• મંગળવાર, 06 જૂન, 2023

છેલ્લી ઘડીની લેવાલીથી ઘટાડો સરભર  

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : આજે ગુરુવારે મે સિરીઝના માસિક એફઍન્ડઓની એક્સ્પાયરી હોવાને કારણે બજાર તેજી અને મંદીનાં વલણમાં ઝૂલતું હતું. આજે બીએસઈ સેન્સેક્ષ 61,484.60 અને 61,934 પૉઈન્ટસની વચ્ચે ઝૂલીને છેલ્લે 98.84 (0.16 ટકા) પૉઈન્ટસ વધીને 61,872.62 પૉઈન્ટસ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 18,202.40 અને 18,338.10 પૉઈન્ટસ વચ્ચે ઝૂલીને છેલ્લે 35.75 (0.20 ટકા) વધીને 18,321.15 પૉઈન્ટસ પર બંધ રહ્યો હતો.

નિફ્ટી બૅન્ક 43,390.30 અને 43,719.80 પૉઈન્ટસની વચ્ચે ઝૂલીને છેલ્લે 3.55 (0.01 ટકા) પૉઈન્ટસ વધ્યો હતો. ગુરુવારે છેલ્લા કલાકમાં નીકળેલી ખરીદીને કારણે ઈન્ટ્રા-ડેમાં આજના તળિયે રહેલા સૂચકાંકો ઊછળ્યા હતા અને છેલ્લે બજાર સકારાત્મક વલણમાં બંધ રહ્યું હતું.

આજે સેન્સેક્ષમાં મુખ્યત્વે ભારતી ઍરટેલ, આઈટીસી, કોટક મહિન્દ્રા બૅન્ક, એલઍન્ડટી, પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના ભાવ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે વિપ્રો, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બૅન્ક, એચડીએફસી, હિન્દ યુનિલિવર, એસબીઆઈ અને તાતા સ્ટીલના ભાવ સૌથી વધુ ઘટયા હતા. આજે એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઈ અને હૉંગકૉંગના બજારો ઘટયા હતા, જ્યારે ટોકિયોનું બજાર સુધર્યું હતું. બપોરના સમયે યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ હતું. બુધવારે સાંજે અમેરિકાના બજારો એકંદરે ઘટીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારોના નબળા સંકેતોના પગલે આજે ભારતીય બજારો નકારાત્મક ટોનમાં ખૂલ્યા હતા અને જેમ દિવસ આગળ વધતો ગયો તેમ બજારની ઘાસણી વધતી ગઈ. આમ છતાં છેલ્લા અડધા કલાકમાં અૉટો, એફએમસીજી અને રિયાલ્ટીના શૅરમાં ખરીદી નીકળતા બજારનું સેન્ટિમેન્ટ બદલાયું હતું અને મુખ્ય સૂચકાંકો છેલ્લે વધીને બંધ રહ્યા હતા. આજે નિફ્ટીમાં મુખ્યત્વે બજાજ અૉટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ભારતી ઍરટેલ, આઈટીસી અને ડિવિઝ લૅબોરેટરીઝના ભાવ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે વિપ્રો, તાતા મોટર્સ, યુપીએલ, સન ફાર્મા અને એચડીએફસીના શૅરના ભાવ સૌથી વધુ ઘટયા હતા.

મેટલ અને પીએસયુ બૅન્કને છોડીને દરેક ક્ષેત્રના સૂચકાંકો વધ્યા હતા. આજે રિયાલ્ટી ઈન્ડેક્સ એક ટકો અને અૉટો, કૅપિટલ ગુડ્ઝ, એફએમસીજી અને પાવર ઈન્ડેક્સ દરેક 0.5 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકૅપ ઈન્ડેકસ 0.36 ટકા અને સ્મોલકૅપ ઈન્ડેક્સ 0.27 ટકા વધ્યો હતો.

આજે જ્યુબિલન્ટ ફૂડવર્કસ, ક્યુમિન્સ ઇન્ડિયા અને ઈન્ડસ ટાવરના શૅરમાં લોંગ બિલ્ડઅપ હતું, જ્યારે તાતા કેમિકલ્સ, ઇન્ડિયા સિમેન્ટ્સ અને અશોક લેલેન્ડના શૅરમાં શોર્ટ બિલ્ડઅપ હતું. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ ડેલ્ટા કૉર્પોરેશન અને અૉબેરોય રિયાલ્ટીના શૅરમાં 100 ટકા કરતાં વધુ વોલ્યુમ વધ્યું હતું.

આજે બીએસઈ પર 100 કરતાં વધુ કંપનીના શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ પર ઝૂલતા હતા, જેમાં બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બૅન્ક, આઈડીએફસી, સિયેટ, ડેલ્ટા કૉર્પોરેશન, એપોલો ટાયર્સ, ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સ, સ્ટાર સિમેન્ટ અને વંડરલા હોલીડેઝનો સમાવેશ થાય છે. ટેક્નિકલી આજે બજારમાં સવાર પછી વેચાણ આવતા નિફ્ટીએ 20 દિવસની એસએમએ (સિમ્પલ મૂવિંગ એવરેજ)નો સપોર્ટ લીધો અને જોરદાર બાઉન્સબેક કર્યું. આ ઉપરાંત, નિફ્ટીએ ડેઈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલની રચના કરી, જે હાલના લેવલથી વધુ ઉપર જવાના વલણને સપોર્ટ આપે છે.