હવાઈ ચંપલ પહેરનાર હવાઈ સફર કરી શકે એવા દિવસોની કલ્પના વચ્ચે હાલ દેશનું નાગરી ઉડ્ડયન ક્ષેત્ર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશની મોટી એરલાઈન ઈન્ડિગોની પાઇલટ તથા અન્ય કર્મચારીઓની કમી તથા ફ્લાઈટ કર્મચારીઓના કામના કલાકોમાં નવી નિયમાવલિને કારણે આવેલી મર્યાદા (ફ્લાઈટ ડયૂટી ટાઈમ લિમિટેશન) તથા કેટલાક મોટા એરપોર્ટ પર ટેક્નિકલ સમસ્યાઓને કારણે રોજ દોઢસોથી બસ્સો ફ્લાઈટો રદ થવી, ટિકિટના ભાવ આભને આંબવા તથા એકંદર હાલાકીના સમાચાર રાજિંદા બની ગયા છે. વળી, સ્થિતિ પૂર્વવત્ થતાં લાંબો સમય લાગશે એવી શક્યતા જોતાં વિમાન પ્રવાસીઓની હાલાકીનો અંત નિકટ નથી.
ખાનગી
નાગરી ઉડ્ડયન ક્ષેત્રમાં માંડ બધું થાળે પડયાનાં એંધાણ વર્તાવા લાગ્યાં હતાં, ત્યાં ગત જૂન મહિનામાં અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનને થયેલા અકસ્માતની હજી તો કળ વળી નથી ત્યાં સૌર પ્રભાવથી બચાવ માટે સૉફ્ટવેર સિસ્ટમમાં ફેરફાર કરવાની તાકીદ વિમાન ઉત્પાદક એરબસે વિશ્વભરમાં એ-320 વિમાનનો ઉપયોગ કરતી ઍરલાઈન્સને કરી છે, આના કારણે આ વિમાનો કેટલોક સમય ઊડાણ ભરી નહીં શકે, આથી કેટલાંક વિમાનો ભારતમાં અત્યારે જમીન પર છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટ્સ ધડાધડ રદ થવાને કારણે એરપોર્ટ પર લોકો રઝળી પડયાના તથા જાતભાતની હાલાકીમાંથી પસાર થઈ રહ્યાના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના નિયમો હેઠળ પાઇલટ્સની ડયૂટીના કલાકો 48થી ઘટાડી 36 કલાક કરાયા છે. શારીરિક તથા માનસિક થાક ઘટાડવાનો આની પાછળનો આશય છે, જે સારો છે. પણ, આની અસર ઈન્ડિગો પર સૌથી વધુ થઈ કેમ કે એક નવા નિયમને પગલે ઉડ્ડયનો હાથ ધરવા માટે કુશળ મનુષ્ય બળની કમી પડવા સાથે રાતના સમયે સૌથી વધુ ફ્લાઈટ હોવાથી તેમની સમસ્યા ઘેરી બની છે. એક તરફ, કામગીરી વધારવાનું ચાલુ હતું, પણ માનવબળ વધારવા તરફ દુર્લક્ષ કર્યું અને હવે કામના કલાકો મર્યાદિત થઈ જતાં બધું પડી ભાંગ્યું છે. નિયમમાં ફેરફારનો પ્રસ્તાવ ગયા વર્ષે આવ્યો હતો અને ઈન્ડિગોએ તેના અમલીકરણ માટે એક વર્ષની મહેતલ માગી હતી. પણ યોગ્ય પગલાં લેવાયાં નહીં અને હવે એનાં પરિણામ નાગરિકોએ ભોગવવાં પડે છે.