• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

શ્રમિકોનું હિંસક આંદોલન

ઈરાન-અમેરિકા યુદ્ધના ઓછાયામાં દુનિયાભરના દેશો સામે મંદીનો ભય ઝળૂંબી રહ્યો છે. હોર્મુઝ ખાડી વિખવાદનું કેન્દ્ર બની રહેતાં એક તરફ પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ જળમાર્ગે થતી આયાત-નિકાસે પ્રભાવિત થતાં વેપાર-કારોબારને પ્રતિકૂળ અસર દેખાવા લાગી છે. નિરાશા અને ઉચાટનો માહોલ નકારાત્મક અસર ઊભી કરે છે, કેમ કે આમઆદમીનું જીવનધોરણ મુશ્કેલીમાં મુકાયું છે. આવક ઘટતી ચાલી છે અને મોંઘવારી બેકાબૂ બની છે. ચીજવસ્તુઓની કિંમતો વધી છે. પુરવઠો પૂરતો હોવાના સરકારના દાવા વચ્ચે લોકોને ગૅસ સિલિન્ડર મેળવવામાં દોડધામ કરવી પડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ મૃતપ્રાય હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને દુનિયા આખીના ધણી સમજીને નિર્ણયો થોપી રહ્યા છે.

મોંઘવારી અને ચીજવસ્તુઓની તંગી વચ્ચે રોજબરોજનું કમાઈ ખાનારા પરિવારોની ચિંતાએ શ્રમિકોને બેચેન બનાવ્યા છે. લોકોનો આક્રોશ હવે રસ્તા પર આવી જવા લાગ્યો છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે ફૅક્ટરીના શ્રમિકોએ વેતનવૃદ્ધિની માગ સાથે હિંસક આંદોલન કર્યું. તેનો ચેપ છેક હરિયાણા સુધી ફેલાયો છે. શ્રમિકો ગુસ્સામાં સંપત્તિને નુકસાન પહોંચાડે, તોડફોડ કરે એ અસ્વીકાર્ય છે. સંબંધિતો સાથે વાતચીત-ચર્ચાથી જ સમાધાન નીકળવું જોઈએ. હિંસક સંઘર્ષ આપણી કાયદો-વ્યવસ્થાની સ્થિતિની નિષ્ફળતા છતી કરે છે.

શ્રમિકોનો રોષ-વિરોધ શાંત કરવાને પ્રાથમિકતા મળવી જોઈએ. નોઈડા ઔદ્યોગિક શહેર છે અને અહીંના શ્રમિકો હરિયાણામાં અપાતાં ધોરણે પગારવધારો માગી રહ્યા છે. હરિયાણા સરકારે ગઈ 10મી તારીખે જાહેરનામું પ્રસિદ્ધ કરી ઔદ્યોગિક કામદારોના ન્યૂનતમ વેતનમાં 35 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેતાં કર્મચારીઓને ખાસ્સો ફાયદો થયો છે. નવા ધોરણ પ્રમાણે અકુશળ કામદારોને મહિને 11,274થી વધીને રૂા. 15,220નું વેતન મળશે. કુશળ કર્મચારીઓ રૂા. 13 હજાર મહિનાને બદલે રૂા. 18 હજાર મેળવશે અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને રૂા. 14 હજારને બદલે રૂા. 19 હજાર જેટલું વેતન મેળવશે. નોઈડામાં ફૅક્ટરીઓના દર આનાથી ઓછા છે.

કામદારોનો ઉગ્ર મિજાજ જોતાં ઉત્તર પ્રદેશ સરકારે કામદારો માટેના લઘુતમ વેતનમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. એટલું જ નહીં, કર્મચારીઓની માગણી મુજબ ડબલ ઓવરટાઇમ અને બોનસની ખાતરી પણ આપી છે. આમ છતાં આંદોલન શમ્યું નથી. 

ઉત્તર પ્રદેશ સરકારે કામદારોની માગ સ્વીકારી લીધા પછી આંદોલન સમેટી લેવાવું જોઈએ. ટોળાશાહીમાં પરિસ્થિતિ વણસતી હોય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક