મેદસ્વિતાની સમસ્યાના નિરાકરણ માટે સરકાર દેશની જનતાને જગાડીને આગળ વધી રહી છે. આ જાગૃતિ ઝુંબેશ તો થોડા સમય પૂર્વે શરૂ થઈ ગઈ છે. મોરચો જંકફૂડ તરફ વળ્યો છે. તળેલા કે ગળ્યા ખાદ્ય પદાર્થ ધૂમ્રપાન કે અન્ય વ્યસન જેટલાં જોખમી છે તેવું જનતાને જણાવવામાં આવશે. કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં આ અભિયાન શરૂ કરશે. જોકે, અહેવાલ હતા કે આ વાનગીઓ પર બીડી-િસગારેટનાં પૅકેટની જેમ ચેતવણી આપવી પડશે. જોકે, હવે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પૅકેટ પર ચેતવણીની વાત અફવા છે, પણ બોર્ડ મૂકવા પડશે.
તાજેતરના અહેવાલ એવું કહે છે કે મેદસ્વિતાના પ્રમાણમાં થઈ
રહેલી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર વિવિધ પગલાં લઈ રહી છે તેમાંનું
આ એક પગલું છે. સિગારેટના પૅકેટ કે તમાકુની પડીકી ઉપર જેમ ચેતવણી લખેલી હોય છે તેમ
હવે સમોસા, જલેબી જેવી નાસ્તાની વસ્તુ વેચનારે પણ ગ્રાહકને એવું જણાવવાનું રહેશે કે
‘તમે આ ખોરાકની સાથે ચરબી અને શર્કરા પણ લઈ રહ્યા છો, જે તમારા આરોગ્ય માટે નુકસાન
નોતરી શકે છે.’ એઈમ્સ (અૉલ ઇન્ડિયા ઈસ્ટિટÎૂટ અૉફ મેડિકલ સાયન્સ) સહિતના સ્વાસ્થ્ય
સંસ્થાન આ ઝુંબેશમાં છે. શાળાઓમાં સુગર બોર્ડ લગાવવાનું શરૂ થયું છે. શક્ય છે ભવિષ્યમાં
હૉટેલ-રેસ્ટોરન્ટમાં પણ ખતરાના આવાં પાટિયાં ઝૂલશે. જનહિત માટે આ પગલું જરાય ખોટું
નથી.
સરકારનો ઉદ્દેશ લોકોને આવા ખોરાકથી થતાં નુકસાન માટે જાગૃત
કરવાનો છે. હૃદયરોગ અને તેનાથી થતાં મૃત્યુ માટે જે કારણો છે તે પૈકી એક કારણ આવો ખોરાક
છે. સ્થૂળતા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર જેવી બીમારી આહારની આદતોને લીધે થાય
છે. 2020થી 2023 દરમિયાન હૃદયરોગના કિસ્સા બન્યા તેમાં 50 ટકાથી કેસમાં દરદીની વય
40 વર્ષથી નીચે હતી. સમોસા, પકોડા કે જલેબી સહિતના ખાદ્ય પદાર્થમાં ટ્રાન્સફેટ હોય,
સુગર હોય. બોલચાલની ભાષા જેને ‘દાઝિયું તેલ’ કહે છે તે એક અને એક જ તેલમાં વારંવાર
તળાતી વસ્તુમાં તળાતા પદાર્થ વધારે જોખમી છે. હવે આ પ્રકારની વસ્તુના વેપારીઓએ ગ્રાહકોને
સ્વાસ્થ્ય માટેના નુકસાન પ્રત્યે જાગૃત કરવાના રહેશે.
સ્થાનિક રેસ્ટોરન્ટ્સ, હૉટેલ માટે આ ફરજિયાત બનાવવાનું અઘરું
નથી. પાનની દુકાને જેમ તમાકુ માટેના બોર્ડ છે તેમ હૉટેલમાં આવા બોર્ડ લગાવી શકાય. નાના
વેપારીઓને આ ઝુંબેશમાં જોડવાના રહેશે. જંકફૂડમાં ફક્ત તળેલી જ વસ્તુઓ નથી, આંતરરાષ્ટ્રીય
સ્તરે વ્યાપ્ત પિત્ઝા, બર્ગર જેવી વસ્તુઓની શૃંખલા ધરાવતી હૉટેલ્સ હવે તો નાનાં નગરોમાં
પણ છે. મેંદાની આ વાનગીઓ પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ત્યાં આવા બોર્ડ લાગશે કે નહીં
તેની સ્પષ્ટતા નથી. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય કે સ્વાસ્થ્ય સંસ્થાનોનો અભિગમ અને
ઈરાદો બન્ને સારા છે.