મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લવ જિહાદ અને ધર્મ પરિવર્તન કરાવનારા પકડાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન રોકવા માટે કાનૂન લાવવાની ખાતરી મહેસૂલપ્રધાન ચન્દ્રશેખર બાવનકુળેએ આપી છે. વિધાનસભામાં ધર્મ પરિવર્તનના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા પછી આવી ખાતરી આપતાં મહેસૂલપ્રધાને જણાવ્યું છે કે ધર્મ પરિવર્તન અને ગેરકાયદે બંધાઈ રહેલા ચર્ચની ફરિયાદો મળી છે અને સરકારે તેની તપાસ કરવા માટે ડિવિઝનલ કમિશનરના અધ્યક્ષપદે એક સમિતિની નિમણૂક કરી છે. નંદુરબારમાં ગેરકાયદે ચર્ચ બંધાયા હોવાની ફરિયાદો ઘણા વખતથી મળી રહી છે તેથી હવે સરકાર એવો કાયદો લાવનાર છે જેના પરિણામે કોઈ ધર્મ પરિવર્તન કરાવવાની હિંમત નહીં કરે.
ધુળે અને નંદુરબાર વિસ્તારમાં આદિવાસીઓને પ્રલોભનો આપીને
ફરજિયાત ધર્મ પરિવર્તન થાય છે તે બાબતમાં રાજ્ય સરકારના આદિવાસી કલ્યાણ વિભાગને પણ
ફરિયાદો મળી રહી છે. હવે આવા પરિવારોની ઘરવાપસી માટે પ્રયાસ થઈ રહ્યા છે. આદિવાસી તરીકે
એમને મળતા લાભ સમજાવાય છે. ભીલ સમાજને તબીબી સારવાર - સહાય આપીને ધર્મ પરિવર્તન કરાયું
હોઈ તથા 199 જેટલાં ગેરકાયદે ચર્ચ બંધાયાંની વિગત મળી છે.
ગેરકાયદે બંધાતાં ધર્મસ્થાનો વિષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા
મુજબ આવાં સ્થાનોને કાયદેસર બનાવવા અથવા તો તોડી પાડવાં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
જે સરકારી કર્મચારીઓએ ક્વૉટાના લાભ મેળવ્યા પછી ધર્મ પરિવર્તન
કર્યું હોય તેની પણ તપાસ થઈ રહી છે.