• બુધવાર, 12 માર્ચ, 2025

ચીનનું વલણ

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું છે કે, નવી દિલ્હી અને બીજિંગે સાથે મળી કામ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે સેના ખટરાગ પછી ગયા વર્ષે કઝાનમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોએ સકારાત્મક ફેરફાર થયો છે. વાંગે કહ્યું હતું કે, સરહદી પ્રશ્નોની અસર દ્વિપક્ષીય સંબંધો પર ન પડવી જોઈએ.

વિશ્વમાં ચોમેર મતભેદો જોવા મળી રહ્યા છે ત્યારે સહમતી સુધી પહોંચવાના પ્રયાસ આવકારદાયક ગણાય. ભારત દ્વારા હંમેશાં ચીન પ્રત્યે ઉદારતાના સંકેત મળતા રહે છે, પણ ચીન દ્વારા વધુ આકરી ટીકાઓનો સિલસિલો ચાલુ રહેતો હોય છે. ભારતવિરોધી આતંકવાદીઓને યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી બચાવવાનો મુદ્દો હોય કે ભારતની સીમા પરના વિસ્તાર પર ગીધ દૃષ્ટિ, 1962થી આપણે જ જોતા આવ્યા છે. જોકે, છેલ્લાં બે વર્ષમાં બન્ને દેશો વચ્ચેની ગલવાન સીમા વિવાદ પર જે સહમતી સધાઈ, ત્યાર પછી ચીનના વલણમાં કંઈક ફેરફાર જણાયા છે. આનાથી એક આશા જાગે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનું તાજું નિવેદન ચીન સંબંધ સુધારવાના પક્ષમાં જણાઇ રહ્યું છે.

ચીનનું વલણ સ્થિર નથી. આપણને હજી નક્કર સંકેતોની આવશ્યક્તા છે, જેનાથી લાગે છે કે તે ભારતની ચિંતાઓ પ્રતિ સંવેદનશીલ છે. સૌથી મોટા પડોશીઓના રૂપમાં બન્ને દેશો પાસે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા પર્યાપ્ત જ્ઞાન અને ક્ષમતા છે. આવામાં બન્ને દેશોએ એકબીજાની સફળતાનું સમર્થન કરવું જોઈએ. નોંધનીય વાત છે કે વાંગે ડ્રેગન અને હાથી વચ્ચે સહકારી ભાગીદારીને એકમાત્ર સાચો વિકલ્પ ગણાવ્યો છે.

વાંગે અનેક સારી વાતો કરી છે, જેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે નક્કર પહેલની આવશ્યક્તા છે. ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ ચીનની સમસ્યાઓમાં વધારો થાય એવું પગલું લીધું નથી, આથી ગલવાનના સમયે ભારતના પક્ષે જે હાંસલ થયું, તેને ભૂલવામાં સમય લાગશે. જે થયું, ચીન તે ટાળી શક્યું હોત. વાંગના વલણથી એવું લાગે છે કે ચીન હવે ભારત સાથે કદમતાલ મિલાવવામાં વ્યાપક હિત જોઈ રહ્યું છે, તો આમાં વૈશ્વિક લાચારીઓની મોટી ભૂમિકા છે.

હાલ અમેરિકાનું જે વલણ છે, તેનાથી તમામ દેશોને ચિંતા થઈ રહી છે. ચિંતિત દેશોમાં ભારત સામેલ છે, તો ભારતથી પણ વધુ ચિંતા ચીનને સતાવી રહી છે. બન્ને દેશો જો એકબીજાનું હિત હૈયે રાખી આગળ વધે તો આખા દક્ષિણ એશિયામાં શાંતિને બળશક્તિ મળી શકે છે. આજે દક્ષિણ એશિયામાં આર્થિક, રાજનીતિક, સામરિક તાણની સ્થિતિ છે, તો ચીને પોતાની ભૂમિકાની સમીક્ષા કરવી જોઈએ. જોકે, એટલું તો નક્કી છે કે જો અમેરિકાના વલણમાં આક્રમક્તા વધી તો ચીન અને ભારતને એકબીજાની આવશ્યક્તા પડશે. બન્ને દેશોએ સાથે મળીને ચાલવું જોઈએ અને વ્યવસાયિક રીતે તો બન્ને દેશ મોટે ભાગે એકબીજાની સાથે ચાલી રહ્યા છે. પણ બન્ને વચ્ચે જે પ્રકારની સામરિક-કૂટનીતિક રાજનીતિક તાણ છે, તેને દૂર કરવા માટે ચીને જ નક્કર પગલાં લેવાનાં રહેશે. પરસ્પર વિશ્વાસ વધારવો ખૂબ મોટું કામ છે અને મળીને ચાલવાના આશયથી ભારત ક્યારે પણ પાછું નથી પડયું.