• સોમવાર, 04 માર્ચ, 2024

સોનિયા ગાંધી અને રઘુરામ રાજન રાજ્યસભામાં જશે?

પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા

નવીદિલ્હી, તા. 12 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજ્યસભામાં જઈ શકે છે. વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે તે ચૂંટણી લડવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતિમાં પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે. આવી રીતે પ્રિયંકા ગાંધી પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે. 

જો કે તેઓ સોનિયા ગાંધીની લોકસભા બેઠક રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા પણ નકારવામાં આવતી નથી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રઘુરામ રાજનને પોતાના કોટામાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. એવી શક્યતા છે કે પાર્ટી તેમને કર્ણાટકથી મેદાનમાં ઉતારે. ત્યાંથી હાલ 4 લોકો રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાના છે. 

સોનિયા ગાંધી અને રઘુરામ રાજનને કયાં રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવા તે અંગે પાર્ટી હાઇકમાન્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે. રઘુરામ રાજન રાજ્યસભામાંથી રાજકારણમાં પ્રવેશ કરશે. રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરી, 2024ના રોજ ચૂંટણી યોજાશે. 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. રઘુરામ રાજન લાંબા સમયથી કોંગ્રેસની ખૂબ નજીક છે. 

રાહુલ ગાંધીની છેલ્લી ભારત જોડો યાત્રામાં પણ તેઓ જોડાયા હતા અને તેમની પ્રશંસા કરી હતી. મોદી સરકારની આર્થિક નીતિઓની ઘણી વખત જાહેરમાં ટીકા કરી ચૂકેલા રઘુરામ રાજનનો જન્મ 3 ફેબ્રુઆરી, 1963ના રોજ ભોપાલમાં થયો હતો. 

ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજન હાલમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે. 2003થી 2006 સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને સંશોધન નિયામક હતા. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર 2013માં તેમને આરબીઆઇ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2016 સુધી તેઓ પદ પર રહ્યા. તેઓ રિઝર્વ બેન્કના 23મા ગવર્નર હતા. રાજ્યસભાની ચૂંટણી પછી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણીઓ તમામ પક્ષો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બનવાની છે.