• બુધવાર, 12 માર્ચ, 2025

રાહુલ ભીંત ભૂલે છે

કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પરદા પાછળથી ભાજપનું સમર્થન કરનારા કૉંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધી દ્વારા હાલમાં કરવામાં આવેલી આકરી ટિપ્પણના વખાણ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને હિન્દુઓના નારાજ થવાના ડરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કંઈ નહીં બોલવાનું કહેવામાં આવ્યું હતું.

અમદાવાદના કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ગાંધીએ કહ્યું હતું કે પક્ષનું પહેલું કામ કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓના બે સમૂહોને અલગ કરવાનું છે. પ્રથમ, જે પક્ષની વિચારધારાને પોતાના દિલમાં રાખે છે અને જનતાની સાથે ઊભા છે અને બીજા, એ જેમનો જનતા સાથે સંવાદ જ નથી, આમાંના અડધા ભાજપની સાથે છે. તેમણે આવા નેતાઓ અને કાર્યકર્તાઓની છટણી કરવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો તથા કડક કાર્યવાહી કરવાની સાથે અને બરતરફની ચેતવણી પણ આપી હતી.

કૉંગ્રેસ શા માટે પોતે ગુમાવેલો જનાધાર હાંસલ નથી કરી શકતી તેની જાણ કૉંગ્રેસના બે દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને રાહુલ ગાંધીનાં વિચિત્ર નિવેદનથી થાય છે. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આરએસએસ વિરુદ્ધ નહીં બોલવાની દિગ્વિજય સિંહને તાકિદ એ તો આડકતરી રીતે ભાજપ અને આરએસએસનું સમર્થન જ ગણાય. આવો આદેશ કૉંગ્રેસ મોવડીમંડળે આપ્યો હોય તો ભાજપ સાથે મળી ગયેલા લોકોમાં કૉંગ્રેસના મોવડીમંડળનો પણ સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીને કેવી રીતે ખબર પડી કે, પક્ષના અડધાથી વધુ નેતાઓ ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. આ સાચું હોય તો આવા નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢતાં કૉંગ્રેસ મોવડીમંડળને કોણ રોકી રહ્યું છે. આ અગાઉ પણ રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓની નિષ્ઠા પર સવાલ કરી તેમને હતોત્સાહિત કર્યા હોવાના દાખલા છે. રાહુલને લાગી રહ્યું છે કે તેમના નેતા તેમની જેમ ભાજપ અને વડા પ્રધાન મોદી પ્રત્યે આક્રમક નથી. એ પણ હકીકત છે કે ભાજપ, આરએસએસ અને મોદી પ્રત્યની તેમની અનાવશ્યક આક્રમકતાનો કૉંગ્રેસને કોઈ ફાયદો નથી થયો. રાહુલ ગાંધી આ પહેલાં પણ કહી ચૂક્યા છે કે, કૉંગ્રેસને ભાજપ અને આરએસએસથી ડરતા નેતાઓ નથી જોઈતા. તો પછી ચૂંટણી પ્રચારમાં આરએસએસ વિરુદ્ધ નહીં બોલવાની દિગ્વિજય સિંહને સલાહ આપનારની પક્ષમાંથી પહેલાં હકાલપટ્ટી કરવી જોઈએ એ કરતાં કૉંગ્રેસમાં કોણ ડરે છે? 

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કૉંગ્રેસમાં અનેક સિંહો છે, પણ એ સાંકળથી બંધાયેલા છે. આમ કહી રાહુલ શું કહેવા ઈચ્છે છે એ સમજવું મુશ્કેલ છે. તેમનો કહેવાનો અર્થ એ તો નથી ને કે, આવા સાવજ જેવા નેતા ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે? પોતાની વાતોથી કૉંગ્રેસ કાર્યકર્તાઓ પ્રોત્સાહિત થશે એવા ભ્રમમાં રાહુલ હોય તો તેઓ ભીંત ભૂલ્યા છે. ફક્ત ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ કૉંગ્રેસ દિશાહીન અને ઉત્સાહીન છે. આ પરિસ્થિતિ બહુ લાંબા સમયથી જોવા મળી રહી છે અને આ કારણસર જ આજે કૉંગ્રેસ અનેક રાજ્યોમાં ત્રીજા કે ચોથા નંબરે ધકેલાઈ ગઈ છે.