• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

વિલંબ અને વિઘ્નથી ભરેલી ચૂંટણીઓ

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કોઈક અમંગળ ચોઘડિયામાં થઈ હોવી જોઈએ અન્યથા આટલા વિલંબ અને અંતરાયો આવે નહીં. એક તો પહેલેથી જ આ ચૂંટણીઓમાં નિયત સમય કરતાં બહુ વધુ કાળ વીતી ગયો છે અને હવે બીજી ડિસેમ્બરે યોજાનારી નગર પરિષદ અને નગર પંચાયતોની ચૂંટણીઓમાંથી અનેક જગ્યાએ ચૂંટણીઓ આગળ ઠેલાઈ છે અને હવે 20મી તારીખે મતદાન થશે. પહેલા ઓબીસી આરક્ષણ પછી સર્વોચ્ચ અદાલતમાં થયેલી અરજીઓ અને હવે રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને ફાળવવામાં આવેલાં ચિહ્ન ગેરકાયદે ગણાવી મતદાનની તારીખ આગળ ઠેલી છે. અનેક જગ્યાએ અનામતનું પ્રમાણ 50 ટકાથી વધુ હોવાથી એવી જગ્યાએ સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવા તથા પરિણામની જાહેરાત અટકાવવાનો આદેશ આપ્યો છે. અંબરનાથ નગરપાલિકાના તમામ 59 વૉર્ડ અને બદલાપુરના 49 વૉર્ડમાંથી નવ સહિત કુલ અનેક જગ્યાએ ચૂંટણીની તારીખ 18 દિવસ આગળ ધકેલાઈ છે. સંબંધિત જગ્યાઓએ અનેક ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓના નિર્ણયોને અદાલતમાં પડકાર્યા છે અને અત્યારે આ મામલા કોર્ટને આધિન હોવાથી ચૂંટણીઓની તારીખ બદલવામાં આવી છે. બહુ પ્રતિક્ષિત બીએમસી તથા આસપાસના થાણે, નવી મુંબઈ તથા અન્ય પાલિકાઓની ચૂંટણી બધું સમુંસૂતરું પાર પડ્યું તો આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાય એવી શક્યતા છે.

લોકતંત્રનાં મૂળ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબનો ઘટનાક્રમ અને એ પછી રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ અને મિત્ર પક્ષોમાં પણ થયેલા સંઘર્ષ જોતાં આ ચૂંટણીઓ મહત્ત્વની અને રસાકસી ભરી બની છે. પહેલા તબક્કામાં 288 નગર પંચાયત અને પરિષદોની ચૂંટણીમાં ભાજપ સો જેટલી બેઠકો અને ત્રણ નગર પરિષદના પ્રમુખનાં પદો બિનહરીફ જીતી ચૂક્યું છે. જોકે, મહાયુતિના ઘટક પક્ષો શિવસેના અને ભાજપમાં એકમેકના કાર્યકરોને તોડીને પોતાની તરફ લાવવાની લાગેલી હોડને કારણે વાતાવરણ ડહોળાયું છે. એ જ રીતે, એકમેકની સામે હોય એવા પક્ષો સાથે મળી ચૂંટણી લડી રહ્યા છે, તેના કારણે સ્થાનિક સ્તરે પરિસ્થિતિ સ્ફોટક બની છે. આ ચૂંટણીઓ અનેક રાજકીય પક્ષોના અસ્તિત્વ માટે લિટમસ ટેસ્ટ સમી છે, તો કેટલાકના નેતૃત્વ માટે મોટી કસોટી. વિલંબની પરાકાષ્ઠા ધરાવતી આ ચૂંટણીઓ વધુ કોઈ વિઘ્ન વિના પાર પડે એવું સૌ કોઈનો આશય હોવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક