• મંગળવાર, 17 માર્ચ, 2026

પાકિસ્તાન બરાબર ઘેરાયું છે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને બની બેઠેલા ફિલ્ડ માર્શલ આસિફ મુનીર અનેક મોરચે બરાબરના ઘેરાયા છે. અફઘાનિસ્તાન પર હુમલા પછી વળતો જવાબ નક્કર મળ્યો છે. આ ઓછું હોય તેમ આર્થિક કટોકટી એવી ઘેરી થઈ છે કે ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવાનું જબરું દબાણ સરકાર પર છે. હાલમાં જ શાહબાઝ સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં પાંચથી ત્રીસ ટકા સુધીની કપાત જાહેર કરી છે. વળી, ઈંધણ ખર્ચ પર અંકુશ લાવવા માટે 60 ટકા જેટલાં સરકારી વાહનોનો ઉપયોગ ઘટાડાયો છે. બીજી તરફ, રાજદ્વારી મોરચે પણ પાકિસ્તાન માટે સાણસામાં સપડાયા જેવું થયું છે. ઇઝરાયલ-અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ ભુરાટા થયેલા ઇઝરાયલે સાઉદી અરેબિયા સહિતના ગલ્ફના દેશો પર હુમલા શરૂ કર્યા છે. 2025ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાન અને સાઉદીએ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ ઍગ્રીમેન્ટ (એસએમડીએ) કર્યો હતો જેનો સૂર એવો હતો કે બે દેશમાંથી એક પર હુમલો બંને પર હુમલા બરાબર ગણાશે. પહેલગામ હુમલા પછી ભારતે કરેલા અૉપરેશન સિંદૂર પછી થયેલા આ કરારને લઈને પાકિસ્તાનના શાસકો બહુ પોરસાતા હતા. વર્તમાન પરિસ્થિતિમાં સાઉદી પર ઈરાનના હુમલા સતત વધી રહ્યા છે અને આવામાં, પાકિસ્તાનને તેની પડખે રહેવું પડે, એવું આ કરાર કહે છે. જોકે, ઈરાન ઇસ્લામિક રાષ્ટ્ર છે અને આરબ દેશની મદદે આવવા પાકિસ્તાને ઇસ્લામિક રાષ્ટ્ર સામે થાય તો ઘરઆંગણે અસંતોષ વધી શકે છે. શાહબાઝ સતત રટણ કરે છે કે પાકિસ્તાન સાઉદી સલ્તનતની પડખે છે, તો આર્મીના વડા આસિફ મુનીરે ગયા અઠવાડિયે સાઉદીના સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાન સાથે મુલાકાતો કરી હતી. આવામાં, પાકિસ્તાન સેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અફઘાન તાલિબાન સાથે કનેક્શન ધરાવતાં તત્ત્વો સામે અૉપરેશન ગઝબ લિલ હક હાથ ધર્યું છે, આથી સાઉદી-ઈરાન કટોકટીમાં સંકળાઈ ન શકવા માટે તેની પાસે એક સબળ કારણ છે.  

પાકિસ્તાને આઇએમએફ પાસેથી સાત બિલિયન ડૉલરની આર્થિક સહાય મેળવી હતી, પણ તેના માટે કઠોર શરતો રાખવામાં આવી હતી, જેમાં કરવસૂલી વધારવા સાથે ઊર્જા ક્ષેત્રમાં સુધારા, સબસિડીઓમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કપાત જેવી શરતો હતી. આથી, પાકિસ્તાનને વિવિધ ખર્ચમાં ઘટાડાની સાથે પગારકપાત કરવાની ફરજ પડી છે. કાયમી ધોરણે નાદારીના ઉંબરે ઊભેલા પાકિસ્તાનમાં અત્યારે તમામ મોટાં શહેરોમાં છથી બાર કલાક લૉડ શાડિંગને કારણે વીજળી ગાયબ રહે છે. ઉનાળામાં આ હાલતને કારણે નાગરિકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને પાકિસ્તાન ફરી વાર લાલટેન યુગના આરે ઊભું છે. આવામાં, યુદ્ધમાં જોતરાવું પડ્યું તો પાકિસ્તાન માટે લેને ગઈ પૂત ઔર ખો આઇ ખસમ જેવો ઘાટ થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ