પ્રગતિશીલ, શાશ્વત, સર્વસમાવેશક અને સુશાસનનો મધ્યવર્તી વિચાર સાથેનું મહારાષ્ટ્ર રાજ્યનું અંદાજપત્ર વર્ષ 2047 સુધીમાં પાંચ લાખ કરોડ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરનારું છે. માળખાકીય સુવિધાને લગતી યોજનાઓનો વરસાદ, લાડકી બહીણ સ્કીમ અંતર્ગત મળનારી મદદ યથાવત્ રાખવા સાથે ખેડૂતોને રૂપિયા બે લાખ સુધીની કરજમાફી ધરાવતું બજેટ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કર્યું. રાજ્ય હાલ સાડા નવથી દસ લાખ કરોડના જંગી દેવા હેઠળ છે, ત્યારે સરકારી તિજોરી પર વધુ તાણ ન આવે એ રીતે કલ્યાણકારી યોજનાઓ સાથે સરકારી કર્મચારીઓનાં વેતન અને દેવાં પરના વ્યાજ જેવા બાંધેલા ખર્ચ વચ્ચે મેળ બેસાડવાની કપરી કામગીરી ફડણવીસ સરકારના માથે છે.
નાણાપ્રધાન અજિત પવારના અકાળ અવસાનને પગલે
આ વખતનું રાજ્ય બજેટ રજૂ કરવાની જવાબદારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આવી પડી,
જે તેમણે પોતાની આગવી શૈલીમાં સુપેરે પાર પાડી. મુંબઈ, થાણે અને પુણેમાં એક્પ્રેસવે
તથા મેટ્રો ટ્રેનનું નેટવર્ક રચવા સાથે રાજ્યભરમાં છ હજાર કિ.મી. એક્પ્રેસવે અને
1200 કિ.મી. મેટ્રો માર્ગના સર્જન પર બજેટમાં વિશેષ ભાર અપાયો છે તેમ જ ખેડૂતોને દેવાં
માફી અપાશે, એ તો અપેક્ષિત હતું જ. બીજું, ત્રીજું અને ચોથું મુંબઈ ઉપરાંત બીજા નાગપુરની
કલ્પના પણ આ બજેટમાં કરાઈ છે. રાજ્યમાં સ્વતંત્ર ઈલેક્ટ્રોનિક્સ, આઈટી તથા એઆઈ વિભાગોની
સ્થાપનાનો વિચાર અત્યારના સમયની માગ અનુસાર છે. બજેટ પહેલાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણ
અહેવાલમાં રાજ્યનો વિકાસદર 7.9 ટકા જેવો રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.
રાજ્યમાં આ પહેલાં ત્રણથી ચાર વાર ખેડૂતોને
દેવાં માફી અપાઈ છે. જોકે, લાંબા ગાળે તેનો કોઈ લાભ થયો હોય એવું જોવા મળતું નથી. જોકે,
કુદરતી આપદાઓનો માર સહન કરતા જગતના તાતને સધિયારો અને ગ્રામીણ અર્થ વ્યવસ્થાનું ચક્ર
ફરતું રહે એ માટે રૂા. બે લાખ સુધીની કરજ માફી જરૂરી હતી. આ સાથે જ નિયમિત રીતે કરજ
ભરતા ખેડૂતોને રૂા. પચાસ હજારની સબસિડી જાહેર કરી સરકારે આવકારદાયક પગલું લીધું છે,
પણ આના માટે લાયક કોણ એ પાત્રતાને લઈને વિરોધી પક્ષોએ બુમરાણ મચાવી છે. શિવસેના (ઉબાઠા)ના
મુખપત્ર `સામના'માં બજેટની ટીકા કરતા લખાયું છે કે, સરકાર વ્યાજની ચુકવણીમાં અધધધ
65 હજાર કરોડ રૂપિયા વાપરે છે, આવામાં બજેટમાં કરાયેલી વિવિધ જાહેરાતોને વાસ્તવિકતામાં
બદલવા માટે નાણાં ક્યાંથી આવશે?
લાડકી બહીણ યોજનાને કારણે મહાયુતિ સત્તામાં
આવી, પણ તેનો બોજ હવે વર્તાવા લાગ્યો છે. જોકે, આ પ્રકારની યોજનાઓ હવે ભારતના રાજકારણનો
અતૂટ ભાગ બની ગઈ હોવાથી, તેમાં પીછેહઠ થઈ શકે એમ નથી. બજેટમાં આર્થિક ખાધ નિયંત્રણ
હેઠળ હોવા છતાં આવી યોજનાઓનો બોજ તથા બાંધેલા ખર્ચ તથા સરકારી આવકનાં સાધનો ખૂટી રહ્યા
હોવાથી આવક અને ખર્ચ વચ્ચે તાલમેલનો અભાવ જણાય છે, એવી વિરોધી પક્ષોની દલીલ સદંતર ખોટી
તો નથી જ.