• રવિવાર, 14 એપ્રિલ, 2024

વિપક્ષો : જૂની આક્ષેપબાજી : નવી દૃષ્ટિનો અભાવ

શાસક પક્ષ અને વિપક્ષે 2024ની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મેરઠથી અને વિપક્ષી મોરચાએ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં સભા ગજાવી છે. વડા પ્રધાન મોદીએ જનસંબોધનમાં કૉંગ્રેસના ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને નિષ્ફળતા પર ભારે પ્રહાર કર્યા અને મોદી સરકારની ત્રીજી ટર્મનો રોડ મેપ પણ રજૂ કર્યો જેમાં ભારતના વિકાસને આગલા તબક્કામાં લઈ જવાની રૂપરેખા છે, જ્યારે વિપક્ષી નેતાઓનાં સંબોધનમાં કેન્દ્રમાં વડા પ્રધાન મોદી અને ભાજપ પર પ્રહાર અને બંધારણ અને લોકતંત્ર પર ભય વગેરેના જૂના આક્ષેપો હતા.

હવે જ્યારે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ગણતરીના દિવસો છે ત્યારે `ઇન્ડિયા' ગઠબંધન 273નો જાદુઈ આંકડો કેવી રીતે પાર કરશે? ગઠબંધન દ્વારા કોણ વડા પ્રધાન હશે? ગઠબંધનની અંદર બેઠકોની વહેંચણીને લઈ આવી રહેલી ખેંચતાણનો ક્યારે ઉકેલ આવશે? ચૂંટણી પ્રચાર અભિયાન કેવી રીતે ચાલશે? ઘોષણા પત્ર `ઇન્ડિયા'નું હશે કે કૉંગ્રેસનું? વિકાસની કાર્યયોજના શું હશે? રોજગાર સૃજનનો એજન્ડા શું હશે? મોંઘવારી રોકવાની નીતિ શું હશે? જાતિ ગણનાથી શું હાંસલ થશે? ભ્રષ્ટાચારનો ખાતમો કેવી રીતે થશે? વગેરે પ્રશ્નો વિષે સ્પષ્ટ વાત અને વલણ હોવી જોઈએ.

`ઇન્ડિયા' મોરચા માટે રામલીલા રૅલી એક સારી તક હતી. જનતા સમક્ષ પોતાનો એજન્ડા મૂકવામાં પણ વિપક્ષ - મોદી અને ભાજપવિરોધી નીતિ છોડી શક્યા નહીં. રામલીલા મેદાનથી `ઇન્ડિયા' ગઠબંધને પાંચ માગણીઓ મૂકી છે. જેમાં કેજરીવાલ અને હેમંત સોરેનનો છુટકારો, લોકસભા ચૂંટણીમાં સમાન તક, તપાસ એજન્સીઓની કાર્યવાહી અટકાવવામાં આવે, વિપક્ષોનું આર્થિક રીતે ગળું દબાવવું અને ચૂંટણી ડૉનેશન અને મની લૉન્ડરિંગ માટે સરકાર દ્વારા `િસટ' ગઠનનો સમાવેશ થાય છે તે બંધ થાય! માગોમાં ક્યાંયથી પણ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ નથી.

કૉંગ્રેસ શાસન દરમિયાન કૉલ, ટુ-જી, આદર્શ, કોમનવેલ્થ ગૅમ્સ વગેરે કૌભાંડો થયાં, રાષ્ટ્રવાદી - કૉંગ્રેસ સરકારના સમયે મહારાષ્ટ્રમાં સિંચાઈ કૌભાંડ થયું! બિહારમાં લાલુ યાદવનું ચારા કૌભાંડ નથી થયું? શું દિલ્હીમાં શરાબનીતિ કૌભાંડ નથી થયું? તો શું સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઍકશન લઈ શકે નહીં? વિપક્ષના મંચ પર જેટલા પણ નેતા એકઠા થયા, તેઓએ ખુદનાં કૃત્યો પર આત્મચિંતન કરવું જોઈએ. `ઇન્ડિયા' ગઠબંધન પક્ષ કાં તો પરિવારવાદી - વંશવાદી છે અથવા વ્યક્તિવાદી. વિપક્ષી નેતા અને વિપક્ષી ગઠબંધન કોઈપણ રીતે રાજનીતિક આશા નથી જગાડતા. લાગે છે કે તેઓ ફક્ત સત્તા મેળવવા એકઠા થયા છે અને ફક્ત વડા પ્રધાન મોદી અને ભાજપ પર આક્ષેપો કરે છે. બહેતર રહેશે કે વિપક્ષી ગઠબંધન જનતાનો વિશ્વાસ જીતવા માટે રાષ્ટ્ર નિર્માણનો એજન્ડા રજૂ કરે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ