• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

બેફામ આક્ષેપબાજી બદલ રાહુલ ગાંધીને સજા થશે?

રાહુલ ગાંધીની બેફામ આક્ષેપબાજી અને મોદી સરકારે `ભારતમાતાને વેચી દીધા' જેવી વાહિયાત દલીલ સાંભળ્યા પછી હવે ભાજપ-એનડીએના સભ્યો ઊકળી ઊઠયા છે, આક્રમક બન્યા છે. રાહુલ ગાંધીને યોગ્ય જવાબ આપવાની માગણી જોર પકડી રહી છે. વડા પ્રધાન મોદી તો રાહુલ ગાંધીને જવાબ આપશે પણ તેની કોઈ અસર થવાની આશા નથી. આ સંજોગોમાં ભાજપના સિનિયર સભ્ય નિશીકાંત દુબેએ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા ઉપરાંત ચૂંટણી લડવા ઉપર આજન્મ પ્રતિબંધ મૂકવાની માગણી કરતો પ્રસ્તાવ મૂક્યો છે.

ભાજપ સિવાયના સભ્યો પણ સ્વીકારે છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતાપદને શરમાવી રહ્યા છે અને એમની સંસદીય કારકિર્દીમાં કોઈ સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે. વિપક્ષી નેતાપદની જવાબદારી અને મર્યાદાનું એમને ભાન નથી. જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકના આધારે રાહુલ ગાંધીએ લોકસભાની કાર્યવાહી રોકવા માટે ધાંધલ-ધમાલ મચાવી હતી અને બોલવા માટે મંજૂરી મળી ત્યારે એમણે `બાર વર્ષે બાવો - કે બાબો' બોલ્યો હોય એવી છાપ પાડી છે. અમેરિકા સાથેની વ્યાપાર સમજૂતીની ટીકા કરતી વખતે એમણે હાથના ઇશારા કરીને બતાવવાની કોશિશ કરી કે મોદી `નાગચૂડ'માં ફસાયા છે! મોદીએ ભારતના કિસાનોનાં હિતના ભોગે સોદાબાજી કરી છે. ભારતમાતાને વેચી નાખવાનો બાલીશ આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધી કિસાનોનાં હિત જોખમાયાની વાત કરી રહ્યા હતા ત્યારે અમેરિકાએ વ્યાપાર સમજૂતીમાં સુધારો જાહેર કર્યો. અમેરિકાથી કઠોળની આયાત કરવાનો હવે પ્રશ્ન નથી. અલબત્ત આ વર્ષે ભારતમાં કઠોળનું મબલક ઉત્પાદન થયું છે તેની જાણ વિપક્ષી નેતાને ક્યાંથી હોય?

બુધવારે રાહુલની આક્ષેપબાજીનો આક્રમક જવાબ આપવા ભાજપે ત્રણ સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન, વ્યાપાર પ્રધાન પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના કિરણ રિજીજૂ અને પૂર્વ પ્રધાન અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા. અનુરાગ ઠાકુરે તો સ્પષ્ટ કહ્યું કે વારંવાર ચૂંટણી હારનાર રાહુલ ગાંધીમાં હાડોહાડ તિરસ્કાર ભર્યો છે. સંસદીય નિયમો, સ્પીકર, સંવિધાન પછી હવે રાહુલે ભારત ઉપર પણ તિરસ્કાર વરસાવ્યો છે. સિનિયર પ્રધાન હરદીપ સિંઘ ઉપર આક્ષેપ કર્યા તેનો સણસણતો જવાબ હરદીપ સિંઘે આપ્યો છે અને રાહુલ ગાંધીની મૂર્ખાઈ બતાવી છે.

રાહુલ સામે અણગમો અને વિરોધનું મહત્ત્વનું કારણ જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકની માહિતી ટાંકવાનો દુરાગ્રહ છે. આ `પુસ્તક' એમના હાથમાં કેવી રીતે આવ્યું તેની તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવશે. વિદેશી કાવતરાંમાં કોનો હાથ છે? કેટલાક સભ્યોએ `દેશદ્રોહ' શબ્દ વાપરીને રાહુલ ગાંધી ઉપર વિશેષાધિકાર ભંગની કાર્યવાહીની માગ કરી છે પણ નિશીકાંત દુબે કહે છે કે એમને સભ્યપદેથી બરતરફ કર્યા સિવાય છૂટકો નથી. ઉપરાંત ચૂંટણી લડવા ઉપર આજન્મ પ્રતિબંધ મૂકવો જોઇએ. એમનો પ્રસ્તાવ માત્ર દબાણ લાવવા માટે નથી પણ સંસદીય લોકશાહી બચાવવા માટે છે.

પ્રિયંકા વડરા ગાંધીએ `ભાઈસાબ'નો બચાવ કર્યો છે કે આવા ઠરાવની અમને કોઈ પરવા નથી. ગમે તેમ પણ હવે રાહુલ ગાંધીને બેજવાબદારીની સજા આપવાનો સમય પાકી ગયો છે એવી તીવ્ર લાગણી પ્રવર્તે છે.