પુણેના મુંઢવા વિસ્તારમાં રૂા. 1800 કરોડના મૂલ્યની 41 એકર જમીન સાવ પાણીના ભાવે અપાયાના મામલામાં રાજ્ય સરકારે નીમેલી વિકાસ શંકર ખડગે સમિતિએ આપેલા એક હજાર પાનાંના અહેવાલમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દિવંગત અજિત પવારના પુત્ર પાર્થને ક્લીન ચિટ અપાઈ છે. આ મામલામાં પાર્થ પવારની કોઈ સંડોવણી નથી એવી હવા શરૂઆતથી જ બાંધવામાં આવી હતી. જે કંપની સાથે જમીન વેચાણનો વ્યવહાર થયો, એના ભાગીદાર અથવા અન્ય કોઈ વ્યક્તિને બદલે આ મામલામાં તપાસ સમિતિએ મહેસૂલ ખાતાના બે અધિકારીઓ સામે આ વહેવારમાં પ્રક્રિયાગત ચૂક બાબતે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. શરૂઆતથી જ આ મામલામાં પાર્થનું નામ ક્યાંય ન આવે એ રીતે કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસ ખાતાની એફઆઇઆરમાં સુદ્ધાં તેનું નામ નહોતું, આથી તપાસ સમિતિના અહેવાલમાં પાર્થને ક્લીન ચિટ અપાઈ છે, એનું આશ્ચર્ય નથી. આ અહેવાલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે આગામી દિવસોમાં મુકાશે, એવા સમાચાર છે. આ અહેવાલ કરતાં તે રજૂ થયાના ટાઇમિંગનું વધુ મહત્ત્વનું છે. 10 રાજ્યોની રાજ્યસભાની 37 બેઠકો ખાલી થઈ રહી છે અને આ બેઠકો માટેની ચૂંટણી 16મી માર્ચે યોજાવાની છે. આ સાથે જ રાજ્યસભા સાંસદ અને અજિત પવારનાં પત્નીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદની ખુરશી સંભાળી હોવાથી તેમને સાંસદ તરીકે રાજીનામું આપવું પડશે, આથી તેમની જગ્યાએ પાર્થને સંસદના ઉપલા ગૃહમાં મોકલવા માટેની તજવીજ કરવા માટે ભ્રષ્ટાચારના મામલામાં ક્લીન ચિટ સમયની માગ હતી.
મુંઢવામાંની ઉપરોક્ત જમીન મહાર વાટણ જમીનના
વર્ગીકરણ હેઠળ હતી, જે મહાર જાતિના લોકોને જૂના કાળમાં ગામ પ્રત્યેની તેમની વારસાગત
ફરજોના વળતર તરીકે ફાળવવામાં આવી હતી. 1950માં મહાર વાટણ નિર્મૂલન કાયદાને પગલે આ જમીનનું
વેચાણ, હસ્તાંતરણ કે ભાડે આપવા માટે સરકારની પૂર્વ પરવાનગી આવશ્યક કરાઈ હતી. આમ છતાં,
મુંઢવાની જમીન પાર્થની કંપનીને વેચવાના દસ્તાવેજો બન્યા અને સ્ટૅમ્પ ડ્યૂટીમાં રાહત
માટેની પ્રક્રિયા પણ થઈ. આ આખા મામલામાં પાર્થની કોઈ સંડોવણી નથી અને ન તો કોઈ કરાર
પર એની સહી છે, એવો રાગ પોલીસ શરૂઆતથી આલાપી રહી છે. સામાન્ય માણસ નિર્દોષ હોય તો પણ
તેની સાથે ગુનેગારો જેવો વહેવાર કરતું આ ખાતું પાર્થના મામલામાં ભારે સૌજન્યશીલ હતું.
તપાસ સમિતિ બનવી અને તેનો અહેવાલ પણ ઝટપટ આવી જવો તથા સરકાર દ્વારા તેના પર મત્તું
મારવાની પ્રક્રિયા પણ પાર પડી જશે. કાશ, સરકારો બધા જ મામલામાં આટલો જ ઉત્સાહ અને ઝડપ
રાખતી હોય તો.