• શુક્રવાર, 13 માર્ચ, 2026

વિપક્ષે વિશ્વાસ જીતવાની જરૂર છે

લોકસભાના સ્પીકર ઓમ બિરલામાં અવિશ્વાસ દર્શાવતો વિપક્ષી ઠરાવ ધ્વનિમતથી ઊડી ગયો તેનું આશ્ચર્ય નથી. વિપક્ષી નેતાઓને જો એમની બહુમતી અને ઠરાવ મંજૂર રખાવાનો વિશ્વાસ હોત તો એમણે ઠરાવ ઉપર સભ્યોના મત લેવાની માગણી અને આગ્રહ રાખ્યો હોત. હકીકતમાં ઠરાવ રજૂ કરવાની મંજૂરી મેળવતી વખતે 120 સભ્યોએ સમર્થન આપ્યું હતું પણ બે દિવસની ચર્ચા પછી ગૃહપ્રધાન અમિત શાહે ભારે આક્રમક જવાબ આપીને વિપક્ષની તમામ ફરિયાદો અને દલીલોને રદિયો આપ્યો ત્યારે વિપક્ષી નેતાઓ સ્પીકરના સિંહાસન સુધી ધસી ગયા અને આખરે સ્પીકરના સ્થાને બેઠેલા અધ્યક્ષે ધ્વનિમતથી વિપક્ષી ઠરાવ નામંજૂર કર્યો છે.

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ ઠરાવની ચર્ચામાં ભાગ લીધો નહીં પણ અધવચ્ચે દરમિયાનગીરી કરવા ઊભા થયા અને વડા પ્રધાન ઉપર આક્ષેપ કર્યા. મોદી સરકારે સંવિધાન વહીવટી તંત્ર ઉપર અંકુશ જમાવ્યો હોવાના જૂના આક્ષેપ પછી હવે સંસદ ઉપર પણ એમનું નિયંત્રણ હોવાનું જણાવ્યું. વિપક્ષી નેતાને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી - એ મુદ્દો મુખ્ય રહ્યો છે. પણ ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધીની મજાક - ઠેકડી ઉડાવી કે એમને બોલવું નથી અથવા તો ગૃહના નિયમ મુજબ બોલતાં - મુદ્દા રજૂ કરતાં આવડતું નથી. ગૃહમાં દોડીને વડા પ્રધાનના ગળે વળગવું, હવામાં બ્લોઇંગ કિસ ફેંકવી અને પછી પોતાના સભ્યો તરફ જોઈને `આંખ મારવી' - આ બધી ઘટનાઓ નોંધાઈ છે. ભારતીય સેનાના પૂર્વ વડા નરવણેના `અપ્રકાશિત' પુસ્તકનો હવાલો આપવા માગતા હતા - જે સંસદના નિયમ - વિરુદ્ધ છે - ત્યારે એમને રોકવામાં આવ્યા હતા.

વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે સ્પીકર પક્ષાપક્ષીથી પર - ઉપર નથી અને સરકારની સૂચના મુજબ કાર્યવાહી ચલાવી રહ્યા છે. તાજેતરમાં વિપક્ષી - કૉંગ્રેસી મહિલા સભ્યો ગૃહમાં વડા પ્રધાનની બેઠક સુધી ધસી આવીને વડા પ્રધાનને ઘેરાવ કરવાનાં છે એવી માહિતી મળી હોવાથી સ્પીકરે વડા પ્રધાનને ગૃહમાં નહીં આવવાની સલાહ - સૂચન કર્યું હતું તેથી વિપક્ષી નેતાઓએ સ્પીકર ઉપર ટીકા- પ્રહાર કરીને અવિશ્વાસ વ્યક્ત કરવાની જાહેરાત કરી હતી. હકીકતમાં ગૃહમાં ધમાલ કરવાનો `પ્લાન' નિષ્ફળ ગયો હોવાથી સ્પીકરને ટાર્ગેટ બનાવીને અવિશ્વાસ વ્યક્ત કરવા માગતા હતા! પણ ગૃહપ્રધાન અમિત શાહે રાહુલને જ નિશાન ઉપર લીધા અને કહ્યું કે ગૃહમાં તમામ સભ્યોને સમાન અધિકાર છે, કોઈને - અર્થાત્ ગાંધી પરિવારને વિશેષ અધિકાર નથી. અત્યારે `ઇમર્જન્સી' નથી એમ પણ કહ્યું!

આખરે વિપક્ષને ગણતરી મુજબ સભ્યોનો ટેકો નહીં મળે એવી ખાતરી થવાથી ધાંધલ થઈ અને ધ્વનિમત લેવાયો - ચર્ચાના જવાબ વખતે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ હાજર ન હતા - શક્ય છે કે એમને પણ ઠરાવ પસાર થવાની આશા નહોતી. ગૃહપ્રધાન અમિત શાહની ટકોર - સલાહ સ્વીકારીને વિપક્ષે ગૃહમાં `મેળા' જેવી ધમાલ કરવાને બદલે લોકોનો વિશ્વાસ મળે એવી કામગીરી બતાવવી જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક