• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

નફરતને પણ `પક્ષ' હોતો નથી

કૉંગ્રેસના સિનિયર નેતા, દેશના અગ્રીમ પંક્તિના વકીલ કપિલ સિબ્બલની `હેટ સ્પીચ' અંગેની અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કોર્ટને લાગ્યું કે આ યાચિકા ફક્ત ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. કપિલ સિબ્બલનો ઇરાદો એવો છે કે ભાજપના જ નેતા-મુખ્ય પ્રધાને `હેટ સ્પીચ' આપે છે તેવું અવલોકન કોર્ટનું છે. `હેટ સ્પીચ' અલબત્ત, નવો મુદ્દો નથી. શેરીમાં યોજાતી ચૂંટણી સભાથી લઈ વિધાનગૃહ કે સંસદના સદન સુધી આ દૂષણ છે. દેશની જનતા જેમને અનુસરતી હોય, ચૂંટતી હોય તેવા લોકો જ્યારે સંયમ ગુમાવે ત્યારે તેની નોંધ લેવાય જ, પરંતુ આ મુદ્દે બધા પક્ષો સરખા છે. કોણ, ક્યારે શું બોલે તે નક્કી હોતું નથી.

નફરતી ભાષણોને નિયંત્રિત કરતી માર્ગદર્શિકાની જરૂર છે, પરંતુ તે સરળ નથી. પ્રશ્ન તો એ છે કે જે લોકો દેશના એક ચોક્કસ વિસ્તાર, નિશ્ચિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, નેતૃત્વ કરે છે તેમને વળી કોઈ નિયમ કે માર્ગદર્શિકાની જરૂર ખરી ? આ જવાબદાર નેતાઓને પણ એવું કહેવું પડે કે તમારે શું બોલવું, શું ન બોલવું ?

પહેલાં તો એ નક્કી કરવું પડે કે જે વક્તવ્યોની વાત થાય છે તેને `નફરત ફેલાવનારા' કેવી રીતે ગણવા? ઘણીવાર કડવું સત્ય બયાન થાય તેને દ્વેષ ફેલાવનારું કહી દેવાય છે. ક્યારેક આવાં ભડકામણાં ભાષણોને `અતિવ્યક્તિ સ્વતંત્રતા'નું આવરણ પહેરાવવાનો પ્રયાસ થાય છે. જે નેતાઓ આવાં ભાષણ આપે છે તેમાંથી બહુ ઓછા સામે પગલાં લેવાયાં હોવાનાં દૃષ્ટાંત જોવાં મળ્યાં છે. કાં તો તેમનો પક્ષ તરત તેના બચાવમાં આવી જાય છે કે પછી તે એવું કહી દે છે કે આ તો એમનો અંગત અભિપ્રાય છે. તેની સાથે પક્ષને કોઈ નિસબત નથી.

વારંવાર આવા બનાવ બનતા રહે છે. જો આવું નિવેદન જાહેર માધ્યમો પરથી થયું હાય તો લોકલાજે પણ પગલાં લેવાં પડે. નુપૂર શર્માએ ટીવી ડિબેટમાં કરેલાં નિવેદન પછી તેઓ પડદે દેખાતાં બંધ થયાં હતાં. તામિલનાડુના પ્રધાન ઉદય નિધિએ સનાતન ધર્મને ડેન્ગ્યુ-મલેરિયા જેવો કહીને તે ખતમ કરવાની વાત કરી હતી, પરંતુ ત્યાંની રાજ્ય સરકારે તેમની વિરુદ્ધ કોઈ પગલાં ભર્યાં નહોતાં. 

આવાં ઝેરીલાં પ્રવચનો ઉપર નિયંત્રણ વિવિધ પક્ષોએ મૂકવા જોઈએ. કાયદાકીય રીતે પણ મુકાવા જોઈએ. ચૂંટણી સમયે `આચારસંહિતા' નામની એક ઔપચારિકતા હોય છે. ભડકામણાં ભાષણ તો તે સિવાય પણ ચાલુ રહે છે. આ મુદ્દે સિબ્બલે સર્વોચ્ચ અદાલતના દ્વારે જઈને પોકાર તો કર્યો, પરંતુ તેઓએ ભાજપશાસિત રાજ્યોનો જ ઉલ્લેખ કર્યો. સર્વોચ્ચ અદાલતની વાત સાચી છે. આ સમસ્યા તો સર્વગ્રાહી છે, પક્ષીય નથી.