રૂા. 32.14 કરોડના કથિત રોકડ વહેવારના મામલામાં મુંબઈની ઇન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ક્લીન ચિટ આપી છે. મૂળ તો આ મામલો અને તપાસ સુનેત્રા પવારના પતિ ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે હતી, પણ તેમના અવસાન પછી કાયદેસર વારસ તરીકે તેમની સામે આ મામલો હતો. જોકે, હવે ટ્રિબ્યુનલે આખો મામલો પાયાવિહોણો ગણાવી સુનેત્રા પવારને સંપૂર્ણ રાહત જાહેર કરી છે. છેલ્લા થોડા સમયથી અજિત પવાર અને તેમના પરિવારના સભ્યોને વિવિધ તપાસ, આરોપો તથા શંકાસ્પદ કેસીસમાં ક્લીન ચિટ આપવામાં આવી છે, એ યોગાનુયોગ ગણવો કે બીજું કંઈ? અનેક પ્રલંબિત મામલાઓનો નિકાલ-ઉકેલ આવતાં વર્ષો અને ક્યારેક દાયકાઓ નીકળી જતા હોય છે, આવામાં એક જ પરિવારના સભ્યોને સાંકળતા કેસીસમાં એક ઝાટકે અપાતી ક્લીન ચિટ વિચારતા કરી મૂકે એવી બાબત છે.
કાકા શરદ પવાર સાથે છેડો ફાડી પક્ષ સાથે ભાજપ સરકારમાં
જોડાયા બાદ એનસીપીના અજિત પવાર સામેના અનેક મામલાઓમાંથી બાઈજ્જત બરી કરી દેવાયા હતા,
જેમાં એક હજાર કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ, મહારાષ્ટ્ર સ્ટેટ કો-અૉપરેટિવ બૅન્કના
રૂા. 25,000 કરોડનાં કૌભાંડનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગયા વર્ષના અંતમાં પુણેના
કોંઢવામાં અજિત પવારના પુત્ર પાર્થની કંપનીને રૂા. 1800 કરોડના મૂલ્યનો પ્લૉટ સાવ રૂા.
300 કરોડમાં આપી દેવાયાનો મામલો સામે આવ્યો ત્યારે શંકાના દાયરામાં હોવા છતાં શરૂઆતથી
જ એવી વાત આવી કે, પાર્થ આમાં સંડોવાયેલો નથી અને હાલમાં જ આ કેસમાંથી તેને ક્લીન ચિટ
અપાયા બાદ તે ચૂંટાઈને રાજ્યસભાનો સાંસદ બન્યો છે. હવે, સુનેત્રા પવારને મળેલી રાહતનો
કેસ 2020નો છે, જેમાં આવકવેરા ખાતાની એક સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજો, ડાયરીઝ અને
નોટબુક્સ મળી આવ્યાં હતાં, જેમાં રૂા. 32.14 કરોડની રોકડ ડીડી કૉડનેમ ધરાવતી વ્યક્તિને
અપાઈ હોવાનો ઉલ્લેખ હતો. કર સત્તાવાળાઓએ મોબાઈલ ફોન ડેટા, વૉટ્સઍપ ચૅટ્સના આધારે તથા
ટ્રુકૉલર ઍપ્લિકેશન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે ડીડી નામ અજિત પવારનું કૉડનેમ હોવાના
તારણ પર પહોંચી મામલો નોંધ્યો હતો. ટ્રિબ્યુનલે તપાસકર્તાઓના અભિગમની ટીકા કરતાં કહ્યું
હતું કે, તારણ પર પહોંચતાં પહેલાં સંબંધિતોએ યોગ્ય તપાસ કરી નહોતી તથા અનુમાનો અને
તર્કના આધારે મામલો નોંધ્યો હોવાનું કહી સુનેત્રા પવારને સંપૂર્ણ રાહત આપી હતી. જે
ઉતાવળ, તત્પરતા અને ચોકસાઈ પવાર પરિવારના સભ્યોને ક્લીન ચિટ આપવામાં વિવિધ ખાતાં દાખવે
છે, એવો વહેવાર સામાન્ય માણસ સાથે ક્યારે થશે?