51 ભરોસા સેલ, 58 ફાસ્ટ ટ્રેક કોર્ટ, દામિની પથક તથા હેલ્પલાઈન ઉપરાંત વિશેષ તપાસ સેલ હોવા છતાં સ્ત્રીઓ સામેના ગુનાઓમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા અનુસાર, વર્ષ 2024માં રાજ્યમાં મહિલાઓ સામે આચરાયેલા ગુનાઓની નોંધણીનો આંકડો 47,954 પર પહોંચ્યો હતો, આ માહિતી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. 2025માં મહારાષ્ટ્રમાં બળાત્કારની 8643 ઘટના ઘટી હતી, 2024માં આ સંખ્યા 7940 હતી. તો, બાળકો સામેની ગુનાખોરીમાં પણ 482 કેસનો વધારો થયાની નોંધ છે. મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્ય માટે આ આંકડા ચોંકાવનારા હોવાની સાથે ચિંતાજનક પણ છે. આમ તો દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, પણ શહેરી વિસ્તારોમાં વધતી ગુનાખોરી ગંભીર બાબત છે, ખાસ તો સરકારો મહિલાઓની સલામતી માટે વિવિધ ઉપાય યોજનાના દાવા કરી રહી છે ત્યારે.
નિર્ભયા, અભયા અને અન્ય અનેક ચકચારી કેસીસ પછી ફોજદારી
કાયદાઓને વધુ કડક બનાવાયા હોવા છતાં સ્ત્રીઓ સામેના ગુનાઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી
હોવાથી સ્પષ્ટ થાય છે, કે કડક કાયદાઓથી પણ ઇચ્છિત પરિણામ મળ્યાં નથી. કાયદાના અમલીકરણમાં
કચાશ-ઢીલાશ દૂર કરવા સાથે લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનું કામ સરકારોએ તાદીકે હાથ
ધરવાની જરૂર છે. બળાત્કારના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, 95 ટકાથી વધુ કિસ્સામાં
બળાત્કારી પીડિતાનો પરિચિત કે નિકટજન જ હોય છે. વળી, આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલા
કેસના છે, બહુ મોટી સંખ્યામાં આવી ઘટનાઓ દબાવી દેવાય છે અથવા વિવિધ ભયને કારણે પીડિતા
આગળ આવવાનું ટાળે છે. આ ઉપરાંત ઘરેલુ હિંસાનું પ્રમાણ ભારતીય મહિલાઓ સામેની ગુનાખોરીમાં
સૌથી વધુ છે, આમાંથી પણ દસમાંથી માંડ એકાદ કિસ્સો બહાર આવે છે. એનસીઆરબીના આંકડા અનુસાર,
2024-25માં મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં મહિલાઓ પર અત્યાચાર અને વિનયભંગના કુલ
6807 કિસ્સા નોંધાયા છે. તો અહિલ્યાનગરમાં 2022થી 2025 વચ્ચે નાની બાળાઓ સાથે કુકર્મની
641 ઘટનાઓ સામે આવી છે, તો ચાલુ વર્ષના પહેલા ત્રણ મહિનામાં 41 કિસ્સા નોંધાયા છે.
રાજ્ય સરકારે આ બાબતની નોંધ લેતાં પોલીસ કમિશનર અને
સુપરિન્ટેન્ડેન્ટના વડપણ હેઠળ અલાયદી તપાસ ટીમો બનાવવા સાથે પીડિતાઓ માટે વિશિષ્ટ સેલ
બનાવી છે. મહિલાઓ ચોવીસ કલાક મદદ મેળવી શકે એ માટે હેલ્પલાઈન નંબર 103 અને 1091 તથા
બાળકો માટે 1098 તથા ઈમર્જન્સી સર્વિસ નંબર 112 પર મદદ મેળવી શકે છે. રાજ્યભરમાં
124 સ્પેશિયલ કાઉન્સાલિંગ કેન્દ્રો કાર્યરત છે.