• બુધવાર, 16 જુલાઈ, 2025

ભારત - ચીન દ્વિપક્ષી સંબંધ સકારાત્મક

પાકિસ્તાની આતંકવાદનું સમર્થન અને મદદ આપવા છતાં ચીન સાથેના આપણા સંબંધ સુધરી શકે તે માટે આપણે હાથ લંબાવ્યા છે. હવે ચીન કેવો સહકાર આપે છે તે જોવાનું છે. શાંઘાઈ કૉપરેશન અૉર્ગેનાઇઝેશનની આગામી બેઠકના અધ્યક્ષપદે ચીન છે ત્યારે આતંકવાદને વખોડી કાઢતું સંયુક્ત નિવેદન બહાર પડે છે કે નહીં તે જોવાનું છે. આ સંગઠનની બેઠક મળે તે પહેલાં આપણા વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકરે ચીનની મુલાકાત લઈને ત્યાંના વિદેશપ્રધાનને મળ્યા છે અને છેલ્લા નવ મહિનામાં દ્વિપક્ષી સંબંધમાં થયેલા સુધારા બદલ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે હવે આપણે સરહદ ઉપરની તંગદિલી હળવી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. ‘મતભેદ વિવાદ - ઝઘડા નહીં બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ નહીં બનવી જોઈએ! પાંચ વર્ષ પછી કૈલાસ - માનસરોવર યાત્રાનો માર્ગ ચીને મોકળો કર્યો તે બદલ એમણે ખુશી વ્યક્ત કરી છે. આ સાથે આતંકવાદ અંગે સૌને ચિંતા હોવી જોઈએ અને આતંકવાદ બાબત ‘ઝીરો ટોલરન્સ’ની ઘોષણા સંગઠનની આગામી બેઠકમાં કરવી જોઈએ એમ પણ કહ્યું છે. વ્યાપારમાં પણ અવરોધાત્મક પગલાં હોય તે દૂર કરવાનો અનુરોધ કર્યો છે.

વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકરની ચીન મુલાકાત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં બ્રિક્સ શિખર પરિષદ દરમિયાન ચીની પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા. આ પછી આપણા રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલે બે વખત ચીનની મુલાકાત લીધી છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ ચીન જઈ આવ્યા છે. આમ તાજેતરમાં બંને દેશ વચ્ચે સકારાત્મક સંબંધ અને વાતાવરણ હોવાનું મનાય છે. ભારત - ચીન સરહદ ઉપર પચાસ હજારથી વધુ સૈનિકો છે પણ શાંતિ જાળવવામાં આવે છે તે આપણા દ્વિપક્ષી સંબંધ સુમેળભર્યા હોવાની નિશાની છે - અને હવે આપણે સરહદ ઉપર તંગદિલી ઘટે તે દિશામાં આગળ વધવું જોઈએ એમ પણ વિદેશપ્રધાને કહ્યું છે.

પાકિસ્તાની આતંકવાદનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના ચીની વિદેશપ્રધાનને યાદ અપાવી કે શાંઘાઈ સંગઠનનો મૂળ ઉદ્દેશ આતંકવાદ અને અલગતાવાદ તથા અંતિમવાદનો પ્રતિકાર કરવાનો છે તે મુજબ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ - લેશમાત્ર સહિષ્ણુતા હોય નહીં એ મહત્ત્વનું છે અને ભારતની પણ આ નીતિ છે - એમ કહેવા પાછળ એમનો નિર્દેશ છે કે શાંઘાઈ સંગઠનની બેઠકે આતંકવાદને સખત શબ્દોમાં વખોડવો જોઈએ.

ભારત અને ચીન માટે જ રચનાત્મક સંબંધ લાભકારક છે અને વિશ્વ માટે પણ ફાયદાકારક છે, એમ કહેવા પાછળ ઇશારો ટ્રમ્પની ટેરિફ વૉર - સામે છે. હવે સંગઠનની બેઠકમાં અધ્યક્ષપદે બેઠેલા ચીન કેવા પ્રતિભાવ આપે છે તે જોવાનું છે. અમેરિકા અને યુરોપ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ અને ચીન પ્રત્યેની ‘કભી ગરમ કભી નરમ’ નીતિ વચ્ચે ચીનને ભારતની મૈત્રી જરૂરી બનશે એમ મનાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક