દેશની સૌથી તવંગર પાલિકા અને નવ રાજ્યો કરતાં જેનું અંદાજપત્ર મોટું હોય છે, એ બીએમસીના બજેટમાં નવા કોઈ કરવેરા નથી કે ન તો પ્રૉપર્ટી ટૅક્સ ઝીંકાયો છે. માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મુકાયો છે, સ્વાસ્થ્ય અને શિક્ષણ તથા પર્યાવરણ અને આબોહવામાં સુધારણા માટે ફાળવણી વધારવામાં આવી છે. આમ છતાં, વિકાસને વેગ આપતા રૂા. 80,952 કરોડના બીએમસી બજેટમાં આ સકારાત્મક બાજુઓને નજરઅંદાજ કરી વિરોધીઓ એક જ મુદ્દો ઉછાળી રહ્યા છે-ભાજપના હાથમાં સત્તા આવતાં જ છેલ્લાં અનેક વર્ષોમાં ઊભી કરવામાં આવેલી હજારો કરોડોની થાપણો તોડવામાં આવી રહી છે. મહાપાલિકાના ચૂંટણીપ્રચાર દરમિયાન ઉદ્ધવસેના દ્વારા આ મુદ્દો ચગાવાયો હતો અને બુધવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ રજૂ કરેલા બજેટ બાદ ફરી આ બાબત ચગાવાઈ રહી છે. એ ખરું કે બજેટમાં પાલિકાની 81,449.32 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપૉઝિટમાંથી બીએમસી ઇન્ટર્નલ ટ્રાન્સફર દ્વારા રૂા. 13,756 કરોડ રૂપિયાનું ભંડોળ વિકાસ કાર્યો માટે વાપરવા માગે છે અને સ્પેશિયલ ફંડ તથા રિઝર્વ ફંડમાંથી પણ 14,295 કરોડ વિકાસ કાર્યો માટે વાળવામાં આવશે. આમ કુલ રૂા. 28,061 કરોડ આ કામ માટે ઉપયોગમાં લેવાશે, પણ ફિક્સ્ડ ડિપૉઝિટનો આંકડો મોટો થતો રહે અને છતાં મુંબઈગરો મૂળભૂત સુવિધાઓ માટે ટળવળતો રહે એનો અર્થ શો? વળી, આ પહેલીવાર એવું નથી થઈ રહ્યું જ્યારે ફિકસ્ડ ડિપૉઝિટ તોડીને એ રકમનો ઉપયોગ કરાયો હોય.
સામાન્યપણે બજેટમાં ખર્ચ ઘટાડવા સાથે આવક
વધારવા પર ભાર અપાતો હોય છે અને બીએમસીના બજેટમાં પણ નાગરિકો પર સીધો વેરો નાખ્યા વિના
મનોરંજન કરને વ્યાપક બનાવવાનું પગલું લેવાયું છે. થિયેટર, મલ્ટિપ્લૅક્સ ઉપરાંત બાલિંગ
ઍલી, કૅબલ ટીવી પ્રદાતાઓ, ટિકિટ આધારિત જાહેર કાર્યક્રમો, પૂલ પાર્લર્સ, એક્ઝિબિશન્સ,
રેસ તથા સર્કસ જેવાં મનોરંજનનાં માધ્યમો પર એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ લાદવાનો પ્રસ્તાવ
છે. પાલિકા પર આર્થિક બોજ વધી રહ્યો હોવા છતાં આવકમાં સ્થિર વધારો જોવા મળી રહ્યો છે.
આ વખતના બજેટમાં રૂા. 51,510 કરોડની આવકનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ સાથે જ બીએમસી
પહેલીવાર ટકાઉ માળખાકીય પ્રોજેક્ટ્સ, જેમ કે વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ અને ડિસ્ટિલેશન
પ્લાન્ટ માટે ભંડોળ ઊભું કરવા મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડ્સ રજૂ કરવામાં આવશે. આ બૉન્ડ્સ
દ્વારા પાંચથી દસ હજાર કરોડનું ભંડોળ એકત્ર કરવાની નેમ છે. પાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું
છે કે આર્થિક ખેંચને કારણે નથી લઈ રહી, પણ કેન્દ્ર સરકાર દ્વારા અપાનારા અનુદાન માટે
પાલિકા આ પગલું લઈ રહી છે. પાલિકા એક હજાર કરોડનાં બૉન્ડ્સ જારી કરશે, તો કેન્દ્ર સરકાર
તરફથી તેમને રૂા. 100 કરોડનું અનુદાન મળશે.
ખોટ કરી રહેલા બેસ્ટ ઉપક્રમે બજેટમાં ત્રણ
હજાર કરોડ રૂપિયા ફાળવવાની માગ કરી હતી, પણ અગાઉની જેમ એક હજાર કરોડ રૂપિયાની ફાળવણી
કરાઈ છે. જોકે, ઇલેક્ટ્રિક બસીસની ખરીદી માટે વધારાના અઢીસો કરોડ રૂપિયા ફાઇનાન્સ કમિશન
દ્વારા મંજૂર કરવામાં આવશે. શહેરના કેટલાક વિસ્તારોમાં નવાં બિઝનેસ સેન્ટર બનાવવા માટે
ઇકૉનૉમિક માસ્ટર પ્લાન બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત, ગગનચુંબી ઇમારતોમાં આગની ઘટના
બને ત્યારે ડ્રૉન દ્વારા તેને નિયંત્રણમાં લેવાની વ્યવસ્થા કરાશે. રસ્તા પરનો ટ્રાફિક
ઓછો કરવા માટે મલ્ટિ-ડૅક ટનલ સિસ્ટમના પ્રસ્તાવ સાથે વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ માટે
ચાર હજાર કરોડ રૂપિયા, દહિસર-મીરા રોડ-ભાયંદર એલિવેટેડ રોડ માટે 700 કરોડ રૂપિયા તથા
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ માટે રૂા. 2650 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરની સતત કથળતી
હવાની ગુણવત્તાને જોતાં પર્યાવરણ અને હવામાન ખાતા માટેની ફાળવણી બમણી કરી રૂા. 160
કરોડ કરાઈ છે. આગામી પાંચ વર્ષમાં શહેરનો પાણીપુરવઠો દિવસના 800 એમએલડી જેટલો વધારવા
માટેની માળખાકીય સુવિધાઓ માટે પણ મોટી રકમની ફાળવણી કરાઈ છે. સર્વાંગી અને વ્યાપક વિકાસ
પર કેન્દ્રિત આ બજેટ એકંદરે મુંબઈગરા માટે રાહત જેવું છે. બસ, એ તેમના સુધી ક્યારે
પહોંચે છે એનું મહત્ત્વ છે.