બિહારમાં મોદી-નીતિશ મોડેલ લાગુ કરવાના એલાન સાથે સમ્રાટ ચૌધરીએ સત્તાની બાગડોર સંભાળી લીધી છે. લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને જ્યાં વર્ચસ્વ ભોગવ્યું છે એ રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રધાન બને એ ઐતિહાસિક ઘટના છે.
ગઈ લોકસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડે (જેડીયુ) શાનદાર
દેખાવ કરીને કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં એનડીએની મજબૂત સરકારની સ્થાપના કરી, એ સમયે
ધારણા એવી રખાતી હતી કે, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની સત્તામાં ભાગીદારી હોવાથી
મોદી સરકાર માટે પોતાના એજન્ડા પ્રમાણે કામ કરવું આસાન નહીં રહે, એ ધારણાથી વિરુદ્ધ
અત્યાર સુધીની કહાણી રહી છે. એકાએક રાજ્યસભામાં ચૂંટાઈને નીતિશ કુમારે રાષ્ટ્રીય રાજનીતિમાં
પુનરાગમનનું એલાન કર્યું ત્યારથી બિહારમાં ભાજપને સત્તાનો યોગ નિશ્ચિત થઈ ગયો હતો.
બિહારમાં 21 વર્ષ નિરંતર નીતિશ કુમારનો દોર ચાલ્યો.
ચારા કૌભાંડ સહિત કેટલાંય કૌભાંડોમાં સંડોવણીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા લાલુપ્રસાદ
યાદવ એક કોરાણે મુકાયા પછી નીતિશ જ બિહારના સર્વમાન્ય નેતા રહ્યા છે. સમ્રાટ ચૌધરી
અતિ પછાતવર્ગ એવા કુશવાહામાંથી આવે છે. આમ તો તેઓ લાંબા અરસાથી રાજ્યની રાજનીતિમાં
ધારાસભ્ય, મંત્રીપદ અને નાયબ મુખ્ય પ્રધાનપદ ધારણ કરીને જાણીતું નામ બની રહ્યા હતા.
સમ્રાટ ચૌધરીએ નવા પ્રધાનમંડળની રચના કરી છે અને વિધિવત્
કામકાજ સંભાળી લીધું છે. બિહારની રાજનીતિમાં આ નિર્ણાયક સમય માનવામાં આવે છે. 2025ની
વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ પ્ર્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી. 243 કુલ સીટમાંથી
ભાજપે સૌથી વધુ 89, જેડીયુએ 85 અને એલજીપીએ 19 બેઠક મેળવી હતી. આમ એનડીએની કુલ 202
બેઠક સામે રાજદ (25), કૉંગ્રેસ (6), ડાબેરી (4) યુતિ માત્ર 35માં સંકોચાઈ ગઈ હતી.
જેડીયુ-ભાજપની યુતિએ બિહારની જનતાનો ભરોસો જીત્યો છે.
નીતિશના દિલ્હીગમન પછી યુતિની આ મજબૂતાઈ-લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એ જોવાની જવાબદારી
સમ્રાટ ચૌધરી સરકારની રહેશે. નીતિશ કુમારે છેલ્લા બે દાયકાના શાસનમાં બિહારને જંગલરાજ
મુક્ત કર્યું અને આગળ વધાર્યું. નીતિશ સરકારના કામકાજની તુલના લાલુપ્રસાદના જંગલરાજ
સાથે થતી એટલે પરિણામ ઘણું સારું દેખાતું. આજનું બિહાર વિકસિત બની રહ્યું છે, પ્રગતિશીલ
રાજ્ય છે એટલે બિહારને નીતિશ કુમાર કરતાંય વધુ આગળ લઈ જવાનો પડકાર રહેશે. સમ્રાટ સરકારના
દેખાવની તુલના નીતિશના સુશાસન સાથે થશે.
બિહારમાં અત્યાર સુધી ભાજપ સહયોગીની ભૂમિકામાં હતો,
હવે નેતૃત્વ સંભાળવાનું હોવાથી તેમાં મોટી પરીક્ષા થશે. નીતિશ કુમારનું રાજપાટ સંભાળ્યા
પછી યુતિની અપેક્ષાઓ અને જનતાની આકાંક્ષાઓનું પણ જતન કરવું પડશે. સમ્રાટ ચૌધરી સમક્ષ
સૌથી મોટી પરીક્ષા વહીવટી ગતિશીલતા અને ઇનોવેશન વચ્ચે સંતુલન જાળવવાની પણ રહેશે. બિહાર
જેવા રાજ્યમાં હજુ માળખાકીય સુવિધાઓ, રોજગાર અને શિક્ષણ મોરચે ઘણું કામ કરવાનું બાકી
છે. માત્ર વચનો અને જાહેરાતોથી કામ નહીં થાય, નક્કર પરિણામ દેખાડવું પડશે.