• મંગળવાર, 15 જુલાઈ, 2025

સૂટકેસ અને `કૅશ'...

મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટ ઘરમાં બેઠા છે અને તેમની પાછળ એક ખુલ્લી સૂટકેસમાં કરન્સી નોટોનાં બંડલ - થોકડા પડયા છે એવા ફોટા `વાયરલ' થયા પછી ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉત ગેલમાં આવી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસથી લઈને મોદી-અમિત શાહ ઉપર નિશાન છે! સંજય શિરસાટ કહે છે કે ઉદ્ધવ સેનાના જાસૂસોનું આ કામ છે - પણ સૂટકેસમાં  લાખો-કરોડો રૂપિયાની વાત તદ્દન ખોટી છે. બેગમાં માત્ર કપડાં છે! નરસિંહરાવ અને હર્ષદ મેહતાની સૂટકેસના વિવાદ અને રહસ્ય પછી ફરીથી `સૂટકેસ' અને `કૅશ' રાજકારણમાં ચર્ચાય છે.

રાજકારણમાં તમારા હાથ ચોખ્ખા ભલે હોય તો પણ ચોખ્ખા બતાવવા સાબિત પણ કરવા પડે. શિરસાટ પ્રકરણ મુખ્ય પ્રધાન માટે પડકાર છે અને મોદી-અમિત શાહ માટે કસોટી છે. આ પ્રકરણ ભીનું સંકેલાય તેમ નથી. તેની પૂરી તપાસ કરીને ખુલાસો કરવો પડશે. જાસૂસ જો પ્રધાનના નિવાસ સ્થાનના ફોટા પણ પાડી શકતા હોય તો રાજ્ય સરકારના ગૃહ ખાતાની નિષ્ફળતા છે. તેનો જવાબ પણ જનતા માગી શકે છે.

મહારાષ્ટ્રના એક સિનિયર પ્રધાન સંજય શિરસાટની આવક વર્ષ 2019માં રૂા. 3.3 કરોડ હતી તે વધીને 2024માં રૂપિયા 35 કરોડ કેવી રીતે થઈ તેનો ખુલાસો આવકવેરા ખાતાએ માગ્યો છે. આવી નોટિસ મળ્યાની માહિતી એમણે જાતે પત્રકારોને આપી જણાવ્યું હતું કે તેઓ નોટિસનો જવાબ આપશે. બધી વિગતવાર માહિતી ચૂંટણી વખતે ઉમેદવારીપત્ર સાથે આપી છે અને કાંઈ ખોટું કર્યું નથી.

એમણે પત્રકારોને એવી માહિતી પણ આપી હતી કે એકનાથ શિંદેના સુપુત્ર અને કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદેને પણ આવકવેરાની નોટિસ મળી છે. આ પછી સંજય શિરસાટે ફેરવી તોળ્યું કે મારી પાસે આવી કોઈ માહિતી નથી. શિવસેનાના કાર્યાલયે પણ રદિયો આપ્યો અને કહ્યું કે એકનાથ શિંદેના પરિવારને આવી કોઈ નોટિસ મળી નથી.

શિરસાટે 2024ની ચૂંટણી વખતે એફિડેવિટમાં જણાવ્યું છે કે તેઓ સામાજિક કાર્યકર, કિસાન તથા બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટર છે. ચૂંટણીમાં જીત્યા પછી ઔરંગાબાદના પૂર્વ સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલ અને કૉંગ્રેસના અંબાદાસ દાનવેએ આવકવેરા વિભાગને જણાવ્યું કે મેં આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરી છે - તેના આધારે આવકવેરાએ મને નોટિસ આપી છે એમ શિરસાટ કહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ