મુંબઈ મહાનગરપાલિકાએ 2025-26ના આર્થિક વર્ષ માટે 74 હજાર 427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. 60 કરોડ 65 લાખ રૂપિયાની આ બજેટમાં માલમતા ટૅક્સ, જળ અને મલઃનિસારણ ટૅક્સમાં વધારો થયો નથી એમ આયુક્ત ભૂષણ ગગરાણીએ જણાવ્યું છે. મુંબઈમાં ભારે પ્રમાણમાં યોજનાઓનાં કામ હાથ ધરવામાં આવ્યાં હોઈ ખર્ચ વધારાને લઈ મહાપાલિકાની ફિક્સ્ડ ડિપૉઝિટોનો ઉપયોગ કરવો પડશે.
બજેટમાં શિક્ષણ વિભાગ માટે 3 હજાર 241 કરોડ, બેસ્ટ અનુદાન માટે 1 હજાર કરોડ,
રસ્તા અને વાહતૂક વિભાગ માટે 6 હજાર 519 કરોડ, ઘનકચરા મૅનેજમેન્ટ વિભાગ માટે પાંચ હજાર
548 કરોડ, આરોગ્ય વિભાગ માટે 1 હજાર 958 કરોડ, મુખ્ય હૉસ્પિટલો માટે 2 હજાર 455 કરોડ
અને વિકાસ નિયોજન વિભાગ માટે એક હજાર 831 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુંબઈ મહાપાલિકા લગભગ બે હજાર 50 કિમી લાંબા રસ્તાનું કોંક્રીટીકરણ કરનાર છે.
અત્યાર સુધી એક હજાર 333 કિમી રસ્તાઓનું કોક્રીટીકરણ પૂરું થયું છે. અન્ય કામોને પણ
ગતિ આપવામાં આવશે. સમુદ્રી કિનારા માર્ગ, દહિસર-ભાયંદર લિંક રોડ, ગોરેગામ-મુલુંડ રોડ
યોજના માટે ભારે જોગવાઈ કરવામાં આવી છે. સમુદ્રી માર્ગ માટે 1 હજાર 507 કરોડ 24 લાખની
જોગવાઈ છે. મુંબઈ અગ્નિશમન દળના આધુનિકીકરણ માટે 261 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુંબઈમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે બને છે. તેને લઈ અગ્નિશમન દળને વધુ શક્તિશાળી બનાવવામાં
આવી રહ્યું છે.
નવી યોજનાઓનો સમાવેશ કરતું બજેટ આવનારા વર્ષમાં અનેક યોજનાઓ પૂરી કરશે એ સંતોષ
અને વિશ્વાસ આપનારી બાબત છે. એક ઉલ્લેખનીય બાબત એટલે આ બજેટમાં તંત્રએ આરોગ્ય વિભાગ
માટે 456 કરોડની વધુ જોગવાઈ કરી છે. આરોગ્ય સુવિધા કથળતી જતી હોવાના આક્ષેપો વચ્ચે
આ જોગવાઈ સંતોષકારક છે. અર્થાત્ મુંબઈમાં મહાપાલિકાનાં દવાખાનાં, હૉસ્પિટલો અને દર્દીઓનો
વિચાર કરતાં આ જોગવાઈ ઓછી જણાય છે. આરોગ્ય વિભાગ માટે નિધિ વધારવી જોઈએ. એ વિચાર આ
નિર્ણય પાછળ સ્પષ્ટપણે જણાય છે. નવા આવતા ચેપીરોગ, નવા નવા રોગ અને ભારે પ્રમાણમાં
વધનારી દર્દીઓની સંખ્યાની પાર્શ્વભૂમિકાના સંદર્ભમાં જોગવાઈને જોવી રહી, તેમાં ફરી
પાલિકા હૉસ્પિટલો પીપીપી ધોરણે ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ કોઈપણ પ્રકારનો ટૅક્સ નહીં વધારતાં રજૂ કરેલું બજેટ સામાન્ય
મુંબઈગરાને રાહત આપનારું પુરવાર થશે. સકારાત્મક, વિકાસાભિમુખ, વિદ્યાર્થીઓથી લઈ નોકરિયાતો
અને ગરીબ શ્રમિકોથી ઉદ્યોગપતિઓ સુધી તેમ જ બધા વર્ગોનું વિચાર કરનારું આ બજેટ આધુનિક
મુંબઈ માટે શુકનિયાળ ઠરશે એવી આશા રાખવી રહી. મુંબઈગરાની રોજચર્યાને આવરી લેતા તમામ
મુદ્દાઓની પાલિકા તંત્રે નોંધ લઈ મુંબઈનો વેગથી વિકાસ થાય તે માટેની યોજનાઓ હાથ ધરી
છે. બજેટ ગ્લૉબલ મુંબઈની એક ઝલક છે.