કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે કૅબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણય લીધા તેમાં એક સૌથી મોટું પગલું મહિલા અનામત ખરડાને મંજૂરીનું હતું. સરકારે આ માટે વિરોધ પક્ષોનો સહયોગ માગ્યો છે અને વિધેયક પસાર કરાવવા 16થી 18 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
ભારતનો પુરાતન ઇતિહાસ અને પુરાણ પણ નારીશક્તિના મહિમાગાનથી
સમૃદ્ધ હોવા છતાં મહિલાઓ સત્તામાં ભાગીદારીથી લાંબો સમય વંચિત રહી છે. નારી ઉત્થાન
અને સમાનતાના માહોલમાં સંસદ અને ધારાગૃહોમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ
એક ક્રાંતિકારી પગલું બની રહેશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, 19મી સપ્ટેમ્બર, 2023ના રોજ
નવા સંસદગૃહની પહેલી જ બેઠકમાં સરકારે નારીશક્તિ વંદન અધિનિયમ દાખલ કર્યું હતું, તે
લોકસભામાં અને રાજ્યસભામાં પણ સર્વાનુમતે પસાર થયો છે, પણ કોઈ રાજકીય પક્ષ પુરુષપ્રધાન
માનસિકતા ત્યજીને મહિલાઓને સર્વોચ્ચ સ્તરે 33 ટકા અનામત આપવા રાજી ન હોય તેમ એ વિધેયક
કાયદાનું સ્વરૂપ લઇ શક્યું નથી.
1996માં પહેલીવાર 81મા સુધારા ખરડા તરીકે મહિલા અનામત
ખરડો દાખલ થયો હતો. રાજ્યસભામાં 2010માં તેને બહાલી મળી, પણ 2014માં લોકસભામાં લેપ્સ
થઇ ગયો હતો. આ ખરડાનો ઇતિહાસ જોતાં જણાય છે કે, નારી ઉત્થાન અને સશક્તીકરણના હિમાયત
જોરશોરથી કરતા રાજકીય પક્ષો ખરડો પસાર કરવાની વાત આવે ત્યારે નામુક્કર ગયા છે. હવે
મોદી સરકારની પહેલ નિર્ણાયક બની રહેશે.
106મો બંધારણીય સુધારા ખરડો 2023 કાયદાનું સ્વરૂપ મેળવશે
એ પછી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવી ફરજિયાત
થશે. હકીકતમાં નવી વસતિગણતરી અને ડિલિમિટેશનની વાટ જોવાતી હતી. નવાં સ્વરૂપમાં સરકારે
લોકસભાની બેઠક 543થી વધારીને 816 કરવાની દરખાસ્ત મૂકી છે. મહિલા અનામત 2029ની ચૂંટણીમાં
લાગુ થાય એવી સંભાવના છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ લેખ દ્વારા
નારીશક્તિને સશક્ત કરવાનું આહ્વાન આપ્યું છે. તેમણે કહ્યું કે, 21મી સદીની વિકાસયાત્રામાં
ભારત માટે આ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે. મહિલા
અનામત ખરડો પસાર કરવા માટે મળનારી સંસદની વિશેષ બેઠક ભારતની કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું
પ્રતિનિધિત્વ કરશે. નારીશક્તિએ રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશનાં
દરેક સેક્ટરમાં મહિલાશક્તિ દૃષ્ટાંત બનીને ઊભરી છે. વિજ્ઞાન, ટેક્નૉલૉજીથી લઈને ઉદ્યોગ
સાહસિકતા, રમત-ગમતનાં મેદાન, સંરક્ષણ દળો સુધી મહિલા પ્રભાવશાળી દેખાવ કરી રહી છે.
સંગીત-કળા ક્ષેત્રે પણ મોટું યોગદાન છે.
મોદીએ કહ્યું છે કે, કોઈપણ સમાજની સાચી પ્રગતિ ત્યારે
જ લેખાય જ્યારે માતા-બહેનોને આગળ વધવાની તક મળતી હોય. મહિલાઓને અનામતનો લાભ આપવાનો
અવસર બંધારણની મૂળભૂત ભાવનાને સુસંગત છે એમ કહેતાં વડા પ્રધાને તમામ રાજકીય પક્ષના
સંસદસભ્યોને નારીશક્તિ માટેના નિર્ણાયક પગલાંનું સમર્થન કરવા આહ્વાન કર્યું છે.