• બુધવાર, 12 માર્ચ, 2025

ભાજપની જીતમાં સંઘની ભૂમિકા

ઉત્તર પ્રદેશના મિલ્કીપુર મતદાર ક્ષેત્રની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે નિકટના પ્રતિસ્પર્ધી સમાજવાદી પક્ષના ઉમેદવારને ભારે મતોની બહુમતીથી હાર આપી છે. આ જીતમાં ભાજપની વ્યૂહરચના તો કામમાં આવી છે, પણ આરએસએસની હિન્દુઓને એક કરવાની નીતિએ પણ સરસાઈ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. સંઘ પરિવાર સાથે જ અખિલ વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત બધા વૈચારિક સંગઠનોએ મિલ્કીપુર ચૂંટણી જીતવામાં કોઈ કસર છોડી નથી. ભાજપની સાથે આ સંગઠનોએ પણ `પીડીએ'ના ફૉર્મ્યુલાનો ભ્રમ તોડવા માટે કામ કર્યું છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં મનાવવામાં આવેલા દીપોત્સવમાં મિલ્કીપુરની જીતની વ્યૂહરચના તૈયાર કરી લીધી હતી. લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ગુમાવ્યા પછી પણ મુખ્ય પ્રધાને રામમંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરવા, કારસેવકો પર ગોળીઓ ચલાવવા અને મુસ્લિમોના ધ્રુવીકરણ માટે `સપા' નેતાઓના રામલલ્લાના દર્શનથી દૂર રહેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે હિન્દુ સમાજની એકતા માટે મદદરૂપ હતો.

આ પહેલાં સમાજવાદી પક્ષે ફૈઝાબાદ લોકસભાની બેઠક પર જીત માટે ભાજપના ઉમેદવાર સામે લોકોમાં નારાજગીના બદલે હિન્દુત્વની રાજનીતિનો વિરોધ જવાબદાર હોવાનું માની લીધું હતું.

ભાજપે સંઘ પરિવારના સૂચન અનુસાર મિલ્કીપુર માટે વ્યૂહરચના બદલી હતી.

સંઘની તપાસ પછી એવા નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યા હતા કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના `બટેંગે તો કટેંગે'ના સૂત્રની વિભિન્ન જાતિઓમાં વહેંચાયેલા હિન્દુઓ પર ભારે અસર પડી રહી છે. સંઘે આ જ આધાર પર ભાજપ સાથે મળીને મિલ્કીપુરના મેદાનને જીતવાની વ્યૂહરચના ઘડી, આ અંતર્ગત સંઘ કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને હિન્દુ એકતા પર ભાર મૂક્યો હતો. આ અભિયાને બાજી પલટવામાં મોટી ભૂમિકા ભજવી છે.

સપાનો હિન્દુત્વ વિરોધ પણ પછાત-દલિતોને ભાજપની તરફેણમાં એક કરવાને મદદરૂપ રહ્યો. સપા મોવડીમંડળનું માનવું હતું કે હિન્દુત્વનો વિરોધ તેમણે મુસ્લિમોની વચ્ચે નાયક બનાવી દેશે. તેઓ એ ભૂલી ગયા હતા કે હિન્દુત્વના એજન્ડા પર ભાજપ હવે 90ના દશકાથી વધુ આક્રમક છે. એટલું જ નહીં તેણે આ મુદ્દા પર વિજય મેળવીને હિન્દુત્વના વિરોધીઓને જવાબ આપ્યો છે.