ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર પુન: વિશ્વાસ મૂક્યો છે. 2021ની જેમ પાલિકા પંચાયતોનું સુકાન ભાજપ પાસે રહેશે. રાજકીય ક્ષિતિજ ઉપર ભાજપના સૂર્યનાં કેસરી અજવાળાં હજી ઓસર્યાં નથી તેનો આ પરિણામો ઉપર સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. અગાઉની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસની ક્ષમતા અને વ્યાપ થોડાં વધ્યાં છે, પરંતુ સત્તાથી તે જોજનો દૂર છે. શહેરી વિસ્તારમાં ભાજપે સંગીન પક્કડ જાળવી રાખી છે, ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધીમા પગરણ પણ થયા છે. બન્ને વિપક્ષોએ ટક્કર આપવા કરવી જોઈએ તેવી કોશિશ કરી નથી, ભાજપ ઉપર જન ગણનો ભરોસો યથાવત્ છે.
કોઈ ત્રીજો પક્ષ
ગુજરાતમાં ક્યારેય ફાવતો નથી તે પરંપરા આ ચૂંટણીમાં પણ એમની એમ રહી છે. પાંચ વર્ષમાં
અનેક મુદ્દા, સ્થાનિક ઉમેદવારો સામે અસંતોષ, આંતરિક દ્વંદ્વો છતાં ભાજપ જંગી બહુમતીથી
વિજેતા થયો છે. પરાજય થયો હોત તો કારણ અનેક હતાં. રાજકોટના ટીઆરપી કાંડ કે વડોદરાના
હરણી બોટ પ્રકરણ જેવી દુર્ઘટના, વરસાદી પાણી, તૂટેલા રસ્તા, કૃષિક્ષેત્ર સહિતના મુદ્દા
હતા. વિજય થયો છે તેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. કેન્દ્રનાં કામ,
કાશ્મીર-અૉપરેશન સિંદૂર, રામમંદિર જેવા મુદ્દા, કૉંગ્રેસ તુષ્ટીકરણ કરે છે તેવી લોકમાનસમાં
દૃઢ થયેલી માન્યતા. તેની સામે નરેન્દ્રભાઈએ કરેલાં વિકાસકામો, તેમના શાસનમાં લોકોનો
વિશ્વાસ આ પરિબળો સૌથી અગત્યનાં રહ્યાં. યુદ્ધના સમયમાં પણ ભારતમાં પેટ્રોલિયમ પેદાશના
ભાવ વધ્યા નથી. આ વાત પણ લોકોના ધ્યાને રહી હોય તે સ્વાભાવિક છે. 2021ની સરખામણીમાં
આ ચૂંટણી થોડી અલગ હતી. 27 ટકા ઓબીસી જેવું પરિબળ સકારાત્મક હતું તો સામે એસઆઇઆરની
પ્રક્રિયા પછીની આ પ્રથમ ચૂંટણી હતી.
કૉંગ્રેસ અને
આપ ઉપરાંત ભાજપે પણ ચૂંટણીનો પ્રચાર બહુ ગંભીરતાથી
કર્યો નહોતો. ચૂંટણીમાં કોઇ ઉત્સાહ નહોતો. મતદારો નિરસ હતા, ઉમેદવારો બદલાવવાથી લઈને
અનેક મુદ્દે અંદર વિરોધ હતો છતાં ભાજપને આટલી બેઠકો મળી છે. ગુજરાતની કુલ 393 સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 9992 બેઠકમાંથી ભાજપને 74 ટકા અર્થાત્ 7400, કૉંગ્રેસને
18 ટકા એટલે કે 1716 બેઠક તથા આપ સહિત અન્યોને 7 ટકા મુજબ 739 બેઠક પર વિજય મળ્યો.
જનાદેશ સ્પષ્ટ છે. સુરત મહાનગરપાલિકામાં આપની 27 બેઠક હતી, આ વખતે 4 થઈ ગઈ. 120માંથી
115 બેઠક ઉપર ભાજપ વિજયી થયો. રાજકોટ મહાનગરપાલિકામાં 72માંથી 65 સીટ પર ભાજપ વિજેતા
થયો છે.
ગુજરાતમાં ભાજપનો
ભવ્ય વિજય આશ્ચર્યની વાત નથી, પરંતુ આ વખતે તદ્દન વાતાવરણ વગરની ચૂંટણી થઈ, અનેક સ્થળે
વિરોધ થયો, કૉર્પોરેટરના પ્રવેશ ઉપર લોકોએ પ્રતિબંધ મૂક્યો તે પછી પણ આટલી બહુમતી ભાજપને
મળી. તો શું તે વિરોધ ફક્ત દેખાવ પૂરતો હતો? મતદાન મથક ઉપર જઈને લોકોનાં મન બદલાઈ ગયાં,
એસઆઇઆર પ્રક્રિયાની કોઈ અસર થઈ કે કોઈ ટેક્નિકલ મુદ્દો કામ કરી ગયો? ગુજરાત ભાજપના
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વને પણ
યશ આપી શકાય. ગુજરાતમાં ચૂંટણી માટે કોઈ સ્ટાર પ્રચારક નહોતા તે તો બરાબર મોટા ભાગે
તો રિપીટ થિયરી હતી તેથી બધે ઉમેદવાર નવા હતા, તેમ છતાં ભાજપને આટલી બહુમતી મળી છે.
અમદાવાદમાં અશોક
ભટ્ટની કર્મભૂમિ ગણાતો ખાડિયા વિસ્તાર આ વખતે ભાજપે ગુમાવ્યો છે, આ નોંધપાત્ર ઘટના
છે. કચ્છનાં પરિણામો અપેક્ષાથી તદ્દન અલગ આવ્યાં છે. વિરોધ હોય તો પણ સત્તા તો ટકે,
કોઈ એવું કહેતું નહોતું કે ભાજપ હવે સત્તા ઉપર નહીં રહે. ખરેખર લોકોમાં દેખાતો હતો
તે રોષ ઈવીએમ સુધી જાય તો મહાનગરપાલિકામાં 120માંથી 20-22, 72માંથી 20-25 બેઠક તો વિપક્ષને
મળે ને? પરંતુ એવું થયું નથી. એવી આગાહી થતી હતી કે આમ આદમી પાર્ટીનાં ખાતાં ખૂલશે
તેવું મહાનગરપાલિકાઓમાં જામનગરને બાદ કરતાં ક્યાંય થયું નથી. વિસાવદર તાલુકા પંચાયતમાં
આપ સફળ રહી છે. આમાં બે બાબત છે, એક તો ભાજપ ઉપરનો વિશ્વાસ છે, બીજી બાબત એ છે કે કૉંગ્રેસ
ઉપર લોકોને હજી શ્રદ્ધા નથી. કૉંગ્રેસને સત્તા ઉપર પ્રજા ન બેસાડે પરંતુ સક્ષમ વિપક્ષ
તરીકે તો જવાબદારી સોંપી શકે ને? એવું ન થયું, કારણ કોઈ સક્ષમ નેતૃત્વ નથી.
કૉંગ્રેસ જૂનો
પક્ષ છે. પ્રજાને-મતદારોને કૉંગ્રેસ ઉપર વિપક્ષ તરીકે પણ ભરોસો નથી. વિપક્ષ, શાસન માટેની
લાયકાત તો ગુમાવી ચૂક્યો છે, પરંતુ તે સક્ષમ વિપક્ષ તરીકેની શ્રદ્ધેયતા પણ મેળવી શક્યો
નથી તેવું તારણ નીકળી શકે. કૉંગ્રેસ
જ્યારે સર્વત્ર
સત્તામાં હતી ત્યારે વિરોધ પક્ષ તરીકેની ભાજપની ભૂમિકા સૌને યાદ જ હશે. કૉંગ્રેસમાં
કોણ જાણે કેમ એ બળ દેખાયું જ નહીં. ચૂંટણી માટેનું આયોજન, પ્રચાર જેવું કંઈ તેણે કર્યું
નહીં.
આ વખતે શહેરી
અને ગ્રામ્ય બન્ને વિસ્તારના મુદ્દા હતા. લોકો સુધી કૉંગ્રેસ લઈ ગઈ હોત તો કદાચ થોડો
ફેર પડત, પરંતુ મેદાનમાં કોઈ ઉતર્યું નહીં. નિવેદનો, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો, નરેન્દ્ર
મોદીની ટીકામાંથી કૉંગ્રેસ બહાર નીકળી નહીં. આ ચૂંટણીમાં ભાજપના પક્ષે ઉમેદવારો નક્કી
કરવાની પ્રક્રિયાથી લઈ અનેક બાબતો ચર્ચાસ્પદ હતી, પરંતુ મતદારોની નજર સામે ફક્ત એક
જ ચહેરો હતો અને તે નરેન્દ્રભાઈ મોદીનો. આ ચૂંટણીમાં પણ આખરે ભાજપને ફાયદો તો મોદીની
પ્રતિભાનો થયો છે, જેને કેટલાક લોકો બ્રાન્ડ કહે છે.
ભાજપ સારી રીતે
સત્તામાં આવી રહ્યો છે. લોકોએ મત આપ્યા છે તેનો અર્થ એ નથી કે તેઓ કંઈ જાણતા નથી. જે
જે પ્રશ્નો હતા તેના ઉપર ધ્યાન અપાય તે જરૂરી છે. ભ્રષ્ટાચાર રહિત પ્રશાસન-શાસન હોવું
જોઈશે. લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે તેને ચરિતાર્થ કરવાનું ઉત્તરદાયિત્વ હવે ભાજપનું
છે.