• મંગળવાર, 25 નવેમ્બર, 2025

ક્રિમિલેયર અંગે ચીફ જસ્ટિસનું યથાર્થ સૂચન

દેશના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બી. આર. ગવઈનો છએક માસનો કાર્યકાળ મહત્ત્વનો ગણાય. ચીફ જસ્ટિસપદે પહોંચનારા પહેલા બૌદ્ધ અને માત્ર બીજા જ દલિત ગવઈના નિર્ણયો અને આદેશોએ કાયદા વર્તુળમાં સર્વોચ્ચ અદાલતી કામગીરી, ચીફ જસ્ટિસ અૉફ ઇન્ડિયાના અધિકારો તથા ન્યાયાધીશોની નિમણૂક કરતી કૉલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતાના અભાવ બાબતે ચર્ચા જગાડી છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે ચીફ જસ્ટિસ ગવઈએ અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (એસસી-એસટી)ને મળતી અનામતમાં પણ ક્રિમિલેયરને બાકાત રાખવાના મુદ્દે વાત કરી હતી. જરૂરિયાતમંદ હોય તેને જ અનામતનો લાભ મળવો જોઈએ, કેમ કે અનામતનો આશય સામાજિક ન્યાયની ખાતરી તથા પછાત વર્ગને આગળ વધવાની એકસમાન તક મળે એ છે, પણ પછાત વર્ગમાંથી જેમણે પ્રગતિ કરી છે, તેમને કાયમ માટે આ લાભ મળતો રહે એ યોગ્ય નથી, એવી સ્પષ્ટ વાત જસ્ટિસ ગવઈએ કરી છે. 

અનામતના લાભ પછાત વર્ગમાંના ક્રિમિલેયરના સભ્યોને ન મળવો જોઈએ આ વિચાર આમ તો બહુ જૂનો છે. છેક, 1969માં પછાત વર્ગના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે તામિલનાડુ સરકારે સત્તનાથન કમિશનની રચના કરી હતી, તેના અહેવાલમાં પહેલીવાર ક્રિમિલેયરનો વિચાર રજૂ કરાયો હતો. 1986માં સર્વોચ્ચ અદાલતે કર્ણાટક સરકાર સંબંધિત એક ચુકાદામાં સૂચન કર્યું હતું કે, રાજ્ય સરકારે આર્થિક આધાર પર તપાસ કરવી જોઈએ, જેથી યોગ્ય લોકોને અનામતનો લાભ મળી શકે. જોકે, આ દિશામાં ઇન્દિરા સહાની વિ. ભારત સંઘ મામલામાં સર્વોચ્ચ અદાલતે અનામતની મર્યાદા પચાસ ટકા કરવાની તથા ઓબીસીમાં ક્રિમિલેયરનો નિયમ લાગુ કરવાનો ચુકાદો આપ્યો હતો. એ પછી કેન્દ્ર સરકારે ક્રિમિલેયરની વ્યાખ્યા કરવા માટે એક કમિશનની રચના કરી હતી. એ પછી ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એસસી-એસટી ક્વૉટાની અંદર ક્વૉટાને મંજૂરી આપી હતી, આશય એ હતો કે આ ક્વૉટામાંની બધી જ જાતિઓને તેનો લાભ મળે અને કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોને જ આ લાભ મળતાં ન રહે. જસ્ટિસ ગવઈ પણ આ વિચારના હિમાયતી રહ્યા છે. 

રાજકારણ અને સમાજકારણમાં ઊંડાં મૂળિયાં ધરાવનાર પરિવારમાં જન્મેલા ગવઈ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કલમ 370 નાબૂદીના નિર્ણયને માન્ય રાખનારી અને ઈલેક્ટોરલ બૉન્ડ યોજનાને નકારવાનો નિર્ણય લેનારી ખંડપીઠના તેઓ સભ્ય હતા. આ ઉપરાંત, 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધીનાં પગલાંને યોગ્ય ગણાવનારી બેન્ચમાં પણ તેઓ હતા. પ્રક્રિયાઓના ચુસ્ત પાલન અને નાગરી સ્વાતંત્ર્ય વચ્ચે સંતુલન જાળવવાનો અભિગમ હોય કે એસસી-એસટી અનામતમાં ક્રિમિલેયરનો મુદ્દો હોય કે પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ મહિલા જજની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી ન આપી શકવાનો ખેદ વ્યક્ત કરી ગવઈએ સતત સુધારા માટેના પ્રયાસનો પડઘો પાડયો છે.