પહેલા કોવિડ મહામારી અને પછી ઓબીસી ક્વૉટા બાબતે થયેલા કેસીસ તથા વૉર્ડની સંખ્યાના મુદ્દે ટલ્લે ચડી ગયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આખરે ત્રણેક વર્ષના વિલંબ બાદ યોજાવાની છે. 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની ચૂંટણીઓ આગામી બીજી ડિસેમ્બરે યોજવાની છે. એ પછીના બે તબક્કામાં 32 જિલ્લા પરિષદો અને 336 પંચાયત સમિતિઓ અને 29 મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, મુંબઈ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાજ્યવ્યાપી આ સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે. સર્વોચ્ચ અદાલતે આ ચૂંટણીઓ યોજવા માટે પહેલી જાન્યુઆરી, 2026 સુધીની ડેડલાઈન આપી હોવાથી ત્યાર સુધીમાં આ ચૂંટણીઓ આટોપી લેવાનો પડકાર ચૂંટણી પંચ સામે છે. એક તરફ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મતદાર યાદીઓમાં ડબલ ઍન્ટ્રીનો મુદ્દો બનાવી ચૂંટણીઓ નહીં યોજવા દઈએ એવો હુંકાર કર્યો છે. તો, મહાયુતિનો દાવો છે કે લોકસભાની ચૂંટણીઓ વખતે જે મતદાર યાદીનો ઉપયોગ કરાયો હતો, એ જ આ ચૂંટણીઓમાં પણ કામમાં લેવાશે. લોકસભાની ચૂંટણીઓમાં વિરોધી પક્ષોને લાભ થયો હતો. આમ સામસામી આક્ષેપબાજીને પગલે પણ આ ચૂંટણીઓ રસપ્રદ બની રહેવાની છે.
મુંબઈ અને આસપાસની
નગર પરિષદ અને પંચાયતો જ્યાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે, તેમાં ઉરણ, કર્જત,
અલિબાગ, પેણ, રોહા, અંબરનાથ, માથેરાન, દહાણુ, પાલઘર અને ચિપલૂણનો સમાવેશ થાય છે. સ્થાનિક
સ્વરાજ સંસ્થાઓની આગામી ચૂંટણીઓ બાબતે મતદાર યાદી, ડીલિમિટેશન તથા રિઝર્વેશન જેવી બાબતોને
લઈને બૉમ્બે હાઈ કોર્ટમાં 42 અરજીઓ કરાઈ છે. અદાલતે આ અરજીઓને ત્રણ જૂથમાં વિભાજિત
કરી અને મતદાર યાદી અંગેના જૂથમાંની ચાર અરજીઓ કાઢી નાખી છે. વૉર્ડની પુનર્રચના તથા
ઓબીસી અનામત જેવા મુદ્દા ધરાવતાં બે જૂથમાંની અરજીઓ અદાલત આજે હાથ ધરશે. આ સાથે જ મહાવિકાસ
આઘાડી તથા અન્ય વિરોધી પક્ષોએ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા સામે ઊભા કરેલા પ્રશ્નો પણ
યથાવત્ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ બન્ને વિલંબમાં પડેલી આ ચૂંટણીઓ યોજવા અંગે ગંભીર
નથી, એવું ચિત્ર આ વર્તણૂક પરથી ઊભું થાય છે.
આ ચૂંટણીઓમાં
અનેક જગ્યાએ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ ગઠબંધન કર્યાનું જોવા મળે છે,
એકમેક સામે બાંયો ચડાવતા પક્ષો સાથે આવ્યા છે, તો મુંબઈમાં કોણ કોની સાથે હશે એ અંગે
અવઢવ ઉપરાંત અનેક જગ્યાએ તો ફ્રૅન્ડલી ફાઈટ જોવા મળવાની છે. આ સમીકરણો તથા વિવિધ ગૂંચવણો
વચ્ચે થઈ રહેલી આ ચૂંટણીઓ રાજકીય પક્ષોના બળાબળની સાથે તેમના અસ્તિત્વ માટે પણ મહત્ત્વની
ઠરવાની છે.