• શનિવાર, 04 એપ્રિલ, 2026

મહુવા મોઈત્રા, જરા ઇતિહાસ તો જાણો

જે પ્રવચન પ્રભાવશાળી હોય તે પરિપક્વ અને સત્ય જ હોય તેવું નથી તે વાત ફરી એકવાર તૃણમૂલનાં સાંસદ મહુવા મોઈત્રાએ સાબિત કરી. અગાઉ તેમણે સંસદમાં પૂછેલા પ્રશ્નોએ તો ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા, પરંતુ થોડા દિવસ પહેલાં તેમણે દેશની સ્વતંત્રતા લડાઈમાં ગુજરાતીઓના યોગદાન સંદર્ભે જે વાત કરી તે તદ્દન અધૂરી, માહિતીના અભાવ વાળી અને છીછરી હતી. શાળામાં ભણતા કોઈ બાળકને પણ હસવું આવે તેવી વાત એક સાંસદે કરી કે સ્વતંત્રતાની લડાઈમાં બંગાળ અને પંજાબ જ આગળ પડતાં હતાં કોઈ ગુજરાતીએ કંઈ નોંધપાત્ર કર્યું નથી. મહુવા મોઈત્રાનું ઇતિહાસનું જ્ઞાન કેટલું-કેવું હશે તેની ધારણા કોઈ કરવા ધારે તો આ વિધાન ઉપરથી કરી શકે. 

વતન કોલકાતામાં એક સંબોધનમાં મહુવા મોઈત્રાએ કહ્યું કે, `બંગાળી પ્રજાતિ ગૌરવાન્વિત સમુદાય છે. અમે અંગ્રેજો વિરુદ્ધની લડતનું નેતૃત્વ કરી ચૂક્યા છીએ, ગુજરાતીઓ તેમાં ક્યાં હતા?'  બંગાળી પ્રજા મહાન છે તે વાતમાં તો અસંમતિનો પ્રશ્ન નથી. બંગાળે દરેક ક્ષેત્રમાં વિભૂતિની કક્ષાએ વ્યક્તિત્વ આપ્યાં. અધ્યાત્મમાં પરમહંસ રામકૃષ્ણ, મહર્ષિ અરવિંદ કે વિવેકાનંદ, સાહિત્યમાં રવીન્દ્રનાથ અને બંકિમચંદ્ર, સ્વતંત્રતા લડતમાં સુભાષબાબુ અને એવાં અનેક નામો, કળામાં નંદલાલ બોઝ કે સત્યજિત રાય, પરંતુ આનો અર્થ એ નથી કે ગુજરાતીઓનું યોગદાન નથી અને સ્વતંત્રતા લડતમાં તો અગ્રીમ છે. જો ચર્ચા ભારતની સ્વતંત્રતાની લડાઈની જ હોય તો ગુજરાતી વગર તે શરૂ ન થાય અને પૂર્ણ પણ ન થાય.

ગાંધીજીનું નામ જગબત્રીસીએ છે. ભારતની આઝાદીમાં તો તેમનું યોગદાન અનન્ય છે જ, પરંતુ તેમના ચીંધેલા રસ્તે અન્ય દેશો પણ આઝાદ થયા. એક સ્વતંત્ર દેશ કેવો હોવો જોઈએ તેનું મૂળ તેમણે રોપ્યું. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી લઈને છેક 1942ની લડત સુધી ગાંધીજીએ જે કર્યું તેનો કોઈ જોટો ક્યાં મળે? સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ, ખેડાની લડત કરીને અંગ્રેજોને ધ્રુજાવી દીધા હતા. દાંડીયાત્રાનો માર્ગ નક્કી કરવાથી લઈને આખું આયોજન કરવામાં તેઓ અગ્રસર રહ્યા. દેશ સ્વતંત્ર થયો પછી રજવાડાંઓને એક કરીને એક ભારત બનાવવામાં સરદાર સાહેબનું યોગદાન આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસમાં દર્જ છે. આ બે જ નામો પર્યાપ્ત છે. 

જોકે, આના સિવાય તો અનેક નામ છે, વિરાટ કામ છે.   મહુવા મોઈત્રાને ખ્યાલ નહીં હોય કે શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા જેવા લોકોએ પરદેશની ધરતી ઉપરથી ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો.   

સાંસદ તરીકે કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ. મોઈત્રાએ માફી માગી તો પણ વાત તો અયોગ્ય જ છે, પરંતુ આપણા માટે તેનાથીય મહત્ત્વનું એ છે કે કોઈ ગુજરાતી નેતાએ તેમને પડકાર્યા નથી. ગુજરાતના કોઈ રાજકીય પક્ષના સાંસદ, ધારાસભ્ય કોઈ સામાજિક અગ્રણીએ આનો વિરોધ કર્યો નથી.  તેમનો ગુજરાતપ્રેમ અલગ રીતે જ વ્યક્ત થાય છે, પરંતુ કોઈ એટલું તો પૂછે કે મહુવાબહેન તમે ઇતિહાસ કેટલો જાણો છો?

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ