ભારતીય રિઝર્વ બૅન્કની મુદ્રા નીતિ સમિતિ દ્વારા પાંચ વર્ષમાં પહેલી વખત રેપો રેટ પચીસ બેસિક પૉઈન્ટ ઘટાડીને 6.25 ટકા કરવાનો નિર્ણય ધીમા પડી રહેલા અર્થતંત્રને પ્રોત્સાહિત કરશે, લોનના હપ્તા ચૂકવી રહેલા એક મોટા ગ્રાહક વર્ગને પણ રાહત મળશે. વાસ્તવમાં આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્ર સરકાર બજેટમાં વ્યક્તિગત આવકવેરામાં ઘટાડાની ઘોષણા કરીને આમજનતાના હાથમાં વધુ રકમ પહોંચાડવાની જાહેરાત કરી ચૂકી છે. સ્પષ્ટ છે કે આ બન્ને પગલાં ઉપભોગને - લોકોની ખરીદ શક્તિને પ્રોત્સાહન આપવા અને આર્થિક વિકાસની ગતિને વેગ આપવાના ઉદેશ્યથી ઉઠાવવામાં આવ્યાં છે.
રેપો દરમાં ઘટાડાથી બૅન્કો
માટે ટોચની બૅન્કોથી અને ગ્રાહકોને પોતાની બૅન્કથી લોન લેવાનું સસ્તું થઈ જશે. ઘર,
વાહન અને બીજી વ્યક્તિગત લોન કરજોની માસિક ઈએમઆઈમાં પણ ઘટાડો થશે. અર્થતંત્રમાં સુસ્તીના
સંકેત જણાઈ રહ્યા હોય અને ઘરેલુ માગને પુનર્જીવિત કરવાની અનિવાર્યતા હોવાથી આ નિર્ણય
લેવાયો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ
રેપો રેટની સાથે જ એ અનુમાનની પણ ઘોષણા કરી છે કે આગલા વર્ષ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ
લગભગ 6.75 ટકા રહેશે. એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતને પોતાની વિશાળ વસ્તીની સાથે
વિકસિત દેશ ભણી આગળ વધવા માટે ઓછામાં ઓછો 8 ટકાનો વિકાસદર જોઈએ. હાલ 6.75 ટકાનો વિકાસદર
છે. અમેરિકા જેવો મહાશક્તિ દેશ હાલ 27 ટકાના દરથી વિકાસ કરી રહ્યો છે, પરંતુ અમેરિકાનું
અર્થતંત્ર વિશાળ છે. ભારતની યાત્રા લાંબી છે એટલે તેના વિકાસની ગતિ પણ વધુ હોવી જોઈએ.
અતઃ વિકાસની ગતિ વધારવાના રિઝર્વ બૅન્કના આ પ્રયાસ આવકારપાત્ર છે. બૅન્કના નવા ગવર્નર સંજય મલ્હોત્રા પણ કહે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ પરાકાષ્ઠા પર છે. અસામાન્ય મૌસમી ઘટનાઓ વિકાસના પ્રયાસોને નબળા પાડી રહી છે ત્યારે હવે ટ્રમ્પની નીતિઓથી આખી દુનિયામાં વ્યાપાર યુદ્ધની શંકા થઈ છે, જેમાં વિત્તીય બજારોમાં અનિશ્ચિતતા પણ છે.
એ નિશ્ચિત છે કે સસ્તી લોનથી
બજારમાં માગ વધે તો અર્થતંત્રને ફાયદાકારક છે, પરંતુ અત્યાધિક રોકડ પ્રવાહથી મોંઘવારી
વધી પણ શકે છે, જેના પર કેન્દ્રીય બૅન્કે નજર રાખવાની રહેશે. આ ઉપરાંત, અર્થતંત્રને
સ્થાયી મજબૂતી આપવા માટે આવશ્યક છે કે લાંબા સમયથી ફંડિંગ અને લોન નહીં મળવાની સમસ્યાથી
ઝઝૂમી રહેલા દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળે. રેપો દરમાં ઘટાડો સાચી દિશામાં
ભરવામાં આવેલું એક પગલું છે. આર્થિક સુધારાઓને પ્રભાવી બનાવવા માટે સરકારે સંરચનાત્મક
નીતિઓ પર અધિક ધ્યાન આપવું પડશે, જેથી ઉપભોગ અને રોકાણ બન્નેને મજબૂતી મળે.