• સોમવાર, 23 માર્ચ, 2026

મમતા દીદીની વોટ બૅન્ક

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પડકાર અને સ્પર્ધા ગંભીર હોવાથી મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એમના ચૂંટણી ઘોષણાપત્રમાં કલ્યાણકારી યોજનાઓને કેન્દ્રમાં રાખીને મહિલાઓ તથા યુવા વર્ગને નાણાં સહાય વધારવાનું વચન આપ્યું છે. આ સાથે જ નાગરિકો માટે સ્વાસ્થ્ય સુવિધા યોજનાની જાહેરાત કરી છે. મમતાજીએ આગામી દસ વર્ષમાં બંગાળના અર્થતંત્રને ભારતનાં રાજ્યોમાં ત્રીજા નંબરે લઈ જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. પ્રતિ વર્ષ બે કરોડ જેટલી વધારાની રોજગારી સર્જવાની અને બેરોજગારી ઘટાડવાની જાહેરાત પણ કરી છે.

મમતા બેનરજીની વોટ બૅન્ક - બાંગ્લાદેશી `ઘૂસણખોરો' ઉપર કેન્દ્ર સરકારે ધાડ પાડી અને ચૂંટણી પંચે મતદાર યાદીઓની ચકાસણી કરીને કાપકૂપ કરી તેની સામે મમતાજીએ જાહેરમાં અને સુપ્રીમ કોર્ટમાં ઊહાપોહ મચાવ્યો પણ કાંઈ વળ્યું નહીં તેથી એમણે પોતાની વોટ બૅન્ક વિસ્તારીને મહિલા તેમ જ યુવા વર્ગને આકર્ષિત તથા રાજી કરવા માટે વચનો આપ્યાં છે.

તૃણમૂલ કૉંગ્રેસના ઘોષણાપત્રમાં તમામ નાગરિકોના સ્વાસ્થ્ય સુધારને મહત્ત્વ અપાયું છે. `દ્વારે ચિકિત્સા' યોજના હેઠળ દરેક જિલ્લામાં ઘેરઘેર જઈને સ્વાસ્થ્ય ચિકિત્સાની સુવિધા આપવામાં આવશે. દિલ્હી અને પંજાબમાં આમઆદમી પાર્ટીએ ગલી-ગલીએ ડૉક્ટરની સેવા આપવાની જાહેરાત કરી હતી તેમાં હવે સુધારો કરીને ઘેરઘેર સેવા અપાશે. ગુજરાતમાં 108 નંબર ઉપર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ છે તેનું આ અનુકરણ છે. રાજ્યમાં `સેવાશ્રય' કામ કરી રહ્યા છે. હવે વાજબી ભાવે દવાઓ મળશે.

લક્ષ્મી ભંડાર અને યુવાસાથી યોજના હેઠળ બેકારી ભથ્થાં વધારવામાં આવશે. `યુવાસાથી' હેઠળ 21થી 40 વર્ષની વય ગ્રુપમાં એક કરોડ યુવાઓને માસિક રૂા. 1500 આપવાનું વચન અપાયું છે. આ યોજનામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બેકારી ભથ્થું નથી પણ યુવા વર્ગને પૉકેટ મની - ખિસ્સા ખર્ચી છે. અત્યાર સુધીમાં બે કરોડ રોજગારી સર્જવામાં આવી છે. હવે આ યોજના હેઠળ તેમાં વધારો થશે.

લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને અપાતી આર્થિક સહાયમાં 500 રૂપિયા વધારીને 1500 (વાર્ષિક 18,000) કરવામાં આવશે. એસસી, એસટી લાભાર્થીઓ માટે આ રકમ વાર્ષિક 20,400 છે. કૃષિ બજેટ માટે રૂા. 30 હજાર કરોડ ફાળવાયા છે જેનો લાભ ભૂમિહીન મજૂરો તથા ખેડૂતોને મળશે. રાજ્યભરમાં સૌને પાક્કા ઘર અને નળથી જળ પહોંચાડવાનું વચન પણ અપાયું છે.

મુસ્લિમ વોટ બૅન્કની ખોટ-ખાધ પૂરવા માટે મમતા બેનરજીએ લહાણીની જાહેરાત કરી છે ત્યારે હવે ભાજપ કેવાં વચનો આપે છે તે જોવાનું છે. આખરે સ્પર્ધા અને ચૂંટણી તો વચનો-વચ્ચે જ છે! 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ