું ભર્યું હતું.