• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ઇજનેરી કરામત કે ગફલતની પરાકાષ્ઠા?

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાળે પચાસ ફ્લાયઓવર બન્યા એ પછી શહેરની સિકલ બદલાઈ ગઈ હતી. હાલમાં જ મીરા-ભાયંદરના એક ફ્લાયઓવરને કારણે મોઢું સંતાડવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચાર લેનનો આ ફ્લાયઓવર એક જગ્યાએ એકાએક સંકોચાઈને બે લેનનો બની જાય છે. મહારાષ્ટ્રના એન્જિનિયારિંગ ચમત્કાર તરીકે આ પુલને સોશિયલ મીડિયા પર વિરોધી પક્ષોએ સંબોધી રાજ્ય સરકારની ઠેકડી ઉડાડી છે. આ પુલના બાંધકામ માટે જવાબદાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ ગફલત નથી, પણ ઇરાદાપૂર્વક આવી ડિઝાઈન બનાવાઈ છે જેથી મીરા-ભાયંદરના સૌથી ગીચ વ્યસ્ત જંક્શનને આસાનીથી ઓળંગી શકાય અને જગ્યાની મર્યાદાને પણ પહોંચી વળાય. દેખીતી રીતે જ આ પુલની તસવીર જોઈ આ સ્પષ્ટીકરણ ગળે ઊતરે એમ નથી. એમાંય 2024માં અંધેરીમાં ગોખલે બ્રિજ અને બરફીવાલા ફ્લાયઓવર વચ્ચેના અલાઇનમેન્ટમાં બે મીટરના અંતરને કારણે વિવાદ સર્જાયો હતો. આથી મીરા-ભાયંદરના આ નવા પુલની ડિઝાઇન ઇરાદાપૂર્વક આવી રખાઈ છે, એ વાત મુંબઈગરાના ગળે ઊતરી રહી નથી. માળખાકીય સુવિધાઓમાં આવી ત્રુટિઓ અને નવા રસ્તા-પુલ પર પડતા ખાડાની સમસ્યા એકલા મુંબઈની નથી, આખા દેશમાં વત્તા-ઓછા અંશે આ સમસ્યા એકસરખી છે.

2024માં ચોમાસા દરમિયાન વીસ દિવસમાં 12 પુલ પડી ભાંગ્યા હતા, તો ગયા વર્ષે કારી કોસી નદીની ઉપર બનાવેલો 60 ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળો પુલ મે મહિનાથી લઈને શિયાળા સુધી પાણીની નીચે હતો, તો ભોપાળમાં 90 અંશનો વળાંક ધરાવતો પુલ પણ સમાચારમાં ચમક્યો હતો. આને ઇજનેરોની કમાલ ગણવી કે ભ્રષ્ટાચારની મિસાલ એવી દ્વિધામાં નાગરિકો પડી ગયા હતા. મુંબઈ નજીકના ડોંબિવલીમાં 2025માં પલાવા બ્રિજનું ઉદ્ઘાટન થયું એ પછી તરત જ બંધ કરી દેવાની ફરજ પડી હતી, કેમ કે તેની સપાટી પર તિરાડો પડી ગઈ હતી અને ઉપરની સપાટી ઉખડવા લાગી હતી. આ બધાં ઉદાહરણોમાં એક સવાલ કૉમન છે - સરકાર આ બ્રિજની ચકાસણી નહીં કરતી હોય કે પછી આવી વાતોને ગંભીરતાથી લેવામાં કોઈને રસ નથી? કોઈ અકસ્માત કે દુર્ઘટના પછી નીચેના સ્તરના અધિકારી, કૉન્ટ્રાક્ટર કે જવાબદાર વ્યક્તિનું સસ્પેન્શન કે બરતરફી કરવાથી જાણે કે સમસ્યા ઉકેલાઈ ગઈ છે, એવો સંતોષ લેવામાં આવે છે, પણ કોઈ નક્કર પગલાં કે ભવિષ્યમાં આવી ગફલત ફરી ન થાય એ માટેની તકેદારી કે જડબેસલાક વ્યવસ્થા થતી નથી. લોકોનાં હિતનું રક્ષણ જેમની જવાબદારી છે, એ લોકપ્રતિનિધિઓને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં નાગરિકો ઊણા ઊતરે છે. વહીવટી સ્તરે પણ ચાલી રહેલા કામનું નિયમિત અને તટસ્થ વ્યક્તિ દ્વારા મૂલ્યાંકન ફરજિયાત કરાવવાની જોગવાઈ અત્યારના સમયની માગ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ