26/11ના મુંબઈ પરના હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાની પ્રત્યાર્પણની પ્રક્રિયા મોદી સરકારે શરૂ કરી નહોતી અને કોઈ નવી સફળતા પણ મેળવી નથી! યુપીએના સમયે કરવામાં આવેલા પ્રયાસોનો લાભ મોદી સરકારને થયો છે એવો દાવો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે કર્યો છે અને કહ્યું છે કે આ પ્રત્યાર્પણ દોઢ દાયકાના કઠિન કૂટનીતિક, કાયદાકીય અને ગુપ્ત પ્રયાસોનું પરિણામ છે. ચિદ્મ્બરમે કહ્યું કે મને ખુશી છે કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંથી એક તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યા છે. પરંતુ યશ મોદી સરકારને નહીં આપવો જોઈએ.
તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ ભારતની એક
મોટી સિદ્ધિ છે. દેશભરમાં ખુશીનું વાતાવરણ છે. વિપક્ષો માટે આ હજમ કરવું મુશ્કેલ બન્યું
છે, ખાસ કરીને કૉંગ્રેસ માટે કારણ કે 26/11ના મુંબઈ હુમલા વેળા કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં
કૉંગ્રેસની સરકાર હતી. તે વેળા જે કેન્દ્રીય ગૃહપ્રધાન હતા તેઓ 26/11ના હુમલા પછી દરેક
પ્રસંગે નીતનવા કપડાં પહેરી જાણે ઊજવતા હોય તેમ લોકો સમક્ષ દેખાતા હતા. આ દરમિયાન દિલ્હીમાં
થયેલા બાટલા હાઉસના હુમલાની ઘટના વખતે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘની ભૂમિકા બાટલા હાઉસના
માર્યા ગયેલા આતંકવાદી તરફી હોવાનું જણાતું હતું. તત્કાલીન ગૃહપ્રધાન અને વડા પ્રધાનની
ભારે ટીકા પણ થઈ હતી. આતંકવાદી ઠાર થયા પછી સોનિયાજીએ આંસુ સાર્યાં હોવાનું કૉંગ્રેસના
વરિષ્ઠ ગણાતા નેતા સલમાન ખુરશીદે કહ્યું હતું! હવે રાણા પ્રત્યાર્પણ પર કૉંગ્રેસ હાસ્યાસ્પદ
નિવેદન કરી રહી છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્ય
પ્રધાન હતા. એમણે તત્કાલીન યુપીએ સરકારની વિદેશનીતિની ટીકા કરતાં કહ્યું હતું કે `મુંબઈ
હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ બતાવવો ભારતના સાર્વભૌમત્વનું અપમાન છે. આ આપણી વિદેશનીતિની
નિષ્ફળતા છે.' આ ઉપરાંત મોદીએ સવાલ ઉઠાવ્યા હતા કે અમેરિકાએ કયા આધાર પર મુંબઈ આતંકવાદી
ઘટનાના દોષીઓને નિર્દોષ ઠેરવ્યા છે? મુંબઈની આતંકવાદી ઘટનાના પીડિતોને ન્યાય મળવો જોઈએ.
શું 9/11ના આતંકવાદી હુમલાના અપરાધીઓ સામે કેસ હિન્દુસ્તાનની કોર્ટમાં ચલાવી શકાય?
શું અમેરિકા આ માટે ભારતને પરવાનગી આપશે? મોદીએ અનેક વેળા કહ્યું છે કે આતંકવાદીને
પાતાળમાંથી પણ શોધીને સજા કરવામાં આવશે.
રાણાના પ્રત્યાર્પણ સંદર્ભમાં અમેરિકાના
વિદેશ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા ભારત સાથે મળીને આતંકવાદની
વૈશ્વિક સમસ્યાઓને પહોંચી વળવાનું કામ ચાલુ રાખશે. આ રીતે અમેરિકાના વિદેશ વિભાગે ભારત
સાથે મળીને વૈશ્વિક આતંકવાદને પહોંચી વળવા પોતાની પ્રતિબદ્ધતાના પુનરોચ્ચાર કર્યો છે.
અમેરિકાના પ્રવક્તાએ કહ્યું છે કે હુમલા માટે જવાબદાર લોકો પાસેથી જવાબ મેળવવાના ભારતના
દરેક પ્રયાસનું સમર્થન અમેરિકા કરે છે.
આ મોદી સરકારની પ્રતિબદ્ધતા હતી જેને લઈ
હવે અપરાધી ભારતની જેલમાં બંધ છે. મહત્ત્વપૂર્ણ કામ કર્યું હોય તો તે રાષ્ટ્રીય તપાસ
એજન્સી એનઆઈએ યશભાગી છે. જેણે 2008ની હિંસાના મુખ્ય ષડયંત્રકારને ન્યાયના કઠેડામાં
લાવવાનાં અનેક વર્ષો સુધી સતત અને નક્કર પ્રયાસો કર્યા છે અને પછી જ રાણાનું પ્રત્યાર્પણ
સફળતાપૂર્ણ કરાયું છે.
આમ રાણાના પ્રત્યાર્પણ માટે મોદી સરકારની
જેટલી પીઠ થાપડવામાં આવે એટલી ઓછી છે. જ્યારે કૉંગ્રેસે હવે આ સિદ્ધિ માટે લોકોની આંખમાં
જે ધૂળ ફેંકવાનું કામ શરૂ કર્યું છે અને યશનો દાવો કર્યો છે તે હાસ્યાસ્પદ છે.