કેન્દ્ર સરકારનું 2026-'27 માટેનું બજેટ એકંદરે વિકાસના પથ પર શાણપણ અને સંતુલન સાથે આગળ વધનારું છે. મોટી ધડાકાબંધ જાહેરાતો ગેરહાજર છે. તેને માટે અવકાશ પણ ન હતો. નાણાપ્રધાને ખાધઘટાડો, વિકાસખર્ચ, સમાવેશક વિકાસ, અદ્યતન ટેક્નૉલૉજીના પડકારો, સંરક્ષણ દળોની જરૂરિયાતો અને ચાવીરૂપ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નાણાપ્રધાન નિર્મલાએ પોતાનું
નવમું સળંગ બજેટ પેશ કરવા માટે રવિવાર પર પસંદગી ઉતારી. અપેક્ષા મુજબ બજેટમાં કોઈ આકર્ષક
કે લોભામણી યોજનાઓ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત
કરનારું લેખાવ્યું છે. વિરોધ પક્ષોની નકારાત્મક પ્રતિક્રિયા અપેક્ષિત જ હોય. રાહુલ
ગાંધીએ કહ્યું છે કે સરકારે યુવાનો, કિસાનો, મહિલાઓની અવગણના કરી છે.
એકંદરે વીતેલા વર્ષમાં ટેરિફ
સહિતના પડકારો, પ્રાકૃતિક સંકટો અને વૈશ્વિક સ્તરે યુદ્ધને લીધે અસ્થિર માહોલ વચ્ચે
નાણાપ્રધાને ભારતની સ્થિર ગતિ જળવાઈ રહે એની પર ફોકસ રાખ્યું છે. અર્થશાત્રીઓ માને
છે કે સરકાર સમક્ષ બીજો કોઈ વિકલ્પ નથી.
હકીકતમાં મહિલાઓ માટે દરેક
જિલ્લામાં છાત્રાલય, વિશેષ મૉલ સહિતની યોજના છે. હાઈ સ્પીડ રેલવે કૉરિડોર અને જળમાર્ગ
વેપાર-ઉદ્યોગ અને સામાન્ય આવાગમનને સરળ બનાવશે. કચ્છના ધોળાવીરા સહિત 15 હેરિટેજ સાઇટના
વિકાસ, વિદેશ પ્રવાસ પર કરઘટાડો, ગાઇડોને તાલીમ, બુદ્ધ સર્કિટ જેવાં પગલાં પ્રવાસન
ક્ષેત્રને વેગ આપશે.
વ્યક્તિગત આવકવેરો કે કૉર્પોરેટ
ટૅક્સમાં કોઈ નવી રાહત અપાઈ નથી. ઊલટું વાયદાના સોદાઓ પરનો એસટીટી (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન
ટૅક્સ) 0.02 ટકાથી વધીને 0.05 ટકા થવાથી શૅરબજારને ઝટકો લાગ્યો છે. આ પગલાથી શૅરબજારોમાં
કામકાજ ઘટશે અને વિદેશી રોકાણ થશે, એમ કહેવાય છે, પણ આવા આંચકાઓ ટૂંકજીવી હોય છે. વળી
સટ્ટાકીય કામકાજમાં મધ્યમ વર્ગના નાના છૂટક રોકાણકારોના ભોગે અદ્યતન ટેક્નૉલૉજી અને
ઊંડાં ખિસ્સાંવાળા મોટા રોકાણકારો કમાતા હોવાનું બહાર આવ્યા પછી નાણાં મંત્રાલય આવા
કામકાજને હતોત્સાહ કરવા માગે તો તેમાં કશું ખોટું નથી. સોવરેન ગોલ્ડ બૉન્ડ પરની એક
છટકબારી સરકારે બંધ કરી છે. આઠ વર્ષની મુદતના ગોલ્ડ બૉન્ડ પર રોકાણકારને મળતા મૂડીલાભને
કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિ અપાઈ હતી. સોનાના ભાવ વધી ગયા એટલે ગોલ્ડ બૉન્ડ પર
પ્રીમિયમ બોલવાં લાગ્યાં. ઘણા લોકોએ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ બચાવવા માટે બજારમાંથી ગોલ્ડ
બૉન્ડ ખરીદીને કરમાફીનો લાભ મેળવ્યો હતો. હવે નાણાપ્રધાને જાહેરાત કરી છે કે જે લોકોએ
મૂળ ઇસ્યૂ વખતે સરકાર પાસેથી સીધા બૉન્ડ ખરીદ્યા હશે તેમને જ મૂડી કરમાફીનો લાભ મળશે.
જેમણે બજારમાંથી ખરીદ્યા હશે તેમને કરમાફી નહીં મળે. આવી જોગવાઈ કરવી અને તે પણ પાછલી
મુદતથી લાગુ પાડવી એ ઘણા રોકાણકારોને દગાબાજી જેવું લાગશે, પરંતુ સરકારે ગોલ્ડ બૉન્ડમાં
તેનાં આંગળાં એવા દઝાડ્યાં છે કે કોઈપણ રીતે નુકસાની કાપવા તે આતુર છે.
સીધા કરવેરામાં આવકવેરાની
જૂની કે નવી પ્રણાલીમાં કોઈ નવી રાહત અપાઈ નથી, પરંતુ નાણાપ્રધાનના પ્રસ્તાવો સમગ્ર
વ્યવસ્થામાં માળખાગત સુધારા કરનારા છે. કરદાતાઓ માટે કાયદો સરળ બનશે, રિટર્ન ફાઇલ કરવાનું
સરળ બનશે, વિવાદો ઓછા થશે અને અનુપાલન માટે વધુ સમય મળશે. આડકતરા વેરામાં નિકાસની સ્પર્ધાત્મકતાને
ધ્યાનમાં રાખીને કસ્ટમ ડ્યૂટીમાં અને વિપરીત જકાતમાળખાંને દુરસ્ત કરવા માટે જીએસટીમાં
સંખ્યાબંધ ફેરફારો કરાયા છે જે વેપાર-ધંધો કરવાની સુગમતામાં વધારો કરનારા છે.
ખર્ચની વાત કરીએ તો કલ્યાણ
યોજનાઓ યોગ્ય વર્ગો માટે તકાયેલી છે. ખેડૂતો અને રોજગારી માટે સૌથી વધુ ફાળવણી કરાઈ
છે. અૉપરેશન સિંદૂરને પગલે સંરક્ષણ માટેની જોગવાઈમાં થયેલો વધારો અતિશય જરૂરી અને આવકારપાત્ર
છે. નાણાકીય ક્ષેત્રના સુધારા માટે એક સમિતિ રચવાની છે. બૉન્ડ માર્કેટમાં માર્કેટ મેકર્સ
નીમવાનો વિચાર સકારાત્મક છે અને કામકાજને વધારવામાં સહાયરૂપ થઈ શકે. નીતિની નજરે જોતાં
બજેટ ખેતી, ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર અને નિકાસ પર કેન્દ્રિત થયેલું છે જે એકમેક સાથે
સંકળાયેલાં છે. સાથોસાથ દુર્લભ ખનિજો અને રેર અર્થ મેગ્નેટ્સ માટે ચીન પરનું અવલંબન
ઘટાડવા માટે પણ કેટલીક પહેલ કરાઈ છે. ડેટા સેન્ટરોને અપાયેલું પ્રોત્સાહન ગ્લોબલ કૅપેબિલિટી
સેન્ટરોના મથક તરીકે ભારતનું સ્થાન સુદૃઢ બનાવશે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ
નાણાપ્રધાને વિકાસખર્ચમાં વધારો કરવા સાથે ખાધઘટાડો પણ ચાલુ રાખ્યો છે. ગયા બજેટમાં
આવકવેરામાં અપાયેલી રાહત અને ત્યાર બાદ જીએસટીના દરોમાં કરાયેલા ઘટાડાને કારણે કરવેરાની
આવક મૂળ અંદાજ કરતાં ઓછી રહી છે. સામે પક્ષે વિકાસખર્ચ પણ મૂળ જોગવાઈ કરતાં થોડો ઓછો
રહ્યો છે. એ હકીકત છે કે નવા યુગમાં બજેટ-ફાઇનલ નીતિ દસ્તાવેજ નથી હોતો. સરકારે જીએસટીમાં
બે વાર જંગી રાહતો આપી એ બજેટ સિવાયની જ જાહેરાત હતી. નોકરિયાત વર્ગ પણ ગત બજેટમાં
મોટી રાહતો પછી સતત બીજાં વર્ષે લાભની આશા ન રાખી શકે. આમે પણ એપ્રિલથી નવો કાયદો લાગુ
થવા જઈ રહ્યો છે. જસ્ટ વેઇટ ઍન્ડ વૉચ.
બજેટમાં રાજકીય રંગ ન જોવાય
તો જ નવાઈ. જે સાત નવા હાઈ સ્પીડ કૉરિડોર જાહેર થયા છે તેમાં દક્ષિણી રાજ્યો, શહેરોને
વધુ લાભ છે. ઉત્તર પ્રદેશ-વારાણસી માટે પણ વિશેષ જોગવાઈ છે.
નાણાપ્રધાનની સાવધાની તેમના
આવકોના અંદાજમાં પ્રગટ થાય છે. સીધા તેમ જ આડકતરા કરવેરામાં રાહતોને કારણે તેમ જ મૂડી
પ્રાપ્તિઓ ઓછી રહેવાથી સરકારની કુલ આવકમાં આશરે રૂા. 78,000 કરોડનું (2.3 ટકાનું) ગાબડું
પડ્યું છે. આ વર્ષે તેમણે કરવેરાની આવકમાં સુધારિત અંદાજ કરતાં માત્ર 7 ટકાનો વધારો
થવાનો અંદાજ મૂક્યો છે, જે (નૉમિનલ ફુગાવા સહિતની) રાષ્ટ્રીય આવકના અંદાજિત વધારા કરતાં
પણ ઓછો છે. નૉમિનલ રાષ્ટ્રીય આવકમાં 10 ટકાનો વધારો અપેક્ષિત છે અને ખરો (ફુગાવો બાદ
કર્યા પછીનો) વિકાસદર 6.8-7.2 ટકા રહેવાનો અંદાજ છે. અર્થાત્ જથ્થાબંધ ફુગાવો ત્રણેક
ટકા અને છૂટક ફુગાવો ચારેક ટકા રહેશે. મોટું કરજ લેવાની જરૂરિયાત અને ફુગાવો વધવાની
સંભાવના જોતાં રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડવાને બદલે યથાવત્ રાખવાનું પસંદ કરે એવી શક્યતા
વધુ છે.
એકંદરે આ બજેટમાં નવીનતા અને
આશ્ચર્યનું તત્ત્વ અદૃશ્ય છે, છતાં નાણાકીય શાણપણ અને ભવિષ્યનાં આશાસ્પદ ક્ષેત્રોને
ઉત્તેજન આપવા વચ્ચે સમતુલા સાધવામાં આવી છે, જે આવકાર્ય છે.