વિશ્વનાં બાર જ્યોતિર્લિંગમાં જેનું પ્રથમ સ્થાન છે તે સોમનાથ મહાદેવના આંગણે અવસર છે. પુરાણ અને ઇતિહાસમાં જેનું સ્થાન જ નહીં, અનોખું માહાત્મ્ય છે તે સોમનાથના વર્તમાન મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠાનાં 75 વર્ષ પૂર્ણ થયાં છે. દેશની સ્વતંત્રતા પછીનો આમ આ પોણો સૈકો છે. હીરકજયંતી છે પરંતુ આ સોમનાથની ગાથા અને ગરિમા તો સદીઓ પુરાણા છે. પ્રભાસ તીર્થ, પ્રભાસ પાટણ તરીકે જાણીતી સોમનાથની ધરોહર ફક્ત દેવાલય નથી, કોઈ તીર્થસ્થાન જ નથી ભારતની ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિક વિરાસતનું એ ઉન્નત અને અવિચળ પ્રતીક છે. આ પુન:નિર્માણનું 75મું વર્ષ રાષ્ટ્રની સૈકાઓથી ચાલતી આવતી પાવન પરંપરાનું આચમન, અર્ક છે.
જાન્યુઆરી
2026માં સોમનાથ સ્વાભિમાન પર્વ ઊજવાયું, હવે વિરાસતનાં 75 વર્ષ ઊજવાઈ રહ્યાં છે. ધાર્મિક-આધ્યાત્મિક
પર્વ દિવ્ય હોય, અહીં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે એટલે આ સમારોહ ભવ્ય
પણ થવાનો છે. સ્વાભિમાન પર્વ કે અન્ય કોઈપણ કાર્યક્રમ વખતે વિવિધ પૈકીનો એક દૃષ્ટિકોણ
માધ્યમો અને નિષ્ણાતોનો રાજકીય હોય છે. નરેન્દ્રભાઈનું રાજનૈતિક જીવન પાંચ દાયકાનું
છે તેથી તેમની ઉપસ્થિતિ કે આગમન સમયે રાજકીય ચર્ચા થાય તે સમજી શકાય પરંતુ પ્રજા- સૌરાષ્ટ્રની
અને રાષ્ટ્રની, આને માત્ર રાજકીય ઘટના તરીકે જોવે તે શક્ય નથી. કારણ કે સોમનાથની સાથે
જન ગણની આસ્થા, શ્રદ્ધા જોડાયેલાં છે. સદીઓથી આ શિખરને અને ત્યાં ફરકતી ધજાને શીશ નમતાં
આવ્યાં છે.
બીજી અગત્યની
વાત એ છે કે આ 75 વર્ષની ઉજવણી જે થઈ રહી છે તેના પાયામાં ભારતના પવિત્ર રાજનેતાઓની
નિસબત અને નિષ્ઠા પડેલા છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આજે નરેન્દ્રભાઈ છે, એક
સમયે કેશુભાઈ પટેલ હતા. અધ્યક્ષ નહોતા તે દિવસે પણ નરેન્દ્ર મોદી અનેકવાર સોમનાથ આવ્યા
છે. લાલકૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા `માય કન્ટ્રી માય લાઈફ'માં સોમનાથ માટે 80 પાનાં
ફાળવ્યાં છે. અયોધ્યાના રામમંદિર નિર્માણમાં સોમનાથથી શરૂ થયેલી યાત્રાઓ મોટું નિમિત્ત
છે. દેશના સર્વોચ્ચ રાજનેતાઓનો સંબંધ સોમનાથ સાથે રહ્યો છે. સમયાંતરે તેના પરિપ્રેક્ષ્ય
બદલાય તે તો સહજ છે. મહત્ત્વનું એ છે કે આ 75 વર્ષની ઉજવણી થઈ રહી છે જેને લીધે નવી
પેઢીને પણ આ વિરાસતની, ઇતિહાસની જાણ થશે.
સોમનાથ શું છે
અને શું હતું તે જાણવા માટે સોશિયલ મીડિયા બહુ કામ નહીં આવે અને એ.આઇ. પણ અધિકૃત માહિતી
પૂરી પાડે કે નહીં તેમાં શંકા છે. શંભુપ્રસાદ દેસાઈનું પુસ્તક `પ્રભાસ અને સોમનાથ',
કનૈયાલાલ માણેલાલ મુનશીના આ સંદર્ભના લેખો
- સંશોધન, નરોત્તમ પલાણના અભ્યાસ લેખ સહિતની પુષ્કળ સામગ્રી છે. સરદાર વલ્લભભાઈ પટેલના
જીવનચરિત્રોમાં પણ સોમનાથ પુન:નિર્માણનો ઉલ્લેખ મળી જ આવે. આ બધું વાંચનારને ખ્યાલ આવે કે આ ફક્ત સ્થાપત્ય નથી, સદીઓથી ચાલી
આવતી સાંસ્કૃતિક સરિતા છે. હીજરી સંવત 416ના શાબાનની 22મી તારીખ એટલે કે 1025ના અૉક્ટોબર
માસની 18મી તારીખે સોમનાથ ઉપર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું. સૈન્યે મંદિરનો ધ્વંશ
કરીને ખજાનો લૂંટયો.
ઈ.સ. 1300માં
અલ્લાઉદ્દીન ખિલજીએ વિનાશ વેર્યો. સોમનાથ-પ્રભાસમાં વસતા સેંકડો બ્રાહ્મણો સ્થળાંતર
કરીને દક્ષિણમાં તામિલનાડુમાં સ્થાયી થયા તે કથા પણ કડીબદ્ધ રીતે મળે છે. સોમનાથ પર
પ્રહાર થવાથી ધન-સુવર્ણ તો લૂંટાયું પરંતુ પ્રજાના આત્મગૌરવ ઉપર પણ પ્રહાર થયો. સોમનાથ
સંદર્ભે થયેલી લડાઈઓ કોઈ બે કોમ વચ્ચેના હુલ્લડ નહોતા. પરદેશી આક્રાંતાઓની ચડાઈ અને
આપણી શૂરવીરતા વચ્ચેની લડાઈ હતી. સકારાત્મક સનાતન અને નકારાત્મક વિચારધારા વચ્ચેનું
એ યુદ્ધ હતું. દાયકાઓના વહાણા વાઈ ગયા એ ઘટનાઓને. રાષ્ટ્ર 1947માં સ્વતંત્ર થયું, કાશ્મીર,
હૈદરાબાદ અને જૂનાગઢના વિલીનીકરણની સમસ્યા ઊભી થઈ. આરઝી હકૂમતની રચના થઈ અને સરદાર
સાહેબ જૂનાગઢ ગયા, નવેમ્બર, 1947ની 9મી તારીખે જૂનાગઢ સ્વતંત્ર થયું પછી સરદાર સાહેબ
સોમનાથ ગયા. ત્યાં તેમણે સોમનાથના ભગ્નાવશેષો જોયા. 13મી નવેમ્બર, 1947ના દિવસે તેમણે
સોમનાથના સાગર કિનારે સંકલ્પ કર્યો કે આ મંદિરનું પુન:નિર્માણ થવું જોઈએ.
જામનગરના રાજવી
જામસાહેબે રૂા. 1 લાખ, શામળદાસ ગાંધીએ રૂા. 51 હજારની રાશિ અર્પણ કરવાની જાહેરાત કરી.
ક.મા. મુનશી પણ પ્રારંભથી તેમાં જોડાયા. સરદાર સાહેબે ગાંધીજી સાથે પરામર્શ કર્યો,
તેમણે કહ્યું સોમનાથનું પુન:નિર્માણ થવું જોઈએ, પરંતુ સરકારી તિજોરીમાંથી નહીં, પ્રજાના
પૈસે. 1948માં મહાશિવરાત્રિના દિવસે ભારતના પ્રથમ ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે સોમનાથ
મંદિરના પુન:નિર્માણ માટે જાહેર અપીલ કરી હતી. પુન:નિર્માણનો આ ઘટનાક્રમ રસપ્રદ છે.
એન. વી. ગાડગિલ, નાનજી કાળીદાસ મહેતા સહિતના મહાનુભાવો કોઈને કોઈ રીતે તેમાં સંકળાયેલા
હતા. સરદાર સાહેબની તો 1950ના ડિસેમ્બરમાં
વિદાય થઈ ગઈ પરંતુ આ કામ તો પછી ચાલતું રહ્યું. 13 મે, 1965ના દિવસે 21 તોપોની સલામતી
સાથે 155 ફૂટ ઊંચા શિખર ઉપર ધજા ફરકાવવામાં આવી. પ્રાગૈતિહાસિક કાળથી પ્રભાસક્ષેત્ર
પ્રસિદ્ધ છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં તેનું માહાત્મ્ય વર્ણવાયું છે. વામનપુરાણમાં
પણ તેનો ઉલ્લેખ છે. ગુજરાતના મહાન સર્જકો ક. મા. મુનશી, ધૂમકેતુ, રઘુવીર ચૌધરીએ સોમનાથનો
શબ્દમહિમા કર્યો છે. વીર હમીરજી ગોહિલની શહીદી સોમનાથની સાથે વણાયેલી છે અને પાટણ,
ભીમદેવ, ચૌલા જેવાં અમરપાત્રો પણ છે એટલે જ સોમનાથ ધર્મસ્થાન જ નથી, અરબી સમુદ્રના
કિનારે ઊભેલું પુરાતન છતાં જીવંત સ્મારક છે, શિલ્પમાં, સ્થાપત્યમાં ધબકતી સંસ્કૃતિ
છે.પરદેશી આક્રમણખોરોએ તેને નષ્ટ કરવા પ્રયાસ કર્યા. ગઝની સોમનાથનું દ્રવ્ય લઈ ગયો,
તેની દિવ્યતા તો અક્ષુણ્ણ છે. આ સ્વાભિમાન પર્વ કે વિરાસતની પોણી સદીની ઉજવણી તે દિવ્યતાને
દીપાવીને આગળ વધારવાનો અવસર છે. સોમનાથની આસપાસ કોઈ ઉત્સવ ન થાય, કોઈ ઉજવણી ન થાય તોય
સોમનાથ સ્વયં એક ઉત્સવ છે. સોમનાથ પોતે એક વાતાવરણ છે. આ 75 વર્ષની ઉજવણી એ સૌરાષ્ટ્રનો
અને રાષ્ટ્રનો અવસર છે. આ મહાદેવનાં ચરણોમાં અર્પણ છે અને સંખ્યાબંધ શહીદો, સૈનિકો,
શબ્દસેવીઓ, સરદાર સાહેબ સહિતના દેશના નેતાઓનું એક પ્રકારે તર્પણ છે