• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

દેશ માટે ભયજનક સ્થિતિ ઊભી થઈ રહી છે : કેજરીવાલ  

કેજરીવાલ શરદ પવારની મુલાકાતે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, આમ આદમી પક્ષના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા સાથે બે દિવસની મુંબઈ મુલાકાતે છે. બુધવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ આજે ગુરુવારે તેમણે વાય. બી. ચવ્હાણ સેન્ટરમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્રના અધ્યાદેશ સહિત દેશના જુદાં જુદાં મુદ્દે ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. 

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 23મી મેએ કેન્દ્ર સરકારે અધ્યાદેશ જારી કરીને અધિકારીઓની બદલી અંગેના તમામ અધિકારો દિલ્હી સરકાર પાસેથી છીનવી લીધા છે. આઠ વર્ષની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે અમારી તરફેણમાં નિર્ણય આપ્યો હતો, પરંતુ આ નિર્ણયના આઠ દિવસ બાદ અમારા તમામ અધિકાર એક અધ્યાદેશ જારી કરીને છીનવી લીધા છે. હવે આ મામલે બિલ સંસદમાં મૂકાશે. આ બિલ રાજ્યસભામાં પસાર ન થાય તેને માટે ટેકો માગવા અમે અહીં આવ્યા છીએ. 

દિલ્હીના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ માત્ર દિલ્હીની લડાઈ નથી. કેન્દ્ર સરકાર કયાંય પણ બિન ભાજપ સરકાર હોય તો ત્યાં ત્રણ રીત અપનાવે છે. તે કાં તો વિધાનસભ્યોને ખરીદીને સરકાર પાડે છે અથવા ઇડી-સીબીઆઈનો ડર બતાવી વિધાનસભ્યોને તોડે છે અથવા ખરડા કે અધ્યાદેશો પસાર કરીને સરકારી કામોમાં અડચણ ઊભી કરે છે. આ દેશ માટે ભયજનક સ્થિતિ છે. લોકો કહે છે કે આ વિપક્ષની એકતાની વાત છે કે? આ પક્ષ-વિપક્ષની વાત નથી, દેશની વાત છે.

શરદ પવાર દેશના સૌથી મોટા નેતા છે. અમે તેમને વિનંતી કરી છે કે તમારો તો સાથ મળશે જ, પણ અન્ય પક્ષો સાથે તેઓ વાત કરે અને રાજ્યસભામાં આ બિલ પાસ ન થવા દે. જો આમ થયું તો દેશમાં વર્ષ 2024માં ભાજપની સરકાર નહીં બને. કેજરીવાલે જણાવ્યું હતું કે આ બાબતે તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની મુલાકાત લેવાના છે અને તેમનો ટેકો પણ માગવાના છે.

ઇ-પેપરના નવા શુલ્ક