ભારતીય ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં દૃષ્ટાંતરૂપ ચુકાદો મદુરાઈની અદાલતે આપ્યો. 2020ના સાથાનકુલમ કસ્ટોડિયલ ડેથના કિસ્સાનો ચુકાદો આપતાં કોર્ટે એકસાથે નવ પોલીસકર્મીને ફાંસીની સજા ફરવામી. કોર્ટે પોતે પણ તેને રેરેસ્ટ અૉફ ધ રેર એટલે કે દુર્લભમાં પણ દુર્લભ એવો ચુકાદો કહ્યો છે. પોલીસ કે અન્ય કોઈપણ સત્તા પોતાની ક્ષમતા અને અધિકારોનો દુરુપયોગ કરતાં ડરે, સંયમ જાળવે તેવો આ કિસ્સો છે. ફિલ્મી વાર્તા લાગે તેવો આ બનાવ અત્યંત ગંભીર છે. 2020માં બનેલા આ બનાવનો ચુકાદો ભલે છ વર્ષે આવ્યો, પણ વર્ષો સુધી તેનું ઉદાહરણ અપાતું રહેશે એ નક્કી.
સાથાનકુલમમાં વેપારી પી. જયરાજ અને તેમના પુત્ર જે.
બેનિક્સનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું. શું ગુનો હતો બન્નેનો? કોરોનાને લીધે લૉકડાઉન
ચાલુ હતું. આ પિતા-પુત્રે સરકાર દ્વારા નિયત કરેલી અવધિ કરતાં વધારે સમય સુધી દુકાન
ખુલ્લી રાખી. 58 વર્ષના પિતા, 38 વર્ષના પુત્રને પોલીસે ઉઠાવી લીધા. એમને અમાનુષી રીતે
માર મારવામાં આવ્યો, બન્નેનાં મૃત્યુ થયાં. મદુરાઈની અદાલતે છ એપ્રિલે પોલીસ ઇન્સ્પેક્ટર
શ્રીધર સહિત નવ દોષિતને ફાંસીની સજા આપી. આ મુદ્દે કોર્ટના નિરીક્ષણો અત્યંત અગત્યના
છે. કોર્ટે કહ્યું કે કાયદાના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોને
બેરહેમીથી મારવા એ સમાજના અંતરાત્માને ધ્રુજાવી દેવાની ઘટના છે.
શક્તિ હોય-સત્તા હોય ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ,
આ ચુકાદો પોલીસ વિભાગમાં વ્યાપ્ત દંડમુક્તિની સંસ્કૃતિને કડક સંદેશ આપે છે કે ગણવેશની
અંદર છુપાઈને જો કોઈ અપરાધ કરશે તો તેણે કાયદાના ઉચ્ચતમ દંડનો સામનો કરવો પડશે, તેવું
કહીને કોર્ટે ટકોર કરી કે પોલીસનું કૃત્ય માત્ર અપરાધ જ નથી, પણ માનવઅધિકાર અને માનવીય
ગરિમા ઉપરનો પ્રહાર હતો. આરોપીને પોલીસ કબજામાં યાતના આપવી તે બંધારણીય મૂલ્યોનું ગંભીર
ઉલ્લંઘન છે. મદ્રાસ હાઇ કોર્ટે સુઓમોટો (પોતાની મેળે જ) આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી
હતી. લંબાણપૂર્વકની સુનાવણી અને 100થી વધારે સાક્ષીઓનાં નિવેદનો બાદ થયેલો આ નિર્ણય
ન્યાયપ્રણાલીની મજબૂતી દર્શાવે છે.
કસ્ટોડિયલ ડેથ નવી વાત નથી, પણ ચોંકાવનારી તો ખરી જ,
કેમ કે ભારતમાં 2026ના પહેલાં 74 દિવસમાં જ 170 લોકોનાં મોત પોલીસ કસ્ટડીમાં થયાં છે.
આ આંકડા સરકારી છે. આવા કિસ્સામાં અધિકારીની બદલી કે સસ્પેન્શન જેવાં પગલાં તેમાં લેવાતા
હોય પણ એકસાથે નવ પોલીસ કર્મચારીને ફાંસીની સજા એ આકરો ચુકાદો છે. કસ્ટોડિયલ ડેથના
આંકડા ચિંતાનો વિષય છે અને હવે આ મુદ્દે ગંભીર ચિંતન સમયની માગ છે.