• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સ્થિર રેડી રેકનર દર આવકારદાયક

યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિ, અર્થતંત્ર પર થઈ રહેલી અસર અને રિયલ ઍસ્ટેટ ક્ષેત્રની હાલત જોતાં મહારાષ્ટ્ર સરકારે નાણાકીય વર્ષ 2027 માટે મુંબઈમાં પ્રૉપર્ટીના રેડી રેકનર દરો સ્થિર રાખવાનો લીધેલો નિર્ણય સમયોચિત છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ દરોમાં એકધારા વધારાની પૅટર્ન જોવા મળી છે, ઈનફૅક્ટ ગયા વર્ષે જ મુંબઈના રેડી રેકનર દરોમાં 3.39 ટકાનો વધારો કરાયો હતો. આ વખતે પણ સ્ટૅમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ખાતાએ આ દરોમાં પાંચથી આઠ ટકા જેટલો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આની સામે રિયાલિટી ક્ષેત્રએ રજૂઆત કરી હતી, કે વર્તમાન પરિસ્થિતિ જોતાં આ દરોમાં વધારો કરવામાં ન આવે. રેડી રેકનર દરોને કારણે પ્રૉપર્ટી સ્ટૅમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનનાં મૂલ્ય પર અસર પડે છે અને  સરકારી મહેસૂલ વધે એ માટે આ દરોમાં વધારો કરવામાં આવતો હોય છે. છેલ્લાં બે વર્ષમાં વિવિધ ચૂંટણીઓને કારણે આ દરોમાં તીવ્ર વધારો કરાયો નહોતો, પણ રાજ્યમાં હવે કોઈ ચૂંટણી નિકટ ન હોવા છતાં સરકારે આ દરો સ્થિર રાખવાનો લીધેલો નિર્ણય બાંધકામ ઉદ્યોગ અને સામાન્ય માણસ માટે રાહતદાયક છે. રિયલ ઍસ્ટેટના કેટલાક સેગમેન્ટમાં માગને લઈને ચિંતાનું વાતાવરણ હોવા છતાં સરકારી આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2026માં રાજ્ય સરકારને સ્ટૅમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનમાંથી રૂા. 60,568.94 કરોડની મહેસૂલી આવક થઈ હતી. વળી, દરેક મહિનાના આંકડા જોતાં આ ક્ષેત્રમાં મંદીનાં એંધાણ નથી, હાલ ઉપર તરફનો ટ્રેન્ડ પણ નથી. શક્યતા એવી વર્તાવાઈ રહી હતી કે, મહારાષ્ટ્ર પર કરજનું ભારણ જોતાં રેડી રેકનર રેટમાં પાંચેક ટકા વધારો ઝીંકાવાની શક્યતા વર્તાવાઈ હતી, પણ ગયા વર્ષના દર યથાવત્ રાખી સરકારે ઘર ખરીદનારાઓ અને બાંધકામ ઉદ્યોગને રાહત આપી છે.  

કોરોના કાળમાં પણ રેડી રેકનરના દરોમાં સરકારે 1.74 ટકા જેવો વધારો કર્યો હતો અને અત્યારે આ દરો યથાવત્ રાખી ફડણવીસ સરકારે સમય, સંજોગો અને સ્થિતિની નોંધ લઈ યોગ્ય પગલું લીધું હોવાનું ચિત્ર છે. એક તો રાજ્યનાં મુંબઈ સહિતનાં મોટાં શહેરોમાં ઘરની કિંમતો આમ પણ આભને આંબી રહી છે. આવામાં, સરકારે લાંબો વિચાર કરી આ દરો નથી વધાર્યા અને મહેસૂલી આવક પર અસર ન થાય એની તકેદારી રાખતાં રાજ્યના અનેક સિટી ડેવલપમેન્ટ પ્લાન તથા ક્ષેત્રીય પ્લાન્સને મંજૂરી આપવા ઉપરાંત નવા સર્વે નંબરની નોંધણી તથા વર્તમાન સ્થિતિના દસ્તાવેજોમાં ફેરફાર કર્યા છે, જેના પગલે વધુ સ્ટૅમ્પ ડ્યૂટી પેટે મહેસૂલી આવક થશે. વળી, રાજ્યમાં માળખાકીય સુવિધાઓના પ્રકલ્પોમાં ઝડપને કારણે પણ નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સને લાભ થયો છે. આમ, આવકનાં સાધનો વધારવા સાથે રાહત આપવાની સંતુલિત નીતિથી વિન-વિન સિચ્યુએશન સર્જાઈ છે.