• ગુરુવાર, 02 મે, 2024

સીજેઆઈને પત્ર લખી 264 હસ્તીની ઉદયનિધિ સામે કાર્યવાહીની માગ  

સનાતન ધર્મનું અપમાન

નવી દિલ્હી, તા.પ: તામિળનાડુ મુખ્ય પ્રધાનનાં પુત્ર અને રાજ્યનાં પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ મામલો વધુને વધુ વકરતો જાય છે અને હવે  દેશનાં ઉંચા પદો ઉપર રહી ચૂકેલા અને પ્રતિષ્ઠિત નાગરિકોનાં એક સમૂહ દ્વારા સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડને એક પત્ર લખીને ઉદયનિધિની ઘૃણા ફેલાવતી ટિપ્પણીનું સંજ્ઞાન લેવાની અપીલ કરવામાં આવી છે. સીજેઆઈને લખવામાં આવેલા આ પત્રમાં 264 પ્રતિષ્ઠિત લોકોએ હસ્તાક્ષર કરેલા છે. 

સીજેઆઈને લખાયેલા આ પત્રમાં હસ્તાક્ષર કરનાર લોકોમાં હાઈકોર્ટનાં પૂર્વ ચીફ જસ્ટિસ, પૂર્વ પ્રશાસનિક અધિકારી, પૂર્વ રાજદૂત, પોલીસ અધિકારી અને અન્ય જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઉદયનિધિનાં વિધાનથી સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા લોકો દુભાયા છે. આ પત્રમાં શાહીન અબ્દુલ્લા વિરુદ્ધ ભારત સરકારનાં કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સર્વોચ્ચ અદાલતે દેશમાં વધતી હેટ સ્પીચની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરીને સરકાર અને પોલીસ પ્રશાસનને ઔપચારિક ફરિયાદની રાહ જોયા વિના સ્વત: સંજ્ઞાન લેવા માટે આદેશ કર્યો હતો.