વર્ષ 202પ-26 દરમિયાન ભારતનો વિકાસદર 7.4 ટકા જેટલો વધશે એવા અંદાજને મહાત કરીને બીજા ત્રિમાસિક સમયગાળાના વિકાસદરે 8.2 ટકાનો વધારો નોંધાવીને ભારતીય અર્થતંત્રની મજબૂતીનો પરચો દુનિયાને કરાવી આપ્યો છે. 8.2 ટકાનો જીડીપીમાં વધારો અત્યાર સુધીના છ ત્રિમાસિક સમયગાળામાં સૌથી વધુ નોંધાયો છે. દેશના અર્થતંત્રને મૃત જાહેર કરવામાં અગ્રેસર રહેલા વિપક્ષોના આકરા અને વાસ્તવિક જવાબ સમાન આ નમૂનારૂપ વધારાએ ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર હોવાની વધુ એક વખત સાબિતી કરી આપી છે.
ઉલ્લેખનીય છે
કે, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જીડીપી પ.6 ટકા રહ્યો હતો. આ ઉત્સાહજનક દેખાવની
પાછળ બાંધકામ અને નાણાકીય ક્ષેત્રમાં હાંસલ થયેલી હરણફાળ છે, સાથોસાથ ગ્રામીણ ક્ષેત્રોમાં
વધી જતી માગ અને સરકારી ખર્ચમાં વધારાએ આ વિકાસદરમાં પાયાની ભૂમિકા ભજવી છે. આ બધા હકારાત્મક સંજોગોમાં મોંઘવારીના નીચા દરે
પણ વિકાસમાં યોગદાન આપ્યું છે. આમ આ બધા વિકાસલક્ષી પરિમાણોએ જીડીપીના દરને ઉચ્ચ સ્તરે
પહોંચાડયો છે.
બાંધકામ અને માળખાકીય
ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન 8.1 ટકાનો વિકાસદર નોંધાયો છે. આમાં માળખાકીય ક્ષેત્રનો
હિસ્સો અધધધ 9.1 ટકા અને બાંધકામ ક્ષેત્રનો હિસ્સો 7.2 ટકા રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ
ખાણ અને ખનિજ ક્ષેત્રનો વિકાસ થોડો ઓછો રહ્યો છે. ગયા વર્ષે આ ક્ષેત્રમાં 3.પ ટકાના
વિકાસદરની સરખામણીએ આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 3.1 ટકાનો વિકાસ રહ્યો છે. બહુ ઓછા અર્થશાત્રીઓનું ધ્યાન ગયું છે કે, દેશના
નિકાસના શિપમેન્ટમાં આવેલી ઝડપે પણ વિકાસદરમાં યોગદાન આપ્યું છે. અમેરિકાના ટેરિફના
ઓછાયા છતાં દેશના નિકાસમાં 8.8 ટકાનો વધારો
થયો છે. આ વધારો એકદમ ભારે હોવાની હકીકત ગયા વર્ષના આંકડાની સરખામણી પરથી છતી થાય છે.
ગયા વર્ષે નિકાસનાં ક્ષેત્રમાં વિકાસદર માઈનસ દસ ટકા રહ્યો હતો.
ભારતીય અર્થતંત્રમાં
ઘરઆંગણાની વપરાશનો હિસ્સો 60 ટકા જેટલો રહ્યો છે. આ વખતે સારા ચોમાસાને લીધે કૃષિ ઉત્પાદન
વધવાને લીધે ગ્રામીણ વિસ્તારમાં ખર્ચનાં પ્રમાણમાં થયેલા વધારાએ રંગ રાખી દીધો છે.
જોકે, શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત રોકાણ અને ખર્ચમાં હજી જોઈએ એટલો વધારો થયો નથી,
પણ જીએસટીમાં ભારે ઘટાડાની પ્રોત્સાહક અસર હવે પછીના ત્રિમાસિક ગાળામાં વર્તાશે અને
તમામ સ્તરે ઘરવપરાશ માટેની ખરીદીમાં ભારે ઉછાળો આવશે એવા સ્પષ્ટ સંકેત સામે આવી રહ્યા
છે.
જીડીપીનો આ સતત
વધારો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, દેશના વિકાસનો વેગ હવે ધીમો પડે તેમ નથી. હાલે
ભારત અમેરિકા, ચીન અને જર્મની બાદ વિશ્વમાં ચોથા ક્રમનું અર્થતંત્ર છે, પણ 2030 સુધી
જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની ભારત પૂરી ક્ષમતા ધરાવે છે, પણ હાલે જે
વિકાસ હાંસલ થઈ રહ્યો છે તે જોતાં તેને જાળવી રાખવામાં આવે તો ભારતે જર્મનીને પાછળ
છોડવા 2030 સુધીની રાહ પણ કદાચ જોવી પડશે નહીં.