• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ખેડૂતોના આકાશમાં આશાનો ઉઘાડ

ચોમાસા પછી પણ ચાલુ રહેલા વરસાદને લીધે વધેલી ખેડૂતોની મુશ્કેલીમાં રાહત થવાના સંકેત સ્પષ્ટ થયા છે. ખેડૂતોને તો જોકે આજે રાહત પૅકેજની જાહેરાત થવાની આશા હતી, પરંતુ ટેકાના ભાવે જણસની ખરીદી કરવાની જાહેરાત પણ આંખના ભીના ખૂણા લૂંછનારી બની રહી છે. નવમી નવેમ્બરથી સરકાર પોષણક્ષમ ભાવથી વિવિધ વસ્તુની ખરીદી શરૂ કરશે તેવી સત્તાવાર જાહેરાત થઈ છે. ખેતીને થયેલા નુકસાનનો અહેવાલ ત્વરિત આપવાના મુખ્ય પ્રધાનના આદેશને પગલે કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આજે આ જાહેરાત થઈ છે. બિનમૌસમ બારીશને લીધે ખેતીને નુકસાન પણ ઘણું થયું છે. હવે આ જાહેરાતથી ખેડૂતોને આશા બંધાઈ છે.

નવરાત્રિ દરમિયાન અને તે પછી પણ ચાલુ રહેલા, છેલ્લા સપ્તાહે તો અષાઢની જેમ વરસેલા વરસાદે સૌરાષ્ટ્રના કૃષિક્ષેત્રને પારાવાર નુકસાન કર્યું છે. કપાસ-મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે ક્ષતિ થઈ હતી. દિવાળીનું પર્વ પૂર્ણ થયું કે તરત સૌરાષ્ટ્રનાં ગામેગામથી આવેલા આ પ્રકારના અહેવાલથી પર્વની ઉજવણીનો ઉત્સાહ ઓસરી ગયો. ખેડૂતોના પરિશ્રમ અને પૈસા ઉપર જાણે પાણી ફરી વળ્યું. નુકસાનનો સર્વે થાય અને તાત્કાલિક સહાયનું ચુકવણું થાય તેવી માગ થવા લાગી. ખેડૂતો રીતસર હતાશામાં ધકેલાઈને નબળા વિચાર કરવા લાગે તે સ્થિતિ ઊભી થઈ હતી. સત્તાવાર અહેવાલ અનુસાર રાજ્યનાં 16,000 ગામમાં 42 લાખ હેક્ટરમાં 50 ટકા વાવેતરને નુકસાન થયું છે. ધારણા છે કે ઘણું મોટું રાહત પૅકેજ જાહેર થશે.

9મી નવેમ્બર, રવિવારથી રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પોષણક્ષમ ભાવથી કરવાની શરૂઆત કરશે. ખેડૂતોના શ્વાસ હેઠા બેસે તેવી જાહેરાત રાજ્ય સરકાર વતી કૃષિપ્રધાને કરી છે. સરકાર 15,000 કરોડ રૂપિયાની ખરીદી ખેડૂતો પાસેથી કરશે. 300થી વધારે ખરીદ કેન્દ્રો ઉપર આ પ્રક્રિયા થશે. ગયા વર્ષની સરખામણીમાં પ્રતિક્વિન્ટલ મગફળીનો ભાવ રૂા. 480, અડદનો ભાવ રૂા. 400 અને સોયાબીનના રૂા. 456 વધારે ચૂકવાશે. રાજ્યમાં જે નુકસાન થયું છે તે જોતાં રાહત પૅકેજ ઘણું મોટું આવશે. અત્યારે તો ફાટેલા આભમાં આ થીગડું છે. ખેડૂતોનાં હિતમાં કૉંગ્રેસ એક યાત્રા શરૂ કરી રહી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધીને વિવિધ માગણી પણ કરી છે. 

જોકે, આ બધું થાય તે પહેલાં જ રાજ્યના પ્રધાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા હતા. રાહત પૅકેજ માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. હવે પૅકેજ જાહેર થાય તેની પ્રતીક્ષા છે.