• સોમવાર, 04 માર્ચ, 2024

ધારાવીમાં ઝૂંપડાંની કિંમત અધધધ રૂા. 50 લાખ  

રિડેવલપમેન્ટ થવાનું હોવાથી લોકો રોકાણ માટે દલાલોની વાતોમાં આવી જવા માંડયા છે

મુંબઈ, તા. 11 : ધારાવીમાં હાલ ઝૂંપડાંની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ધારાવીની ઝૂંપડપટ્ટીને રિડેવલપમેન્ટ કરવાનો કૉન્ટ્રાક્ટ અદાણી પ્રૉપર્ટીસ પ્રાઇવેટ લિમિટેડને મળ્યો છે. રિડેવલપમેન્ટ થવાનું હોવાથી વિસ્તારમાં ઝૂંપડાંની કિંમત પણ વધી ગઈ છે. વળી, દલાલોની સંખ્યા પણ વધી છે. લોકો ધારાવીમાં ઝૂંપડું ખરીદવાના ચક્કરમાં દલાલની વાતોમાં આવી જવા માંડયા છે. દલાલોના જણાવ્યા અનુસાર અહીંનાં ઝૂંપડાંના માલિકોના સારા દિવસો આવી ગયા છે. રેલવે પાસેનાં ઝૂંપડાંની કિંમત ઓછી છે. અહીં કિંમત રૂા. 15 લાખથી શરૂ થાય છે. ટ્રાન્ઝિસ્ટ કૅમ્પ ક્રમાંક 12માં કિંમત રૂા. 40થી 60 લાખની છે. તો ધારાવી પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ચાલમાં રૂા. 25થી 50 લાખ સુધીમાં એક ઝૂંપડું મળી રહે છે. 

બે ટકા દલાલીની લાલચમાં દલાલો ખરીદવા માગતા લોકોને તમામ કાગળો બનાવી આપવાનો વાયદો પણ કરે છે. જોકે, અધિકારીઓ લાંચ આપવાની રકમ અલગ માગે છે. સાયનના એક દલાલનું કહેવું છે કે આટલો ધસારો જોતા અમે લોકોને સમજાવીએ છીએ કે રિડેવલપમેન્ટમાં એમને મુલુંડ ડમ્પિંગ કે પછી મીઠાના અગર વાળા મીઠાગરમાં પણ વસાવવામાં આવી શકે છે, પરંતુ લોકો માત્ર રોકાણ તરીકે ઝૂંપડું લેવા માગે છે. ખંબા દેવીની નજીક ઝૂંપડાંની કિંમત રૂા. 45 લાખથી શરૂ થાય છે. 10 બાય 15નું ઝૂંપડું રૂા. 50 લાખ સુધીમાં પણ મળી શકે છે. ધારાવીનું રિડેવલપમેન્ટ ક્યારે થશે ખબર નથી, પરંતુ એની કિંમતમાં ભારે વધારો થયો છે.