• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

વધુ ગતિશીલતાની આશા સાથે સંતુલિત પ્રધાનમંડળ

દીપોત્સવીમાં ગુજરાત સરકારનું નવું પ્રધાનમંડળ સત્તારૂઢ થયું છે. બે દિવસ ચાલેલી રાજકીય ગતિવિધિ પછી શપથવિધિ સમારોહ સંપન્ન થયો છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અનુસાર તમામ વિસ્તાર, તમામ જ્ઞાતિનાં સમીકરણોને ત્રાજવે તોળીને સમતોલ પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. એકાદ શહેર કે વિસ્તારના કોઈ ધારાસભ્યને કદાચ ક્યાંક ખટકો હોય તો પણ આટલી મોટી વ્યવસ્થામાં તે નગણ્ય સ્વીકારીને તેને બાદ કરતાં પ્રધાનમંડળ સંતુલિત છે એમ કહી શકાય. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોની સંખ્યા પ્રધાનમંડળમાં ઘટી છે અને સૌરાષ્ટ્રનું મહત્ત્વ વધ્યું છે એના ઉપરથી એમ કહી શકાય કે જે મુદ્દા ભૂતકાળમાં ઊઠÎા હતા તે પક્ષના મોવડીઓએ ધ્યાને લીધા છે તો વર્તમાન સ્થિતિની પણ પૂર્ણ પરખ કરી છે.

2022ના અંતિમ માસમાં 156 બેઠકોની ધીંગી બહુમતી સાથે સત્તામાં આવેલી ભાજપ સરકાર સામે કેટલીક દુર્ઘટનાઓના પડકાર આવ્યા, બચુ ખાવડ જેવા પ્રધાનોનાં પ્રકરણોએ સરકારને જવાબદેહી ભૂમિકામાં મૂકી તેની વચ્ચે પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમના સાથીઓએ રાજ્યના કામ કરવાનું ચાલુ રાખ્યું. કેટલાક પ્રધાનો શિથિલ રહ્યા એવી ફરિયાદો ઊઠી તો ક્યાંક ચૂંટાયેલી પાંખ ઉપર અધિકારી વર્ગ હાવી થતો હોવાની, ક્યાંક કોઈ ટેન્ડરમાં રસ લેતા હોવાનું ચર્ચાયું. પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તે વાત તો લાંબા સમયથી ચર્ચામાં હતી. ભાજપ પ્રદેશપ્રમુખ સીઆર પાટીલના સમયમાં આ પ્રક્રિયા થનાર હતી પણ હવે પ્રધાનમંડળના વિસ્તરણને બદલે નવસંસ્કરણ થયાનું પણ કહી શકાય કેમ કે છ પ્રધાન રિપિટ કરાયા છે અને 19 નવા ચહેરા ભૂપેન્દ્રભાઈ સાથે જોડાયા છે.

ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 પ્રધાનો છે. ગૃહપ્રધાન તરીકે કાર્યરત રહેલા હર્ષ  સંઘવીને ધારણા મુજબ પદોન્નત કરીને નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપાઈ છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાનો સમાવેશ આખરે કૅબિનેટમાં થઈ ગયો છે. તેની સામે મૂળ કૉંગ્રેસી એવા રાઘવજી પટેલ હવે પ્રધાનમંડળમાં નથી રહ્યા. જોકે, તેવું કુંવરજી બાવળિયાના કિસ્સામાં બન્યું નથી. તેમને તેમની જ્ઞાતિનું કારણ મદદ કરી ગયું છે. નવા પ્રધાનોનાં નામ જાહેર થયાં ત્યારથી સૌથી ચર્ચા એક જ વાતની છે કે જેમની પીઠ ગૃહપ્રધાન અમિત શાહે થાબડી હતી તેવા જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયાને પ્રધાનમંડળમાં સમાવાયા નથી, તેમને ગૃહપ્રધાન બનાવવામાં આવશે એવી ધારણા હતી.

ગુજરાતનું પ્રધાનમંડળ ‘દક્ષિણ ગુજરાતથી અસરગ્રસ્ત’ છે તેવી છાપ આ વખતે ભૂંસાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના કુલ નવ ધારાસભ્યોને પ્રધાનપદ અપાયાં છે. ઉત્તર ગુજરાતમાંથી ચાર ચહેરા, દક્ષિણ ગુજરાતમાંથી છ અને મધ્ય ગુજરાતમાંથી સાત ધારાસભ્યોનો સમાવેશ પ્રધાનમંડળમાં થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ અંગે થોડો કચવાટ હતો તે ઉપરાંત આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં થોડું કાઠું કાઢી રહી છે તે પણ કારણ હોઈ શકે. નવા પ્રધાનમંડળમાં પાટીદાર સમાજમાંથી સાત, ઓબીસી વર્ગમાંથી આઠ, અનુસૂચિત જાતિમાંથી ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી ચાર ધારાસભ્યોને સમાવાયા છે. ભૂપેન્દ્રભાઈની કૅબિનેટમાં એક પણ મહિલા નથી. જોકે, રિવાબા જાડેજા, દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલનો સમાવેશ કરાયો છે.

બીજી તરફ ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનપ્રધાન મૂળુભાઈ બેરાનું પ્રધાનપદ પણ હવે રહ્યું નથી જેની પાછળ વિવિધ કારણ ચર્ચાઈ રહ્યાં છે.  જામનગરનાં રિવાબા રવીન્દ્ર જાડેજા સહિત 12 ધારાસભ્યો એવા છે જેમની પ્રથમ ટર્મ છે અને તેમને પ્રધાનપદું મળ્યું છે. ભાજપના સમર્થકો અને કાર્યકર્તાઓ એકવાતે રાજી છે કે હાર્દિક પટેલને પ્રધાનમંડળમાં સમાવાયા નથી. બચુ ખાવડના પુત્રો ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો ત્યારે જ તેમને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવાની જરૂર હતી. જોકે, મોડે મોડે ભાજપે તેમને પ્રધાનમંડળથી અળગા કરી ભૂલ સુધારી લીધી છે. જાતિ સંતુલન ઉપરાંત વિવિધ પ્રાંતોને પ્રાધાન્ય આપવા સાથે વયની દૃષ્ટિએ પણ આ પ્રધાનમંડળ વધુ ‘યુવાન’ છે. ચાળીસ વર્ષના હર્ષ સંઘવી સૌથી નાની વયે રાજ્યના ઉપ-મુખ્ય પ્રધાન બન્યા છે, રાજ્યના નવી પેઢીના નેતૃત્વને પ્રાધાન્ય આપવાનો વ્યૂહ પણ દેખાય છે. આ પૂર્વેના ગુજરાતના પ્રધાનમંડળની સરેરાશ વય 60 વર્ષ હતી, જે આ વખતે પંચાવન વર્ષ થઈ છે. પાંત્રીસ વર્ષનાં રિવાબા જાડેજા સૌથી નાની વયનાં છે, તો કનુભાઈ દેસાઈ 74 વર્ષે સૌથી મોટી ઉંમરના પ્રધાન છે. આ ઉપરાંત ચાળીસથી ઓછી વયના કૌશિક વેકરિયા તથા પ્રવીણ માળી પણ છે.

નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે. બે વર્ષ પછી વિધાનસભાની પણ ચૂંટણી છે. શાસનવિરોધી મતની માનસિકતા અને સ્થિતિ ઊભી થાય તે પૂર્વે ભાજપે નવી જ ટીમ ગુજરાતમાં મૂકી દીધી છે. ભાજપના શીર્ષ નેતૃત્વે પ્રધાનમંડળની રચનામાં તમામ રીતે સંતુલન જાળવવાની કોશિશ કરી છે. હવે અગત્યનું તો એ છે કે અગાઉના પ્રધાનમંડળ સમયની જે ક્ષતિઓ રહી હોય તેનું પુનરાવર્તન ન થાય. લોકોમાં રસ્તા, હાઈ-વેથી લઈને અન્ય જે જે ફરિયાદો કે અસંતોષ હોય તે શક્ય તેટલો જલદી શમે તો આ પરિવર્તન સાર્થક થશે. આ બદલાવની ટીકા કે તેના ઉપર વિશ્લેષણ એવાં પણ થઈ રહ્યાં છે કે 156 બેઠકો સાથે પ્રજાએ જે લોકો ઉપર વિશ્વાસ મૂક્યો હતો, જેને પાર્ટીએ જ પસંદ કર્યા હતા તે પ્રધાનોમાં આવું પરિવર્તન શા માટે જરૂરી બન્યું? પરંતુ આ તો કોઈપણ સરકાર કે પક્ષનો સંવૈધાનિક અધિકાર છે. બધાને પરફૉર્મ કરવાની તક મળે તેવો પણ એક આશય આની પાછળ હોઈ શકે. હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પ્રધાનમંડળ પરિવર્તનને સાર્થક સાબિત કરે તેવી શુભેચ્છા.

ઇ-પેપરના નવા શુલ્ક